લંડનઃ યુકેમાં વર્ષ 2040 સુધીમાં 42 મિલિયનથી વધુ વયસ્ક લોકો મેદસ્વીતા કે સ્થૂળતાથી પીડાતા હશે અને 13 પ્રકારના કેન્સરનું જોખમ ધરાવતા હશે તેવી ચેતવણી કેન્સર રિસર્ચ યુકે (CRUK) ચેરિટીના ડેટામાં અપાઈ છે. સરકારે જન્કફૂડ કે બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો સંબંધિત પગલાંને 12 મહિના સુધી મુલતવી રાખવા કરેલી જાહેરાતની આકરી ટીકા થઈ છે.
CRUKના ડેટામાં જણાવાયું છે કે 2040 સુધીમાં 71 ટકા લોકો ઓવરવેઈટ હશે જે હાલ 64 ટકા છે. આમાંથી 36 ટકા એટલે કે 21 મિલિયન લોકો સ્થૂળ કે મેદસ્વી હશે. વધુપડતા વજન અથવા સ્થૂળતાના લીધે 13 પ્રકારના કેન્સરનું જોખમ વવધવા ઉપરાંત, હાઈ બ્લડ પ્રેશર અને ટાઈપ-ટુ ડાયાબિટીસનું જોખમ પણ વધે છે. યુકેમાં દર વર્ષે સ્થૂળતાના કારણે કેન્સરના 22,800 કેસ આવે છે. CRUK રિપોર્ટ જણાવે છે કે ઈંગ્લેન્ડમાં 2020ના દાયકાના ઉત્તરાર્ધ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં 2030ના દાયટકાના ઉત્તરાર્ધમાં તંદુરસ્ત વજન ધરાવનારાની સરખામણીએ મેદસ્વી લોકોની સંખ્યા વધી જશે. સ્કોટલેન્ડ અને વેલ્સમાં 2040 પહેલા આમ થવાની શક્યતા ઓછી છે.
સમગ્ર યુકેમાં ભારે સ્થૂળતા (40થી વધુ બોડી માસ ઈન્ડેક્સ-BMI)નું પ્રમાણ 3 ટકાથી બમણું થઈ 6 ટકા થવાની ધારણા છે. હાલ આશરે 60 ટકા સ્ત્રીઓ અને 68 ટકા પુરુષો ઓવરવેઈટ કે સ્થૂળ છે પરંતુ, 2040 સુધીમાં આ પ્રમાણ વધીને અનુક્રમે 67 ટકા અને 74 ટકા થવાની આગાહી છે. રિપોર્ટ એમ પણ જણાવે છે કે ગરીબીનું ઊંચુ સ્તર ધરાવતા લોકોએ વધુ સહન કરવું પડશે. ઈંગ્લેન્ડમાં વર્ષ 2019માં સૌથી ગરીબ વિસ્તારોમાં રહેતા 35 ટકા લોકો સ્થૂળ હતા પરંતુ, 2040 સુધીમાં આ પ્રમાણ વધીને 46 ટકા થશે. વર્ષ 2019માં ઓછાં ગરીબ વિસ્તારોમાં રહેતા 22 ટકા લોકો મેદસ્વી હતા જે સંખ્યા 2040માં વધીને 25 ટકા થશે તેમ પણ રિપોર્ટમાં જણાવાયું હતું.
તાજેતરમાં સરકારે પીછેહઠ કરીને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો અંગે પગલાંને 12 મહિના સુધી મુલતવી રાખવા જાહેરાત કરી છે. આનો અર્થ એ છે કે શરીરને હાનિકારક પદાર્થો - ફેટ, સોલ્ટ અને સુગરની માત્રા વધારે હોય તેવી ખાદ્યસામની એકની ખરીદી સામે એક મફતની ઓફર હાલ બંધ કરાશે નહિ. રાતના 9 વાગ્યા પહેલાં ટેલિવિઝન પર આવતી જન્કફૂડની જાહેરાતો પણ યથાવત દર્શાવાશે.


