કોબા પ્રેક્ષા વિશ્વભારતીય ખાતે આચાર્ય મહાશ્રમણજીનો ચાતુર્માસ પ્રવેશ
ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વભારતી ખાતે આચાર્ય મહાશ્રમણજીના ચાતુર્માસ પ્રવેશ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, ચાતુર્માસ દરમિયાન સાધુ-સંતો એક જ જગ્યાએ રોકાણ કરે છે અને લોકો સાથે શાસ્ત્રો તથા આત્મા-પરમાત્મા વિષે ચર્ચા કરે છે તથા લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરીને આત્માના વિકાસનો માર્ગ આપે છે. આપણા સૌ માટે આનંદની વાત છે કે, આચાર્ય પ્રવર મહાશ્રમણજી ચાર મહિના અહીં રહેશે. આપણે તેમના જ્ઞાનનો લાભ અવશ્ય લેવો જોઈએ.
ગાંધીનગરઃ કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વભારતી ખાતે આચાર્ય મહાશ્રમણજીના ચાતુર્માસ પ્રવેશ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, ચાતુર્માસ દરમિયાન સાધુ-સંતો એક જ જગ્યાએ રોકાણ કરે છે અને લોકો સાથે શાસ્ત્રો તથા આત્મા-પરમાત્મા વિષે ચર્ચા કરે છે તથા લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરીને આત્માના વિકાસનો માર્ગ આપે છે. આપણા સૌ માટે આનંદની વાત છે કે, આચાર્ય પ્રવર મહાશ્રમણજી ચાર મહિના અહીં રહેશે. આપણે તેમના જ્ઞાનનો લાભ અવશ્ય લેવો જોઈએ.
અહિંસાની વ્યાખ્યા આપતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, પ્રાણીમાત્ર પ્રત્યે દયા, કરુણા અને સહિષ્ણુતાની ભાવના રાખવી, મન, વચન અને કર્મથી કોઈ વિશે ખરાબ ન વિચારવું એ જ સાચી અહિંસા છે.
આ પ્રસંગે આચાર્ય મહાશ્રમણજીએ ધર્મની વ્યાખ્યા સમજાવતાં કહ્યું કે, ધર્મના ત્રણ પ્રકાર છે, અહિંસા, સંયમ અને તપ સૌથી ઉત્કૃષ્ટ ધર્મ છે. પ્રાણીમાત્ર પ્રત્યે અહિંસાની ભાવના, મૈત્રીપૂર્ણ વ્યવહાર, તમામ પ્રાણીઓને આપણા સમાન માનવા એ જ સાચો ધર્મ છે. જે વ્યવહાર આપણા માટે પ્રતિકૂળ છે, તેવો વ્યવહાર અન્ય સાથે કરવો જોઈએ નહીં. આપણને સુખ ગમે તો અન્યને પણ સુખ જ ગમે, આપણે અપમાન સહન ન કરી શકીએ તો કોઈનું અપમાન ન કરવું જોઈએ. આપણે જે અન્ય પાસેથી ઈચ્છીએ છીએ તેવું વર્તન આપણે બીજા સાથે કરીએ તે જ સાચી અહિંસા છે.
