અમર આડતિયાઃ ‘ગેન્ગસ્ટર્સ, ગેમ્બલર્સ, ગ્રીઝર્સ’ની સફળતાની ઉજવણી

- સુનેત્રા સીનિયર Tuesday 11th October 2016 08:25 EDT
 
 

લંડનઃ અભિનેતા, લેખક, નિર્માતા અમર આડતિયા ખરેખર એક યોગ્ય ફિલ્મ નિર્માતા છે. નાની અને પહેલેથી જ વ્યક્તિ વિશે અંદાજ આવી જાય તેવી ભૂમિકા ભજવવાને બદલે નવો ચીલો ચાતરીને ક્રિએટીવ રોલ કરવા માટે કૃતનિશ્ચયી યુવા બ્રિટિશ-એશિયન આડતિયાએ સંખ્યાબંધ જોરદાર સ્ક્રીપ્ટ્સ રજૂ કરી છે.

આડતિયા અને તેમના વર્ષો જૂના મિત્રની મુખ્ય ભૂમિકાવાળી કોમેડી ફિલ્મ ‘ગેન્ગસ્ટર્સ, ગેમ્બલર્સ, ગ્રીઝર્સ’ (૨૦૧૬) યુકેના થિયેટરોમાં દર્શાવાઈ રહી છે. કોમર્શિયલી આ ફિલ્મને ભારે સફળતા સાંપડી છે. ક્રિટિક્સ પણ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. જ્યારે એક્શન-ફેન્ટસી ‘રેક્વિયમ’ અને થ્રીલર ફિલ્મ ‘નેમ ઓફ ધ ગેમ’ પણ સફળ રહી છે. આડતિયાએ જણાવ્યું હતું, ‘તમારી પાસે કોઈ આઈડિયા હોય તો તેની સાથે આગળ વધો. એક એવો પણ સમય હતો જ્યારે મને કોઈ ઓળખતું ન હતું. અત્યારે સેલીબ્રીટીઝ અને જાણીતા લોકો સાથે કામ કરવાનો મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. આ તમામ લોકોએ મારા કામ અને વિઝનને ખૂબ ઉત્સાહપૂર્વક સમર્થન આપ્યું છે.’

‘ગેન્ગસ્ટર્સ, ગેમ્બલર્સ, ગ્રીઝર્સ’માં રિચાર્ડ બ્લેકવુડ, એટમીક કીટનના લીઝ મેકક્લેર્નોન અને INBF ચેમ્પિયન જોડી માર્શે અભિનય આપ્યો છે. જ્યારે ‘નેમ ઓફ ધ ગેમ’ ફિલ્મમાં આડતિયા સાથે કેલમ બેસ્ટ ચમકી રહ્યા છે. આડતિયાને લેખક/નિર્માતા સાથે વાટાઘાટો ચાલી રહી છે અને તે સફળ થશે તો આડતિયા અમેરિકી ફિલ્મ માર્કેટમાં પણ પહોંચશે.

આડતિયાનું પ્રથમ સાહસ ક્રિશ અને લીની વાર્તા ‘ટુ લવેબલ લુઝર્સ’ હતી. તેની વાર્તામાં આ બન્ને એક મહિના સુધી પાર્ટીઓમાં મોજમજા કરે છે, ત્યારબાદ તેમને કોલ સેન્ટરની જોબમાંથી છૂટા કરી દેવાય છે. ભાડું ન મળતા ખૂબ રોષે ભરાયેલા મકાનમાલિકને ભાડું ચૂકવવા આ બન્નેએ રકમ એકત્ર કરવી જ પડે તેવી વાત છે. આ બધું ખૂબ મઝા કરાવે તેવું હોવાં સાથે આડતિયાની સફળતાના કેન્દ્રમાં રહેલું છે. તેમણે ઉમેર્યું હતું,‘ તમારે ભૂમિકામાં ઓતપ્રોત થવું પડે તેમજ ભારે મહેનત કરવી પડે. મેં પહેલી વખત અભિનય કર્યો ત્યારથી અત્યારે ૧૬ વર્ષ થયા ત્યાં સુધી મને આ કોઈ કામ હોય તેવું સહેજ પણ લાગતું નથી. અંત સુધી કામ કરતા રહો અને તમારું કામ જ બોલશે.’

