કંપાલામાં સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે બાબા ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી
વિશ્વ પ્રસિદ્ધ બાગેશ્વરધામ નિવાસી બાબા શ્રી ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી તાજેતરમાં કંપાલા સ્થિત શ્રી સનાતન ધર્મ મંડળ સોમનાથ મંદિરના શતાબ્દી સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા. આ અવસરે તેઓ કંપાલામાં એસ.કે.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિરનાં દર્શને પધાર્યા હતા.
કંપાલાઃ વિશ્વ પ્રસિદ્ધ બાગેશ્વરધામ નિવાસી બાબા શ્રી ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી તાજેતરમાં કંપાલા સ્થિત શ્રી સનાતન ધર્મ મંડળ સોમનાથ મંદિરના શતાબ્દી સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા. આ અવસરે તેઓ કંપાલામાં એસ.કે.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિરનાં દર્શને પધાર્યા હતા. આ પ્રસંગે એસજીવીપીના અધ્યક્ષ પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામી તથા મંદિરના વડા મનીષ શિયાણી, કચ્છી પટેલ સમાજના વડા જીતેશ વાઘજીયાણી અને મંદિર બોર્ડના સભ્યોએ બાબાજીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પૂ. સ્વામીજીએ ધીરેન્દ્ર શાસ્ત્રીજીને જણાવ્યું હતું કે, સનાતન સોમનાથ મંદિર અને શ્રી સ્વામિનારાયણ મંદિર જેવા ધાર્મિક સ્થળોના પ્રભાવને કારણે યુગાન્ડામાં એક નાના ભારતનું નિર્માણ થયું છે. સનાતન મંદિરના વડા પરેશ મહેતા ગુરુકુળના વિદ્યાર્થી છે. આ સ્વામિનારાયણ મંદિર ભગવાન શ્રી સ્વામિનારાયણના મૂળ સંપ્રદાયનું છે. આ ભવ્ય મંદિર ટોરોરો સિમેન્ટના ચેરમેન હસમુખભાઈ ભૂડિયા અને કચ્છી ભક્તોના સમર્પણથી બનાવાયું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ સનાતન વૈદિક ધર્મના પ્રચારક હતા.બાબાજીએ શ્રી સનાતન હિન્દુ ધર્મની વિશેષતા સમજાવતા કહ્યું કે, ઇસ્કોન અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય જેવા ધાર્મિક સંગઠનો સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મનો પ્રચાર કરી રહ્યા છે અને તે ખૂબ જ પ્રશંસનીય છે. અમને એ જાણીને આનંદ થયો કે અહીં શ્રી સ્વામિનારાયણ મંદિર અને સનાતન મંદિર બંને ધાર્મિક કાર્ય સાથે મળીને કરે છે.
