૬૫ વર્ષની ઉંમરે યુનિવર્સિટીમાં પ્રથમ

સામાન્ય રીતે વ્યક્તિની ઉંમર વધે તેમ તે નિવૃત્તિ તરફ જવાનું વધુ પસંદ કરે છે. પરંતુ ભાવનગરના ડો. ઉમાકાંત જોશીએ ૬૫ વર્ષની ઉંમરે માસ્ટર ઓફ લોની ડિગ્રી મેળવીને તેમની વયના લોકોને એક નવો વિચાર આપ્યો છે.

ભાવનગરઃ સામાન્ય રીતે વ્યક્તિની ઉંમર વધે તેમ તે નિવૃત્તિ તરફ જવાનું વધુ પસંદ કરે છે. પરંતુ ભાવનગરના ડો. ઉમાકાંત જોશીએ ૬૫ વર્ષની ઉંમરે માસ્ટર ઓફ લોની ડિગ્રી મેળવીને તેમની વયના લોકોને એક નવો વિચાર આપ્યો છે. એલએલ.એમની ડિગ્રી મેળવવા ઉપરાંત તેમણે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ઉમાકાંતભાઇએ કાયદા વિદ્યાશાખાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવીને આશ્ચર્ય સર્જ્યું હતું. ગુજરાતના તબીબોમાં સૌપ્રથમવાર એલએલએમ થઇને તેમણે ઇતિહાસ રચ્યો છે. તેઓ સવાર-સાંજ નિયમિત રીતે પોતાના ક્લિનિકમાં મળે છે. આ ઉપરાંત બીજી અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. જિલ્લા હોમગાર્ડમાં કંપની કમાન્ડર રેન્ક ધરાવે છે, યુનિવર્સિટીના નૈસર્ગિક ચિકિત્સા વિભાગમાં પ્રોફેસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે માનદ્ સેવા બજાવે છે. તેઓ ઓલ ઇન્ડિયા આયુર્વેદ કોંગ્રેસ, એકેડેમી ઓફ આયુર્વેદ રિસર્ચ, એકેડેમિક પ્લાનિંગ બોર્ડના સભ્ય તરીકે પણ કાર્યરત છે.

અમરેલી જિલ્લાના વેપાર-ઉદ્યોગ માટે રોકડ સહાયઃ અમરેલી જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં ભારે વરસાદ અને પૂરના કારણે અસરગ્રસ્ત એકમો માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ રાહત યોજનાઓ જાહેર થઇ છે. જેમાં અતિ નાના (સુક્ષ્મ) વાણિજિ્યક, વેપારી અને સેવા એકમોને નુકસાનના ૫૦ ટકા ધોરણે રૂ. ૩૫ હજારની મર્યાદામાં રોકડ સહાય મળશે. જ્યારે લઘુ અને મધ્યમ વાણિજ્યિક વેપારી અને સેવા એકમોને બેન્ક લોન માટે ભલામણ કરાશે. બેન્ક લોન માટે એક વર્ષના ગાળા માટે પાંચ ટકાના દરે વધુમાં વધુ રૂ. બે લાખની મર્યાદામાં વ્યાજ સહાય ચૂકવાશે.

રવીન્દ્ર જાડેજા માતાના મઢની પદયાત્રાએઃ ભારતીય ક્રિકેટ ટીમમાં ‘સર’ના નામે ઓળખાતા રવીન્દ્ર જાડેજાએ તેમના વતન જામનગરથી કચ્છના આશાપુરા માતાના મઢ સુધીની લાંબી પદયાત્રા શરૂ કરી છે. દર વર્ષે નવરાત્રિમાં દેશભરના હજારો લોકો માતાના મઢની પદયાત્રા કરતા હોય છે. પરંતુ કોઈ આંતરરાષ્ટ્રીય ખેલાડી આવી લાંબી પદયાત્રા કરતો હોય તેવી આ કદાચ પ્રથમ ઘટના છે. રવિન્દ્ર જાડેજાએ પાંચ અંગત મિત્રો સાથે ૨૧ જુલાઇએ આ યાત્રાનો આરંભ કર્યો છે. જેમાં તેણે સાથે વિશાળ કાફલો સાથે રાખ્યો નથી. લગભગ ૩૭૫ કિલોમીટરની આ પદયાત્રા પૂરી કરતા જાડેજા લગભગ ૧૩ દિવસ પછી મંઝિલે પહોંચશે. જાડેજાએ મોટાભાગે રાત્રે જ ચાલે છે જેથી દિવસે તેના ચાહકો ભેગા ન થઈ જાય. આ પદયાત્રા દ્વારા રવિન્દ્ર જાડેજા હોટલનું જમવું નહીં તેવું નક્કી કર્યું છે. આથી તેના કાફલા સાથે એક ટ્રક છે. જેમાં રસોઇનો સામાન છે.

અલંગને બચાવવા રૂ. ૧૨૦૦ કરોડનો પ્રોજેક્ટઃ વિશ્વભરમાં જહાજ ભાંગવા માટે જાણીતા ભાવનગર જિલ્લાના અલંગ માટે રાજ્ય સરકારે એક ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. અલંગમાં પ્રદૂષણનો પ્રશ્ન વૈશ્વિક બની રહ્યો હોવાથી તેના ઉકેલ માટે આ આયોજન કર્યું છે. જહાજ ભાંગતી વખતે નીકળતા જોખમી કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવો જરૂરી બની ગયો છે. રૂ.૧૨૦૦ કરોડના ખર્ચે પ્રદૂષણ દૂર કરવા માટે ગુજરાત સરકારે કમર કસી છે. વિશ્વભરમાં ગુજરાતના અલંગનો વિરોધ વધી રહ્યો છે. જો પ્રદૂષણ દૂર નહીં થાય તો વિરોધ બહિષ્કારમાં ફેલાશે તેવી ભીતિ સેવાઇ રહી છે. જહાજના વોશિંગ માટે દરિયાકાંઠે સુવિધા ઊભી કરાશે. ઉપરાંત પ્રદૂષણ નિવારણ માટે વિવિધ પ્રકારની સગવડો શરૂ કરાશે.

પોલીસતંત્રે ઝવેરચંદ મેઘાણીના શૌર્યગીતોનું આલબમ બનાવ્યુંઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું તે પ્રખર સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના સન્માનમાં સુરેન્દ્રનગર પોલીસ દ્વારા અધિકૃત મ્યુઝિક આલબમ બનાવાયું છે. મેઘાણીના નિધનનાં ૬૮ વર્ષ પછી પ્રથમવાર મ્યુઝિક આલબમ ‘ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે’નું તાજેતરમાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે લોકાર્પણ કર્યું હતું. ખાસ તો આ આલબમ કોઈ મ્યુઝિક કંપની કે સાહિત્યપ્રેમીએ નહીં પણ સુરેન્દ્રનગર પોલીસે બનાવ્યું છે. જિલ્લાના પોલીસ વડા રાજેન્દ્ર અસારી કહે છે, ‘આ ગીતોમાં જે શૌર્યરસ છે તે અદ્ભુત છે. આજે પણ પોલીસો એ સાંભળે તો તેમનામાં થનગનાટ આવી જાય છે. 

૬૫ વર્ષની ઉંમરે યુનિવર્સિટીમાં પ્રથમ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.