‘ગેન્ગસ્ટર્સ, ગેમ્બલર્સ, ગ્રીઝર્સ’નો સ્કીન પ્લે લખવાની પ્રેરણા શેમાંથી મળી ?

મને હંમેશા કોમેડી ગમે છે અને મને ખાસ તો અમેરિકન કોમેડી ‘હેરોલ્ડ એન્ડ કુમાર’ વધારે ગમે છે. તેની સાથે મને બીજું પણ કશુંક કરવાનું ગમે છે. તમે ૧૫ના હો કે ૫૦ના, બ્લેક અથવા ચાઈનીઝ, દરેકને તેમાં કોમેડી હોય તે ગમે છે.

તમે આખા યુરોપની ક્રોસ ટ્રીપ કરી છે અને વિવિધ વેશભુષામાં પણ અભિનય કર્યો છે, તમને આ આઈડિયા ક્યાંથી મળ્યા - આ બધા વાસ્તવિક જીવનના અનુભવો તો હોઈ શકે નહીં ?

(હસતા) હા, તેમાં એક આઈરીશ જીપ્સી છે અને ઠીંગણા માણસનું ક્રોસ -ડ્રેસિંગ પણ છે. મને કોમેડી લખવાનું ગમે છે અને આ બધા વિચારો મને કુદરતી રીતે આવ્યા હતા. મારા સહ-નિર્માતા સાથે બેસીને અમે ત્રણ અઠવાડિયા સુધી ખૂબ ચર્ચાવિચારણા કરી હતી. અમારી પાસે ઘણા આઈડિયા હતા અમારે માત્ર તેને કાગળ પર ઉતારવાના હતા.

તમારી સ્ક્રીપ્ટ મને ગાય રીચીની રચના ‘ડોગ ઈટ ડોગ’ની યાદ અપાવે છે, ફિલ્મ કેવા પ્રકારની છે તેના વિશે કહેશો ?

આ મૂવી ગાય રીચીની ફિલ્મ જેટલી ગંભીર નથી, પરંતુ તેનો ભારે પ્રભાવ ફિલ્મ પર છે. લોકોને હસાવવા માટે અમારી પાસે ઘણી વાર્તાઓ છે.

‘ગેન્ગસ્ટર્સ, ગેમ્બલર્સ, ગ્રીઝર્સ’ના શૂટિંગની સૌથી યાદગાર ક્ષણ કઈ હતી ?

વધારે ક્ષણો તો યાદગાર લોકો માટે હતી. હું રિચાર્ડ બ્લેકવુડ પાસેથી ઘણું શીખ્યો, તે ખૂબ જ નમ્ર વ્યક્તિ છે. તેમની પાસે લોકોને આપવા માટે ઘણું જ્ઞાન હતું.

કોમેડી અભિનયમાં તમને સૌથી વધુ શું ગમે છે ?

કોમેડી અભિનય એક ટેલેન્ટ છે, જે તમારી પાસે હોય પણ ખરી અને ન પણ હોય. ક્યારે જોક કહેવી, ક્યારે ચહેરાના યોગ્ય હાવભાવ વ્યક્ત કરવા, આ બધાના ટાઈમીંગનું મહત્ત્વ છે. હું મારા માટે પણ સ્ક્રીપ્ટ લખું છું, તેથી મને તેમાં ખૂબ આનંદ આવ્યો હતો.

સેટ પર દિવસ સારો જાય તેને માટે તમારી મુખ્ય ત્રણ ટીપ કઈ છે ?

