યુક્રેનના શરણાર્થીઓને ભોજન માટે માનવતાનું ઉમદા કાર્ય

યુક્રેનના જરૂરતમંદ શરણાર્થીઓની મદદ માટે ઉદાર હાથે ફાળો ઉઘરાવવા માટે રવિવારે લોટસ ટ્રસ્ટ તથા ઇસ્કોન ભક્તિવેદાન્તા મેનોર તરફથી ચેરિટી વોકનું આયોજન કરાયું હતું. વોકના અંતે એકત્ર થયેલી રકમને યુક્રેનના કીવ અને ખાર્કિવ પ્રાંતોમાં મોકલવાનું આયોજન કરાયું હતું.
લંડનઃ યુક્રેનના જરૂરતમંદ શરણાર્થીઓની મદદ માટે ઉદાર હાથે ફાળો ઉઘરાવવા માટે રવિવારે લોટસ ટ્રસ્ટ તથા ઇસ્કોન ભક્તિવેદાન્તા મેનોર તરફથી ચેરિટી વોકનું આયોજન કરાયું હતું. વોકના અંતે એકત્ર થયેલી રકમને યુક્રેનના કીવ અને ખાર્કિવ પ્રાંતોમાં મોકલવાનું આયોજન કરાયું હતું.
નોર્થ લંડનમાં કેમરોઝ એવન્યુ, એજવેર ખાતે ક્રિષ્ના અવન્તિ પ્રાઇમરી સ્કૂલથી સવારે ૯ વાગ્યે શરૂ થયેલી 6 માઇલની ચેરિટી વોક બપોરે ૧૨ વાગ્યે ભક્તિવેદાન્તા મેનોર-વોટફોર્ડ પાસે પહોંચી હતી. અબાલવૃદ્ધ સૌ કોઈ મદદની ભાવના સાથે આ વોકમાં ઊમટી પડ્યા હતા. જેમાં ૮૦ વર્ષના વડીલોથી માંડીને ત્રણ-ચાર વર્ષનાં બાળકો સહિત 200થી 250 જેટલા સ્વયંસેવકોનો સમાવેશ થતો હતો. આ પ્રસંગે લંડનના ડેપ્યુટી મેયર ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલે ખાસ ઉપસ્થિત રહીને વોકને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તો લોટસ ટ્રસ્ટના ચેરમેન ડો. સંજીવ અગ્રવાલે માનવતાના કાર્યમાં ભાગ લઈને મદદ પહોંચાડનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
એકત્ર થયેલી રકમને યુક્રેનનાં કીવ, ખાર્કિવ વગેરે શહેરોમાં જ્યાં અંડરગ્રાઉન્ડ મથકોમાં દૈનિક ધોરણે ભોજન અપાય છે તેવા પ્રદેશોમાં મોકલવાનું આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, લોટસ ટ્રસ્ટે આ અભિયાનનાં શ્રીગણેશ તો બે મહિના પહેલાં જ કરી દીધાં હતાં, અને શરૂઆતમાં જ યુક્રેનથી નીકળીને હંગેરી, પોલેન્ડ અને રોમાનિયા જેવા પડોશી દેશોમાં આવી રહેલા હજારો શરણાર્થી લોકોને ગરમ શાકાહારી ભોજન પહોંચાડવાનું શરૂ કરી દીધું હતું. યુક્રેનમાં પણ આ રીતે ભોજનની વ્યવસ્થા કરાઇ હતી. યુક્રેનમાં ભોજનની વ્યવસ્થા માટે કાચા માલની જરૂરિયાત હોવાનું ધ્યાન પર આવતાં લોટસ ટ્રસ્ટ દ્વારા ચોખા, કઠોળ, ટામેટાનાં ટિન વગેરે સાપ્તાહિક ધોરણે વિવિધ માર્ગે યુક્રેનમાં જ 2000થી 5000 કિલોનો સામાન અન્ય ખાદ્ય સામગ્રી સહિત મોકલવાની જોગવાઈ કરાઈ હતી.
