લંડનઃ બર્કશાયરના બ્રેકનેલનો આઠ વર્ષીય ફ્રેડી કૂક બાયોનિક ‘હીરો આર્મ’ (હાથ) સાથે વિશ્વનો સૌથી નાની વ્યક્તિ બન્યો છે. તેની આઠમી બર્થ ડેના થોડા દિવસ અગાઉ જ તેને બાયોનિક હાથ લગાવાયો હતો. તેનો જમણો હાથ જન્મથી અવિકસિત હતો. હવે બાયોનિક હાથ મળતાં તે ખૂબ ખુશ અને રોમાંચિત છે. પહેલી વખત તેણે ખૂબ ભાવતું બર્ગર બન્ને હાથે પકડીને ખાધું હતું અને મિત્રો સાથે જન્મદિન ઉજવ્યો હતો.
આ હાથ લગાવવા પાછળ પરિવારે ૧૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ કર્યો છે. ફ્રેડીની ૪૨ વર્ષીય માતા સુઝી કૂકે જણાવ્યું હતું, ‘આ ખૂબ અદભૂત છે. ફ્રેડી અકલ્પનીયપણે પોતાના હાથ વિશે ખૂબ સભાન થઈ ગયો હતો. તે તેના મિત્રોની માફક બર્ગર ખાવા માગતો હતો. તેને હાથ લગાવાતાં જ પહેલાં શુ કરું તેમ થયું હતું. આ હાથથી તેનું જીવન બદલાઈ જશે.’
વજનમાં તદ્દન હળવાં બાયોનિક આર્મથી ફ્રેડી વધુ સક્રિય બની ગયો છે. ફ્રેડીએ જણાવ્યું હતું,‘ મારા નવા હાથનો ઉપયોગ કરવા હું ખૂબ ઉત્સુક હતો. તેનાથી હું મિત્રો સાથે નવી વસ્તુઓ કરી શકું છું અને બીજા બાળકોની માફક રમી શકું છું. હું અગાઉના પ્રોસ્થેટિક હાથને સ્કૂટરના હેન્ડલબાર પર રાખી શકતો હતો પરંતુ, હવે તો હું અન્ય લોકોની માફક તેના પર પકડ જમાવી શકું છું. હું હાથ હલાવીને સૌને હાય કરી શકું છું. મમ્મી સાથે હસ્તધૂનન પણ કરી શકું છું.’
બાયોનિક હાથ બનાવનારી કંપની ‘ઓપન બાયોનિક્સ’ના સહસ્થાપક સામંતા પાઈનેએ ફ્રેડીને મલ્ટિગ્રીપ બાયોનિક આર્મના વિશ્વના સૌથી નાના વપરાશકાર તરીકે ‘ટેક પાયોનિયર’ ગણાવ્યો હતો. બ્રિટનમાં આ તબીબી માન્યતાપ્રાપ્ત પહેલું અંગ છે જે આ પ્રકારના અન્ય હાથ દ્વારા ન થાય તેવું હલનચલન કરી શકે છે. પાઈનેએ જણાવ્યું હતું કે, ‘ફ્રેડીને અમે અત્યાર સુધીનો અમારો સૌથી નાનો બાયોનિક હાથ લગાવીને ખૂબ ઉત્સાહિત છીએ. ‘હીરો આર્મ’ સાથે અમે અત્યાધુનિક પણ સૌને ઉપલબ્ધ થાય તેવી બાયોનિક ટેક્નોલોજી વિક્સાવવા માગીએ છીએ.’