પ્રોડ્યુસર તરીકેઃ ખૂબ શાંત રહેવું અને અચાનક કોઈ સમસ્યામાં તમે મૂકાવ નહીં તેનું ધ્યાન રાખવું. તમે ભલે ગમે તેટલું પ્લાનિંગ કર્યું હોય પરંતુ તેવું કંઈક તો થવાનું જ છે. એક્ટર તરીકેઃ તમારા ડાયલોગની લાઈનો ભૂલી જાવ તો તેની ચિંતા ન કરો. નાટક અથવા ટેલિવિઝન પર તમે લાઈવ હોવ તેનાથી વિપરીત લાભો પૈકીનો આ એક લાભ છે. ટીમ માટે સલાહ તરીકે - બધાએ સાથે હળીમળીને કામ કરવું, અને તે છે મૂવીનું શૂટિંગ કરો. બધા એક જ કારણસર ભેગા થાય છે અને બધા સાથે મળીને કામ કરશો તો તેનાથી વધુ લાભ થશે.

તમે પહેલેથી જ અભિનય કરતા હતા ? તમે તેની શરૂઆત કેવી રીતે કરી ?

હકીકતે હું પહેલેથી જ આત્મવિશ્વાસ ધરાવતી વ્યક્તિ છું અને મારા પેરન્ટ્સે મને શ્રેષ્ઠ બનવા અને કોઈપણ પ્રકારની પીછેહઠ ન કરવા માટે હંમેશા પ્રોત્સાહિત કર્યો છે. ૧૪ વર્ષની વયે મેં પહેલી વખત એક્ટીંગ કરી તેનો રોમાંચ અને ભારે ઉત્સાહ થયો હતો, બસ ત્યારથી મેં કદીયે પાછું વળીને જોયું નથી.

તમારા અન્ય પ્રોજેક્ટ વિશે વધુ માહિતી આપશો ?

‘રેક્વિયમ’ આત્મહત્યા કરનારી યુવતીના પ્રેમમાં પડેલા એક પતિત દેવદૂત વિશેની ફિલ્મ છે. ખરેખર તે અજબ-ગજબની ફિલ્મ છે. બીજી ફિલ્મ ‘નેમ ઓફ ધ ગેમ’ એક ફૂટબોલ ખેલાડી વિશેની છે, જે રશિયન માફિયા સાથે જોડાય છે અને તેઓ લાખો પાઉન્ડની લૂંટ કરે છે.

તમારી પોતાની ખાસ સ્ટાઈલ જેવું કશુંક હોય તો તેને વિશે કહેશો ?

મારી ફિલ્મો તદ્દન અલગ પ્રકારની છે, અને તે જ તેનું વિશિષ્ટ તત્વ છે. હું ડોક્ટર અથવા આતંકવાદીની બીબાંઢાળ ભૂમિકા જ કરે રાખું તેવો નથી. હું જુદી જુદી ભૂમિકા ભજવી શકું છું. ક્રિશ તરીકે હું હજુ પણ સામાન્ય વ્યકિત છું. ‘રેક્વિયમ’માં નિર્દયી દેવદૂત છું અને ‘નેમ ઓફ ધ ગેમ’માં હું ફરીથી અલગ પ્રકારની ભૂમિકામાં છું. હું મારા માટે જ લખું છું તેના લીધે ખરેખર ઘણી દિશાઓ ખૂલી છે. મેં વિવિધ પ્રકારની ફિલ્મોનું નિર્માણ કર્યું છે. પરંતુ, સ્ટાઈલની દ્રષ્ટિએ જોઈએ તો તેમાં તીવ્ર રોમાંચનું પાસું છે તે તમામમાં સામાન્ય છે.

તણાવમુક્ત થવા માટે તમે શું જુઓ છો ?

‘અલી જી’ મારી હંમેશથી પસંદગીની ફિલ્મ રહી છે. તે ઉપરાંત, શાંત થવા માટે હું રિયાલીટી ટીવી પણ જોઉં છું. દાખલા તરીકે ‘મેડ ઈન ચેલ્સી’

છેલ્લે, તમે કોઈ સંદેશ આપવા માગો છો ?

સખત મહેનત કરો કારણકે છેલ્લી ફિલ્મમાં જે કામ કર્યું હતું તે સ્તરે જ હજુ તમે છો - તમે તેનાથી પણ વધારે સારું કરી શકો છો.

https://twitter.com/amaradatia


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter