કચ્છી પ્રધાન તારાચંદ છેડાની તબિયત સુધારા પર
હૃદયરોગના હુમલા બાદ મુંબઈની બોમ્બે હોસ્પિટલમાં ગત સપ્તાહે ગુજરાતના રાજ્યપ્રધાન તારાચંદભાઈ છેડાના વાલ્વ બદલવાની અને બાયપાસની સફળ સર્જરી થઈ હતી.
ભૂજઃ હૃદયરોગના હુમલા બાદ મુંબઈની બોમ્બે હોસ્પિટલમાં ગત સપ્તાહે ગુજરાતના રાજ્યપ્રધાન તારાચંદભાઈ છેડાના વાલ્વ બદલવાની અને બાયપાસની સફળ સર્જરી થઈ હતી. આ સર્જરી હૃદયરોગના જાણીતા નિષ્ણાત ડો. ભટ્ટાચાર્ય દ્વારા થઇ હતી. તેમના પુત્ર જિગર છેડાના જણાવ્યા પ્રમાણે છ કલાક ઓપરેશન ચાલ્યા બાદ તબિયત હવે સુધારા ઉપર છે અને હજુ ચાર દિવસ આઈ.સી.યુ.માં રહેવું પડશે. ૧૨ દિવસ સુધી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેશે. ઓપરેશન દરમિયાન રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ, રાજ્યના પ્રધાનો સૌરભભાઈ પટેલ, નીતિન પટેલ, શંકરભાઈ ચૌધરી, કચ્છ કલેકટર મહેન્દ્ર પટેલ વગેરેએ ટેલિફોનિક ખબર અંતર પૂછયા હતા. તારાચંદભાઇની તબિયતમાં ઝડપભેર સુધારો થાય તે માટે અનેક સમાજના આગેવાનોએ વિવિધ દેવસ્થાનોમાં પ્રાર્થના કરી હતી.
ભૂજમાંથી પાક.નો મૂક-બધિર યુવાન મળ્યોઃ સલમાનખાનની નવી ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં તેને એક મૂક-બધિર બાળકી મળે છે કંઈક તેવો જ કિસ્સો ભૂજમાં બન્યો છે. શહેરના અમનનગરમાં મસ્જિદમાં રાતવાસો કરવા આવેલા એક મૂકબધિર મુસ્લિમ યુવકે પોતે પાકિસ્તાનના ઇસ્લામાબાદથી આવ્યો હોવાનું ઉર્દુ ભાષામાં લખી આપતા મસ્જિદના ટ્રસ્ટીઓએ પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે શંકાસ્પદ હાલતમાં મળેલા ૨૫ વર્ષીય યુવકની અટકાયત કરી હતી. સફેદ કલરનો મુસ્લિમ પોષાક પહેલા એ યુવકે એક કાગળ પર ઉર્દૂમાં પોતાનું નામ મહંમદ બાદશાહ હોવાનું અને પોતે મકબુલપુર- ઇસ્લામાબાદનો રહેવાસી હોવાનું જણાવે છે.
કચ્છ લોહાણા મહાજન આરોગ્ય-શિક્ષણ માટે સક્રિય બનશેઃ અખિલ કચ્છ લોહાણા મહાજન દ્વારા કચ્છમાં સાર્વજનિક રીતે આરોગ્ય અને શૈક્ષણિક સવલતો ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે. તાજેતરમાં અહિ જલારામ ભોજનાલયનું લોકાર્પણ કરતાં લોહાણા મહાજનના નવા પ્રમુખ બળવંતભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, અખિલ કચ્છ લોહાણા મહાજન દ્વારા ભૂજમાં આધુનિક સુવિધાયુક્ત હોસ્પિટલનું નિર્માણ કરવાનું આયોજન છે. આ ઉપરાંત આદિપુરમાં શૈક્ષણિક સંકુલ પણ ઊભું કરાશે. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ મહેશભાઈ ઠક્કરે લોહાણા સમાજના ભવ્ય ભૂતકાળને વાગોળતાં જણાવ્યું હતું કે સમાજે ‘આત્મનિર્ભરતા’ અને ‘એકતા’ કેળવવી પડશે.
પૂર્વ કચ્છને સંપૂર્ણ જિલ્લાનું વચન પૂર્ણ કરોઃ પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લા અલગ કરાયા પછી હવે વહીવટી સરળતા માટે પૂર્વ કચ્છને સંપૂર્ણ જિલ્લો જાહેરાત કરવા રાજ્ય સરકારે આપેલું વચન પૂર્ણ કરવા માગ થઇ રહી છે. આ અંગે યોગ્ય કાર્યવાહીની માંગણી પૂર્વ ધારાસભ્યો દ્વારા મુખ્ય પ્રધાનને કરાઈ છે. મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલને પાઠવેલા પત્રમાં પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના અગ્રણી વાલજી દનિચાએ જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છમાં આર.ટી.ઓ. સહિત વિવિધ સરકારી કચેરીઓના અભાવે હજારો અરજદારને ભૂજ સુધી લાંબા થવું પડે છે.
