લેસ્ટરમાં હોળીની ઐતિહાસિક ઊજવણીનાં 50 વર્ષઃ હજારો લોકો જોડાયા
યુકેમાં સૌપ્રથમ વખત લેસ્ટરમાં જાહેરમાં હોળીના તહેવારની ઊજવણી કરાઈ તેને સીમાચિહ્નરૂપ 50 વર્ષ પૂરાં થયા છે ત્યારે લેસ્ટરમાં હજારો લોકોએ 13 માર્ચ ગુરુવારના દિવસે હોળીની ઊજવણીમાં ભાગ લીધો હતો. લેસ્ટરમાં સ્પિની હિલ પાર્ક અને રુશી ફિલ્ડ્સ ખાતે હોળી પ્રગટાવાઈ હતી અને લોકોએ વસંતોત્સવ નિમિત્તે એકબીજા પર રંગ નાખવાનો આનંદ માણ્યો હતો.
લેસ્ટરઃ યુકેમાં સૌપ્રથમ વખત લેસ્ટરમાં જાહેરમાં હોળીના તહેવારની ઊજવણી કરાઈ તેને સીમાચિહ્નરૂપ 50 વર્ષ પૂરાં થયા છે ત્યારે લેસ્ટરમાં હજારો લોકોએ 13 માર્ચ ગુરુવારના દિવસે હોળીની ઊજવણીમાં ભાગ લીધો હતો. લેસ્ટરમાં સ્પિની હિલ પાર્ક અને રુશી ફિલ્ડ્સ ખાતે હોળી પ્રગટાવાઈ હતી અને લોકોએ વસંતોત્સવ નિમિત્તે એકબીજા પર રંગ નાખવાનો આનંદ માણ્યો હતો.
સ્પિની હિલ પાર્ક ખાતે હોળી ઈવેન્ટના પાંચ દાયકાની ઊજવણી કરાઈ હતી. સૌપ્રથમ વખત 1975માં શારદાબહેન કાનાબારે લેસ્ટરમાં હોળીના તહેવારની જાહેર ઊજવણીનો પાયો નાખ્યો હતો. બીજી તરફ, ગત વર્ષે હોળીની ઊજવણીને મળેલી અપાર સફળતાના પગલે મેલ્ટન રોડ પરના શ્રીહનુમાન ટેમ્પલના ભક્તોએ આ વર્ષે પણ રુશી ફિલ્ડ્સ ખાતે તહેવારને ઉજવ્યો હતો. ગુરુવાર 13 માર્ચના દિવસે આ બંને ઈવેન્ટ્સના કેન્દ્રમાં દુષ્ટ હોલિકાના દહન તેમજ આસુરી શક્તિ પર દિવ્ય શક્તિના વિજયરૂપે પ્રતીકાત્મક હોળી- બોનફાયર્સ રહ્યા હતા. લેસ્ટરની વિવિધ કોમ્યુનિટીના લોકોએ આ ઊજવણીમાં ભાગ લીધો હતો.
સ્પિની હિલ પાર્ક ખાતે હોળી ઈવેન્ટના સ્થાપક શારદાબહેન કાનાબારની પુત્રી મીનાબહેન કાનાબાર પટેલે પૂજા અને હોળી પ્રાગટ્યવિધિમાં ભાગ લીધો હતો. મીનાબહેને જણાવ્યું હતું કે,‘ તમે જ્યારે આ તહેવારમાં ભાગ લો છો, કોઈ પણ સ્થળે ઉજવાતો હોય, લોકોના ચહેરા પર છવાયેલા આનંદ અને સંવાદિતાને નિહાળવાનું ખરેખર અદ્ભૂત છે.’
રુશી ફિલ્ડ્સ ખાતે શ્રીહનુમાન ટેમ્પલના સેક્રેટરી રાજેશભાઈ પટેલે આ ઊજવણીનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે‘તહેવારના કેન્દ્રમાં હોળી પ્રગટાવવાનું મહત્ત્વ છે જેની આગમાં પોતાના ભત્રીજા ‘પ્રહલ્લાદ’ને મારી નાખવાં ઈચ્છતી દુષ્ટ ‘હોલિકા’ જ ભસ્મ થઈ જાય છે. આ બાબત અશુભ પર શુભના વિજયને સૂચવે છે.’
સ્પિની હિલ પાર્ક ખાતે હોળી ઈવેન્ટનો અનોખો ઈતિહાસ છે. 1990ના દાયકાના ઉત્તરાર્ધમાં ફાયર સર્વિસના બજેટમાં કાપ મૂકાવાથી તે રદ થઈ જવાની શક્યતા હતી. ફાયર સર્વિસમાં ડાયવર્સિટી એડવાઈઝર તરીકે કામ કરતાં મીનાબહેન પટેલે કોમ્યુનિટીના એકીકરણમાં આ ઈવેન્ટ મહત્ત્વની તક હોવાની દલીલ સાથે હોળી ઈવેન્ટ ચાલુ રાખવા સપોર્ટની હિમાયત કરી હતી. કોમ્ફોર્ડ સ્ટ્રીટ ખાતેના મંદિરમાં 1974માં કમિટી મેમ્બર રહેલા કાઉન્સિલર રશ્મિ જોશીએ આ વર્ષે પણ સ્પિની હિલ પાર્ક ઊજવણીમાં હાજરી આપી હતી અને કાઉન્સિલ સાથે કરાયેલી પ્રારંભિક વાટાઘાટોને પણ તેમણે યાદ કરી હતી. તેમની ભૂમિકાએ વર્તમાન લેસ્ટરમાં મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક પરંપરાની સ્થાપનામાં ભાગ ભજવ્યો હતો.
