ગુજરાત હિન્દુ સોસાયટી દ્વારા પ્રકાશોત્સવની ઉત્સાહપૂર્વક ત્રિદિવસીય ઊજવણી

ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટન કોમ્યુનિટી દ્વારા ત્રણ દિવસ સુધી પ્રકાશોત્સવ દિવાળીની ઊજવણી ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. નૂતન વર્ષ નિમિત્તે ભગવાનને અન્નકૂટ ધરાવાયો હતો. ઊજવણીના દિવસો દરમિયાન 1000થી વધુ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી.

 પ્રેસ્ટનઃ ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટન કોમ્યુનિટી દ્વારા ત્રણ દિવસ સુધી પ્રકાશોત્સવ દિવાળીની ઊજવણી ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. નૂતન વર્ષ નિમિત્તે ભગવાનને અન્નકૂટ ધરાવાયો હતો. ઊજવણીના દિવસો દરમિયાન 1000થી વધુ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી.

ભક્તો દર્શન અને પ્રાર્થના કરી શકે તે માટે સોમવાર, 20 ઓક્ટોબરે આખો દિવસ મંદિર ખુલ્લું રખાયું હતું. લોકોએ એકબીજા સાથે હળવામળવા અને તહેવારનો આનંદ માણવાનો લહાવો લીધો  હતો.મંગળવાર 21 ઓક્ટોબરે સેન્ટરના કારપાર્કિંગમાં અભૂતપૂર્વ આતશબાજી યોજાઈ હતી જેમાં 500થી વધુ લોકોએ હાજરી આપી હતી. લગભગ અડધા કલાકની આતશબાજીએ રાત્રિના આકાશને પ્રકાશ અને રંગોથી ભરી દીધું હતું. બુધવાર 22 ઓક્ટોબરે હિન્દુ નૂતન વર્ષના આરંભે 150થી વધુ ભક્તજનો વહેલી સવારથી મંદિરમાં દર્શન અને સવારના 9 વાગ્યાની પ્રથમ આરતીમાં ભાગ લેવા આવ્યા હતા.

સંસ્થાના પ્રમુખ દશરથભાઈ નાયીએ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી. મંદિરના પૂજારીએ શાંતિ અને સમૃદ્ધિ અર્થે પ્રાર્થના કરી સહુને આશીર્વાદ આપ્યા હતા. સવારના 10.30થી 11.30  કલાક સુધી મંદિરમાં મૂર્તિઓ સમક્ષ 108  વિવિધ વ્યંજનો ધરાવવા અન્નકૂટ તૈયાર કરાયો હતો અને બપોરના 12.00 કલાકે મંદિરનો પડદો દર્શન માટે ખોલી દેવાયો હતો.

પ્રેસ્ટન સિટી કાઉન્સિલ (PCC)ના ચીફ એક્ઝિક્યુટિવ મિ. એડ્રિઆન ફિલિપ્સ અને સેન્ટ સ્ટિફન્સ સ્કૂલના હેડટીચર મિ. જ્હોન કોક્સહેડ સહિતના મહાનુભાવો મંદિરમાં વિશિષ્ટ મહેમાન બન્યા હતા. રેડિયો લેન્કેશાયર અને લેન્કેશાયર ઈવનિંગ પોસ્ટ દ્વારા મંદિરમાં ઊજવણીનું જીવંત કવરેજ કરવામાં આવ્યું હતું અને વ્યાપક સમુદાયને આનંદમાં સહભાગી બનાવ્યો હતો.

બપોરના 12.30 કલાકે મુખ્ય આરતી યોજાઈ હતી તેમજ દિવસભર દર કલાકે ભગવાનની આરતીઓ કરવામાં આવી હતી, સાજે 6.00 વાગ્યે સમાપન  આરતી કરાઈ હતી. આ પછી, અન્નકૂટનો પ્રસાદ મુખ્ય હોલમાં લવાયો હતો અને  ભક્તોએ વિવિધ વ્યંજનોના પ્રસાદનો લહાવો લીધો હતો.

ગુજરાત હિન્દુ સોસાયટી અન્નકૂટ પ્રસાદ અને આતશબાજીના પ્રદર્શન નિમિત્તે ઉદાર હાથે ફાળો આપવા બદલ તમામ ભાવિક ભક્તો અને સ્વયંસેવકોની ખાસ આભારી છે. હવે હિન્દુ નૂતન વર્ષનો આરંભ થઈ ગયો છે ત્યારે  કોમ્યુનિટી શનિવાર 1 નવેમ્બરે (10:30 AM – 3:30 PM) જલારામ જયંતી તેમજ રવિવાર 2 નવેમ્બરે (સમગ્ર દિવસ) તુલસી વિવાહની ઊજવણીઓ માટે સજ્જ બની છે.

 

ગુજરાત હિન્દુ સોસાયટી દ્વારા પ્રકાશોત્સવની ઉત્સાહપૂર્વક ત્રિદિવસીય ઊજવણી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.