દિલ્હીમાં ખેડૂતે જાહેરસભામાં ફાંસો ખાધો

અહીં એવી ઘટના ઘટી કે આખો દેશ આઘાતમાં સરી પડયો.
નવી દિલ્હીઃ અહીં એવી ઘટના ઘટી કે આખો દેશ આઘાતમાં સરી પડયો. કેન્દ્ર સરકારે રજૂ કરેલા વિવાદાસ્પદ જમીન સંપાદન વટહુકમના વિરોધમાં આમઆદમી પાર્ટી દ્વારા ૨૨ એપ્રિલે દિલ્હીનાં જંતરમંતર ખાતે આયોજિત રેલીમાં રાજસ્થાનના દૌસા જિલ્લાના નાંગલ ગામના ૪૫ વર્ષીય ખેડૂત ગજેન્દ્રસિંહે હજારો લોકોની ભીડ વચ્ચે વૃક્ષ પર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. દેશમાં ખેડૂતોની દુર્દશાનો ચિતાર આપતી આ એક વરવી ઘટના છે.
ધોતી અને પાઘડીમાં સજ્જ ગજેન્દ્રસિંહ ઝાડુ લઇને પહોંચ્યો હતો. રેલીમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ભાષણ આપી રહ્યા હતા ત્યારે ગજેન્દ્ર ઝાડ પર ચડી ગયો હતો અને જય જવાન જયકિસાન સૂત્રોચ્ચાર કરી ગળે ફાંસો ખાઈ લીધો હતો. તરત જ ગજેન્દ્રને ત્રણ યુવાનોએ નીચે ઉતાર્યો અને તાકીદે રામમનોહર લોહિયા હોસ્પિટલ ખાતે ખસેડયો હતો પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. ગૃહમંત્રાલયે દિલ્હી પોલીસને કાવતરાનાં પાસાં પર તપાસ કરવા સૂચના આપી છે.
ગજેન્દ્રની આત્મહત્યાની અરવિંદ કેજરીવાલ પર કોઈ અસર થઈ નહોતી. બપોરે દોઢ કલાકે ઘટના બન્યા બાદ પણ કેજરીવાલ સહિતના નેતાઓ એક પછી એક ભાષણ આપતા રહ્યા હતા. જેમાં કુમાર વિશ્વાસ, સંજયસિંહ અને કેજરીવાલે દોષનો ટોપલો પોલીસ પર ઢોળ્યો હતો. કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે માનવતાવાદી દૃષ્ટિકોણ અપનાવવો જોઈતો હતો. પોલીસે માનવતા દર્શાવી ખેડૂતને બચાવવો જોઇતો હતો. ઘટના બાદ ૮૦ મિનિટ સુધી રેલીમાં ભાષણ ચાલતાં રહ્યાં હતાં. આપના નેતાઓએ બચાવમાં જણાવ્યું હતું કે દોડધામ મચે નહીં તે માટે રેલી ચાલુ રખાઇ હતી.
ગજેન્દ્રસિંહની આત્મહત્યા બાદ રાજકીય પક્ષોએ સામે આરોપ-પ્રત્યારોપની મૂક્યા હતા. આપના નેતાઓએ પોલીસને જવાબદાર ગણાવી, તો કોંગ્રેસ સહિતના વિપક્ષોએ જમીનસંપાદન અને સરકારી નીતિઓ પર પ્રહાર કર્યા હતા. ભાજપે હુમલામાં પાછી પાની કરી નહોતી.
કુમાર વિશ્વાસે ઘટના પાછળ કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી હતી. સોમનાથ ભારતીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે આ એક સુનિયોજિત કાવતરું લાગે છે.
ગજેન્દ્રની સૂસાઇડનોટ
ગજેન્દ્રસિંહ પાસેથી મળેલી કથિત સુસાઇડનોટમાં તેણે લખ્યું હતું કે, હું રાજસ્થાનના દૌસા જિલ્લાનો ખેડૂત છું. કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં મારા પિતાએ મને મારા ત્રણ સંતાનો સાથે ઘરમાંથી હાંકી કાઢયો હતો. અંતે તેણે લખ્યું છે કે જય જવાન જય કિસાન.
મોદી-કેજરીવાલ સામે FIR નોંધો
કોંગ્રેસના પ્રવક્તા સત્યવ્રત ચતુર્વેદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે આત્મહત્યા માટે ઉકસાવવાનો કેસ નોંધવો જોઇએ, પીએમ મોદી અને સીએમ કેજરીવાલને જવાબદાર ગણવા જોઇએ.
માનવતાની હત્યા
ભાજપના પ્રવક્તા સમ્બિત પાત્રાએ જણાવ્યું હતું કે એક વ્યક્તિ આત્મહત્યા કરી રહી હતી ત્યારે કેજરીવાલ માટે ભાષણ, કારકિર્દી અને રાજકારણ વધુ મહત્ત્વનાં હતાં. જંતરમંતર પર માનવતાની હત્યા થઈ છે.
જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ખેડૂતો ભય ન પામે. અમે તમામ મદદ કરીશું. મોદી સરકાર ખેડૂતો સાથે રમત રમી ઉદ્યોગપતિ મિત્રોના લાભમાં જ કામ કરી રહી છે.
