કેર હોમની ફી ચૂકવવામાં નિષ્ફળ વૃદ્ધોની મિલકતો જપ્ત કરાય છે
લંડનઃ સ્થાનિક કાઉન્સિલો કેર હોમ્સની ફી ચૂકવી નહિ શકતાં વૃદ્ધ લોકો પાસેથી દર સપ્તાહે ૧૦૦થી વધુ મિલકતો જપ્ત કરી લે છે. સ્થાનિક સત્તાવાળાઓ સારસંભાળનાં ખર્ચની ચૂકવણી કરવા ઈનકાર કરતા હોવાથી પરિવારજનોને તેમની મિલકતો આપી દેવાની ફરજ પડે છે. દર વર્ષે આશરે ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ લોકો આ રીતે પોતાની મિલકતો ગુમાવી રહ્યા છે.
સરકારે ૨૦૧૬ સુધી સારસંભાળના ખર્ચ પર મર્યાદાનું વચન આપ્યું છે, પરંતુ તે ૭૨,૦૦૦ પાઉન્ડ અથવા તેથી વધુના બિલ પર જ લાગુ પડશે. ૨૩,૨૫૦ પાઉન્ડથી વધુ મૂલ્યની મિલકતો ધરાવનારાએ પોતે જ મકાન વેચીને ખર્ચની ચૂકવણી કરવી પડે અથવા સગાનું મૃત્યુ થાય ત્યારે મિલક્ત આપી દેવાની તૈયારી રાખવી પડે છે.
ફ્રીડમ ઓફ ઈન્ફર્મેશન વિનંતીથી મેળવેલી માહિતીના કારણે સારસંભાળની જંગી ફી ચૂકવવાની ફરજ પડે છે તેવા હજારો પરિવારોને મદદ કરવા સરકાર પર દબાણ વધી જશે. ટીકાકારોનું કહેવું છે કે આ સિસ્ટમના કારણે પરિવારોએ વારસો ગુમાવવો પડે છે અને જે લોકોએ બચતો કરી છે અને મોર્ગેજીસ ચૂકવવા સખત મહેનત કરી છે તેઓ દંડાય છે.
