HFB નો ૧૯મો દીવાળી કાર્યક્રમ હાઉસ ઓફ કોમન્સમાં ઉજવાયો

Wednesday 06th November 2019 01:55 EST
 
 

લંડનઃ બુધવાર ૨૩ ઓક્ટોબરે હાઉસ ઓફ કોમન્સમાં હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા દીવાળીના ૧૯મા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના તમામ વર્ગના ૨૦૦થી વધુ પ્રતિનિધિ હાજર રહ્યા હતા. સાંસદ બોબ બ્લેકમાન, લોર્ડ ધોળકિયા OBE અને APPG Hindu ગ્રૂપના બેરિસ્ટર જયેશ જોટાંગીઆ આ વર્ષના પાર્લામેન્ટરી યજમાનો હતા.

ઈસ્કોનના પૂજારી દ્વારા પ્રાર્થનાઓ સાથે ઉજવણીનો આરંભ કરાયો હતો અને HFBના પ્રમુખ શ્રીમતી તૃપ્તિ પટેલે તેમના પ્રવચનમાં હિન્દુ કોમ્યુનિટી માટે દીવાળીના મહત્ત્વ અને પ્રાસંગિકતા વિશે જણાવ્યું હતું. સહ-આયોજકો સાથે સ્ટેજ પર HFBના ત્રણ વાઈસ પ્રેસિડેન્ટ્સ પુનિત દ્વિવેદી (સ્કોટલેન્ડ), તરંગ શેલત (મિડલેન્ડ્સ) અને ડો. રમેશ પટ્ટણી (સાઉથ) પણ ઉપસ્થિત હતા.

યુકેના પ્રથમ હિન્દુ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ઉમદા હિન્દુ મૂલ્યોની ઉજવણી તરીકે દીવાળીનું સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે યુકેના તમામ સેક્ટરમાં હિન્દુઓ જોવા મળે છે અને હિન્દુ સમુદાય યુકેના સમાજ અને અર્થતંત્રમાં તેમનું યોગદાન સતત વધારતો રહ્યો છે. સાંસદ પોલ સ્કલીએ તેમના દાદીનો જન્મ કોલકાતામાં થયાનો ઉલ્લેખ કરી બ્રિટિશ ભારતીયોની સફળતાની કથાની પ્રશંસા કરી હતી. સાંસદ શેલેષ વારાએ ઉત્સવના મહત્ત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે વર્તમાન સમયમાં વિશ્વને ડહાપણ અને ક્ષમાના પ્રકાશની વિશેષ જરુર છે.

કીર્તિ નારણ દાસ દ્વારા રામાયણની કથા પર આધારિત ભારતીય શાસ્ત્રીય નૃત્યની રજૂઆતને મહેમાનોએ વધાવી લીધી હતી. NCHT UK ના જનરલ સેક્રેટરી પંડિત સતીશ શર્માએ યુકેના હિન્દુઓના રાજકીય અવાજ તરીકે હાજરી દર્શાવવા ૨૦૨૦નું વર્ષ HFB માટે મહત્ત્વનું બની રહેશે. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડો. ટી. જોટિંગીઆની ‘Hindu Conclave’ બુકલેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter