લંડનઃ વિશ્વની સૌથી વધુ સંપત્તિ ધરાવતા ૧ ટકા લોકો અને અન્ય લોકો વચ્ચે સંપત્તિનો તફાવત વધતો જાય છે. રાજકારણીઓ અને કંપનીઓના વડાઓની આવક સાતમા આસમાને પહોંચી રહી છે ત્યારે સામાન્ય પગાર ધરાવતા બ્રિટિશ કામદારને દેશની અતિ ધનાઢ્ય વ્યક્તિ જેટલી સંપત્તિ એકત્ર કરવા માટે ૩,૪૮,૦૬૩ વર્ષ સુધી મહેનત કરવી પડે, તેમ એક્સપર્ટ માર્કેટ દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાવાયું છે. સામાન્ય આવક ધરાવતી વ્યક્તિની બિલિયોનેર બનવાની બાબત તેના દેશ, બિઝનેસ પ્રોડક્ટ્સ અને સર્વિસીસના માર્કેટ પર આધાર રાખે છે.
બ્રિટનની વાત કરીએ તો એક અઠવાડિયામાં કામના ૪૦ કલાક ગણીને કલાકના સરેરાશ ૧૫ પાઉન્ડથી વધુ કમાતી વ્યક્તિને ભારતમાં જન્મેલા અને ૧૦ બિલિયન પાઉન્ડથી વધુ સંપત્તિ ધરાવતા બ્રિટિશ બંધુઓ શ્રીચંદ અને ગોપીચંદ હિંદુજા જેટલી સંપત્તિ એકઠી કરતા અંદાજે ૩,૫૦,૦૦૦ વર્ષ લાગી જાય તેમ છે.
આ સિવાય અન્ય દેશો પર પણ નજર નાખીએ તોઃ
• બિલ ગેટ્સની ૫૧.૪ બિલિયન પાઉન્ડ જેટલી સંપત્તિ એકઠી કરવા માટે અમેરિકામાં કલાક દીઠનો સરેરાશ સામાન્ય પગાર ધરાવતી વ્યક્તિને અંદાજે એક મિલિયન વર્ષ કામ કરવું પડે. • કેનેડામાં કલાક દીઠ સરેરાશ વેતન ૧૭ પાઉન્ડથી વધુ છે ત્યારે ત્યાંના વર્કરને મીડિયા મેગ્નેટ ડેવિડ થોમસન જેટલી ૧૬.૩ બિલિયન પાઉન્ડની મિલકત એકત્ર કરવા માટે ૫,૭૦,૦૦૦ વર્ષ સુધી મહેનત કરવી પડે. • બ્રાઝિલમાં કલાકના ૧.૯૫ પાઉન્ડનું વેતન ધરાવતા સામાન્ય વર્કરને ત્યાંના ૧૯ બિલિયન પાઉન્ડની સંપત્તિ ધરાવતા જોર્જ પાઉલો લેમેનની સમકક્ષ પહોંચતા પાંચ મિલિયન કરતા વધુ વર્ષ લાગે. • કલાક દીઠ વેતન ૧૧.૬૨ પાઉન્ડ ધરાવતા ઈટાલીમાં મહેનતકશ લોકોએ કન્ફેક્શનરી બિઝનેસવુમન અને માઈકલ ફેરેરોની વિધવા મારિયા ફ્રાન્કા ફિસોલોની ૧૫.૧ બિલિયન પાઉન્ડ જેટલી સંપત્તિ એકત્ર કરવા ૭,૯૦,૦૦૦ વર્ષ સુધી કામ કરવું પડે. • મેક્સિકોમાં કલાક દીઠ સરેરાશ પગાર ૪.૫૯ પાઉન્ડ છે. બિલિયોનેર કાર્લોસ સ્લીમ હેલુના જેટલી સંપત્તિ એકત્ર કરવા ત્યાંની સામાન્ય વ્યક્તિએ ૩.૮ મિલિયન વર્ષ કામ કરવું પડે. • ચીનમાં કલાક દીઠ વેતન મેક્સિકો કરતા ઓછું છે. ચીનના બિઝનેસમેન વાંગ જિઆન્લિનની સમકક્ષ પહોંચવા માટે ત્યાંની વ્યક્તિએ ૩ મિલિયન કરતાં વધુ વર્ષ કામ કરવું પડે તેમ છે.


