લંડનઃ યુકેના કેટલાક વિસ્તારોમાં બે તૃતીઆંશથી વધુ એટલે કે ૭૧ ટકા લોકોએ અંગદાન કરાવવા નોંધણી કરાવી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં માત્ર ૧૬ ટકા લોકો જ મૃત્યુ પછી અંગદાન કરવા તૈયાર છે. સિટી ઓફ લંડનમાં ૫૪ ટકા લોકોએ મૃત્યુ પછી અંગદાનની નોંધણી કરાવી છે. કેટલાંક દર્દીઓ બીજા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે પણ રાહ જોઈ રહ્યા છે ત્યારે ગત દસકામાં માત્ર ૨૭ દર્દી નવું હૃદય મેળવી શક્યા હતા.
ડેવનના કાંઠાના સાઉથ હેમ્સની ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ દેશમાં સૌથી ઊંચો રજિસ્ટ્રેશન દર ધરાવે છે. અહી ૧૦માંથી સાત વ્યક્તિએ મૃત્યુ પછી અંગદાનની નોંધણી કરાવી છે. વિલ્ટશાયર, શ્રોપશાયર કાઉન્ટીઝ, હેમ્પશાયરમાં હાર્ટ અને વિન્ચેસ્ટર કાઉન્સિલો ઈસ્ટ કેમ્બ્રીજશાયર તેમજ વર્સેસ્ટરશાયની માલવર્ન હિલ્સ કાઉન્સિલ ૬૦ ટકાથી વધુ અંગદાન નોંધણી સાથે પ્રથમ ૧૦ ક્રમમાં છે.
લંડનના બાર્કિંગ અને ડેગનહામ બરોઝ માત્ર ૧૬ ટકા નોંધણી સાથે યુકેમાં સૌથી નીચા સ્થાને છે. બર્મિંગહામ સાથે લેસ્ટર, સેન્ડવેલ, વોર્સેસ્ટર અને સ્ટોક-ઓન-ટ્રેન્ટ, ન્યુ હામ બરો અને ઈસેક્સમાં હાર્લોની આસપાસના વિસ્તારનો નીચેના ૧૦ ક્રમની યાદીમાં સમાવેશ થાય છે.
નવું હૃદય મેળવવા માટે આશરે ૨૮૦ દર્દી સહિત ૬,૧૩૩ લોકો ટ્રાન્સપ્લાન્ટ વેઈટિંગ લિસ્ટમાં છે ત્યારે પોતાના સગાંના અવયવો ઉપયોગમાં લેવા સામે પરિવારોની મનાઈના કારણે ગત વર્ષે હજારો ઓપરેશન કરી શકાયાં ન હતાં. લંડન અને વેસ્ટ મિડલેન્ડ્સના કેટલાક વિસ્તારો સહિત દેશમાં એવા પણ વિસ્તારો છે જ્યાં ૨૫ ટકાથી ઓછાં લોકોએ મૃત્યુ પછી તેમના હૃદય, કિડનીઝ, ફેફસાં સહિતના અવયવો દાનમાં આપવા નોધણી કરાવે છે.
ઈંગ્લેન્ડમાં ૨૦૨૦થી નવી સિસ્ટમ અમલમાં આવી રહી છે, જેમાં જે લોકોએ અંગદાન નહિ કરવાની સ્પષ્ટ નોંધણી કરાવી હોય તે અને ચોક્કસ ગ્રૂપ સિવાયના લોકો અંગદાતા ગણી શકાશે. જોકે, નવી સિસ્ટમથી પણ અંગદાનની સંખ્યા વધશે નહિ એવો દાવો કરાય છે.


