AAA બિઝનેસ પર્સન અને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ્સ

Wednesday 20th July 2016 06:21 EDT
 
 

એશિયન કોમ્યુનિટી હવે બ્રિટિશ સમાજજીવનનું અવિભાજ્ય અંગ બની ગઈ છે અને દેશના ભવિષ્યના ઘડતરમાં સતત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. રિપોર્ટ્સ અનુસાર વંશીય લઘુમતીઓ ૨૦૫૧ સુધીમાં યુકેની વસ્તીમાં આશરે ૨૦ ટકાનો હિસ્સો ધરાવશે અને વૈવિધ્યપૂર્ણ સ્રોતોમાંથી સંપત્તિનું સર્જન કરશે. પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ તરીકે પણ જાણીતા ‘ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સ’ (AAA)ના આ ઝાકમઝોળ અને સિતારાઓની હાજરી ધરાવતા કાર્યક્રમમાં સમાજના પ્રતિષ્ઠિત અને સેલિબ્રિટી મહાનુભાવો દ્વારા આજના સમાજમાં બ્રિટિશ એશિયનોના વિશેષ પ્રદાન અને સખત પરિશ્રમની ઊજવણી અને સ્વીકૃતિ આપવામાં આવે છે.

દર વર્ષે યોજાતા આ એવોર્ડ્સનું આયોજન એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL) દ્વારા કરવામાં આવે છે. એવોર્ડ્સનો આ ૧૬મો વાર્ષિક સમારંભ છે અને સપ્ટેમ્બર ૨૦૧૬માં પ્રતિષ્ઠિત ગ્રોવનર હાઉસ હોટેલમાં તે યોજવામાં આવશે. આ એવોર્ડ્સ એશિયન કોમ્યુનિટીમાં તમામ ક્ષેત્રે વ્યક્તિઓના નોંધપાત્ર કાર્યની કદર કરવા સાથે યુકેની એશિયન કોમ્યુનિટીમાં સર્વશ્રેષ્ઠ લોકોની સિદ્ધિઓનો સ્વીકાર કરે છે. આ એવોર્ડ્સમાં દર વર્ષે સમાજના ચોક્કસ પાસાને પ્રદર્શિત કરી તેની ઊજવણી કરાય છે અને આ વર્ષે ‘પ્રોફેશનલ ઓફ ધ યર’ કેટેગરી પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

‘એશિયન એચિવર્સ એવોર્ડ્સ’ ૧૦ કેટેગરીમાં વહેંચાયેલા છે. અમે આપને આગામી સપ્તાહોમાં અન્ય કેટેગરીઓ વિશે વિસ્તૃત માહિતી આપીશું. નોમિનેશન પ્રોસેસના અંતિમ પડાવથી અગાઉના આ (penultimate) સપ્તાહે આપણે બે કેટેગરીઝ – ‘બિઝનેસ પર્સન ઓફ ધ યર’ અને ‘લાઈફટાઈમ એચિવમેન્ટ’ વિશે વાત કરીશું.

‘બિઝનેસ પર્સન ઓફ ધ યર’ એવોર્ડ આ શબ્દના તમામ અર્થમાં સફળ અને સામાજિક મુદ્દાઓ પરત્વે સાચી ભાવના દર્શાવનારા બિઝનેસ પર્સનને એનાયત કરવામાં આવે છે. ગત વર્ષે વૈશ્વિક એક્સપોર્ટ કંપની સીમાર્ક Plc ના ઈકબાલ અહમદ OBE ને આ એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યાં હતાં. આ એવોર્ડ માટે શોર્ટ લિસ્ટ કરાયેલા ઉમેદવારોમાં બેસ્ટવે ગ્રૂપના એમડી તેમજ લંડનમાં ઈન્સ્ટિટ્યુટ ઓફ ડાયરેક્ટર્સના સભ્ય ઝમીર ચૌધરી તથા યુકેમાં ઝડપથી પ્રગતિ કરનારી સ્વતંત્ર હોટેલ કંપનીઓમાં સ્થાન ધરાવતી એરોરા હોટેલ ગ્રૂપના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ સિરિન્દર અરોરા અને ૧૯૭૭માં એડવર્ડિયન ગ્રૂપના સ્થાપક જસમિન્દર સિંહનો સમાવેશ થયો હતો. એડવર્ડિયન ગ્રૂપનું ૧૯૯૩માં રેડિસન સાથે વિલિનીકરણ થઈ એડવર્ડિયન ગ્રૂપ લંડન તરીકે સ્થાપિત થયું હતું. આજે એડવર્ડિયન ગ્રૂપ રાજધાનીમાં ૧૪ હોટેલ ધરાવે છે.

‘લાઈફટાઈમ એચિવમેન્ટ’ એવોર્ડ, જેમણે પોતાના જીવનકાળમાં પોતાની કોમ્યુનિટી અને રાષ્ટ્રને અસીમ પ્રદાન કર્યું હોય એવી વ્યક્તિને સન્માનિત કરવા માટે એનાયત કરાય છે. આ સન્માનિત વ્યક્તિત્વ યુવાન પેઢી માટે આદર્શ બની રહે છે. ગત વર્ષે લોર્ડ રુમી વેરજી CBE આ એવોર્ડથી વિભૂષિત કરાયા હતા. લોર્ડ વેરજીએ યુકેમાં ડોમિનોઝ પિઝાની સ્તાપના કરી હતી, જે ૨૦,૦૦૦થી વધુ લોકોને નોકરીએ રાખે છે. તેમણે ૨૦૦૬માં શિક્ષણ, નવતર પહેલ અને જ્ઞાનનિર્માણ થકી માનવતાવાદી કાર્યોમાં સહાય કરતી સખાવતી સંસ્થા ધ રુમી ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી.

યુકેમાં પોતાના સંબંધિત ક્ષેત્રોમાં પ્રદાન આપવા બદલ કદર કરવા યોગ્ય અનેક બ્રિટિશ એશિયન છે. જો તમે એવી વ્યક્તિને જાણતા હો જેમણે સમાજને વિશેષ પ્રદાન આપ્યું છે, મુઠી ઊંચેરા વ્યક્તિત્વ તરીકે સિદ્ધિ હાંસલ કરી છે અને તેમની કદર થવી જોઈએ તો તમે તેમને www.asianachieversawards.comપર ઓનલાઈન નોમિનેટ કરી શકો છો અથવા આ સપ્તાહે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’માં પ્રકાશિત નોમિનેશન ફોર્મમાં વિગતો નોંધી રજીસ્ટ્રેશન કરાવી શકો છે. આ નોમિનેશન મોકલવાની અંતિમ તારીખ ૩૧ જુલાઈ ૨૦૧૬ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter