‘પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર...’ મોદીને અબુધાબી મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપતા મહંત સ્વામી મહારાજ

‘પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર.....

યુએઇના અબુધાબીમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય BAPS મંદિરના 14 ફેબ્રુઆરીના રોજ યોજાનારા ઉદ્ઘાટન સમારોહ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પૂ. મહંત સ્વામી મહારાજે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. 28 ડિસેમ્બરે પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસ મંદિરના આગેવાનો સાથે વડાપ્રધાન મોદીને મળ્યા હતા અને આ આમંત્રણ સુપ્રત કર્યું હતું.

અમદાવાદ: યુએઇના અબુધાબીમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય BAPS મંદિરના 14 ફેબ્રુઆરીના રોજ યોજાનારા ઉદ્ઘાટન સમારોહ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પૂ. મહંત સ્વામી મહારાજે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. 28 ડિસેમ્બરે પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસ મંદિરના આગેવાનો સાથે વડાપ્રધાન મોદીને મળ્યા હતા અને આ આમંત્રણ સુપ્રત કર્યું હતું. વડાપ્રધાને આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરતા આ ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત મંદિર માટે ઉત્સાહપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું.
પૂ. મહંત સ્વામી મહારાજ દ્વારા વડાપ્રધાનને અપાયેલા અંગત આમંત્રણમાં ‘પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર મોદી સાહેબ...’ સંબોધન કરાયું હતું જે પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રેમ અને આધ્યાત્મિક ભાવનાને વાચા આપતું હતું. આ સંબોધન વડાપ્રધાને સાધુ-સંતો પાસેથી સંપાદિત કરેલાં અનન્ય સ્નેહ અને અનુગ્રહ વિશે ઘણું કહી જાય છે.
વરિષ્ઠ સંત પૂ. ઈશ્વરચરણદાસ સ્વામીએ પરંપરાગત રીતે વડાપ્રધાનને હાર પહેરાવી અને ખભે કેસરી શાલ ઓઢાડીને આપણા દેશ અને દુનિયામાં તેમના નોંધપાત્ર યોગદાનને બિરદાવીને તેમનું સન્માન કર્યું હતું. સમગ્ર ભારતમાં યાત્રાધામોના નવીનીકરણ અને વિકાસની અભૂતપૂર્વ સિદ્ધિ માટે પૂજય સંતોએ વડાપ્રધાનને બિરદાવ્યા હતા.
7 - લોક કલ્યાણ માર્ગ ખાતેના પ્રધાનમંત્રી નિવાસી કાર્યાલયમાં સાંજે લગભગ એક કલાક લાંબી, ઉષ્માભરી અને અનૌપચારિક બેઠકમાં વૈશ્વિક સંવાદિતા માટે અબુધાબી મંદિરના મહત્ત્વ અને વૈશ્વિક મંચ પર ભારતના આધ્યાત્મિક નેતૃત્વ માટે વડાપ્રધાન મોદીના વિઝન અને તેમની અસાધારણ વૈશ્વિક સિદ્ધિઓને, ખાસ કરીને યુએઇ અને અન્ય મિડલ ઇસ્ટ દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવવાની બાબતને સંતોએ બિરદાવી હતી. BAPS પ્રતિનિધિ મંડળે વડાપ્રધાન મોદીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી તેમજ તેમના નેતૃત્વએ વિશ્વભરના ભારતીયોમાં જે ગૌરવ અને પ્રેરણા જન્માવી છે તેની પણ ચર્ચા કરી હતી.
પ્રમુખસ્વામી સાથેના સંસ્મરણો વાગોળતા વડાપ્રધાન
પ્રમુખસ્વામી મહારાજની સાથેની તેઓની અંગત અને અમર સ્મૃતિઓ અને તેઓના ભવ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણીને યાદ કરીને વડાપ્રધાન ભાવવિભોર થયા હતા અને મહંત સ્વામી મહારાજના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. તેમણે અબુધાબીમાં BAPS હિંદુ મંદિર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા મુખ્ય વ્યક્તિઓ, સ્વયંસેવકો અને સમર્થકોના પ્રયાસોની પણ પ્રશંસા કરી, જેમાં તેમની સાથે હાજર રહેલા ચેરમેન અશોક કોટેચા, વાઇસ ચેરમેન યોગેશ મહેતા અને ડિરેક્ટર ચિરાગ પટેલનો પણ સમાવેશ થાય છે અને તેમના પ્રદાનને ભારત માટે ગૌરવના મહત્ત્વના સ્ત્રોત તરીકે બિરદાવ્યું હતું.
વડાપ્રધાને તેઓના હળવા અંદાજમાં ચિરાગ પટેલને ટેનિસ પ્રત્યેના તેમના પ્રેમ અને તેમના પિતા રોહિતભાઈ પટેલ અને દાદા પી.ડી. પટેલ વિશે માહિતી મેળવી હતી અને તેઓના બાળકોને સતત મહેનત કરતા રહેવા અને રમતમાં સફળતા હાંસલ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
બ્રહ્મવિહારીદાસ સ્વામી વડાપ્રધાન સમક્ષ અબુધાબીમાં BAPS હિંદુ મંદિરના નિર્માણ અંગેની નવીનતમ માહિતી રજૂ કરી હતી. મંદિરની ઉત્કૃષ્ટ કોતરણી, તેની ભવ્યતા અને તેમાંથી પ્રતિબિંબિત થતી સર્વસમાવેશક ઉદાત્ત ભાવનાઓ વિશે તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘ઉદ્‌ઘાટન સમારોહની ક્ષણો સહસ્ત્રાબ્દીઓમાં ક્યારેક જ જોવા મળતી વિરલ ક્ષણો પૈકી હશે.’ જેમાં વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે, ‘આ મંદિર વસુધૈવ કુટુંબકમના આદર્શને પ્રતિબિંબિત કરશે - એક એવું આદર્શ આધ્યાત્મિક સ્થાન, જે માત્ર માન્યતાઓ અને પરંપરાઓ જ નથી દર્શાવતું, પરંતુ વિવિધ સંસ્કૃતિઓના સંગમરૂપ પણ છે.’
આ મુલાકાતની અંતિમ ક્ષણોમાં ભારતના આધ્યાત્મિક વિકાસ અને વૈશ્વિક આગેવાની માટે વડાપ્રધાન મોદીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. પૂ. ઈશ્વરચરણદાસ સ્વામી અને બ્રહ્મવિહારીદાસ સ્વામી બંનેએ વડાપ્રધાનના સ્વાસ્થ્ય અને તેઓના મહાન નેતૃત્વ અને દેશની સતત સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

‘પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર.....
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.