અજમેરની દરગાહમાં મોદીએ મોકલેલી ચાદર ચઢાવાઇ

અજમેરમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહમાં વડા પ્રધાન નરેન્દ્રએ મોકલેલી ચાદર ચઢાવાઇ છે.
અજમેરઃ અજમેરમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહમાં વડા પ્રધાન નરેન્દ્રએ મોકલેલી ચાદર ચઢાવાઇ છે. મોદી તરફથી કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ ચાદર ચઢાવી હતી. ખ્વાજાના દર ઉપર ચાદર ચઢાવવાની પ્રથા જૂની છે. વડાપ્રધાન મોદીની ચાદર ખાસ બની ગઈ છે કે મોદીએ દેશની સૌથી જૂની પ્રથાને યથાવત રાખી છે. તો બીજી તરફ પરંપરા મુજબ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી તરફથી પણ અહીં ચાદર ચઢાવવામાં આવી હતી. ફતેહપુરી મસ્જિદના શાહી ઈમામ મોલાના મુકર્જમ અહમદે જણાવ્યું હતું કે, ‘મને એવું લાગે છે કે, મોદી મુસલમાનોમાં સારો સંદેશો મોકલવા માંગે છે. અમને વિશ્વાસ છે કે, આનાથી દેશમાં ધાર્મિક સૌહાર્દ વધશે. મોદીના આ પગલાંથી સારો સંદેશો જશે.’ ખ્વાજાના ૮૦૩માં ઉર્સના પ્રસંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામાની ચાદર પણ દરબારમાં ચઢાવાઇ છે. ઇતિહાસમાં પ્રથમવાર અમેરિકાના રાષ્ટ્રપતિએ ચાદર મોકલી છે. પૂર્વ વડા પ્રધાન અટલજી દ્વારા ૧૯૭૭થી દર વર્ષે દરગાહમાં ચાદર ચઢાવાય છે.
