લંડનઃ સોશિયલ મીડિયામાં પ્રારંભિક સમયમાં ઈ-મેઈલનું ખૂબ જ ચલણ હતું. જોકે, હાલના સમયમાં તેનો પ્રભાવ ઘટી ગયો છે. તે સમયે તો ઈ-મેઈલથી ઘણાં કામ પૂરા થતાં હતા. અત્યારે પરિસ્થિતિ જૂદી છે. વ્યસ્તતાના યુગમાં લોકો ઈ-મેઈલ જોઈને તેની પ્રતિક્રિયા આપતા નથી. ઘણી વખત તો પૂરો વાંચતા પણ નથી. હવે ફન રન અથવા ચેરિટી વોક માટે ભંડોળ એકઠું કરવા માટે ઈ-મેઈલ કરવાને બદલે રૂબરૂ મુલાકાતથી કામનું યોગ્ય પરિણામ મળે છે અને સંબંધ પણ તાજો થાય છે.
કેનેડાની યુનિવર્સિટી ઓફ વોટરલૂના સંશોધનમાં જણાયું હતું કે નજીકના ૧૦૦ મિત્રોને ઈ-મેઈલ કરીને જેટલાં નાણાં એકત્ર થાય તેટલી જ રકમ ત્રણ વ્યક્તિને રૂબરૂ મળીને એકઠી કરી શકાય છે.
વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે ઈ-મેઈલને બદલે રૂબરૂ મુલાકાતને લીધે પ્રતિભાવ મળવાની શક્યતા ૩૫ ગણી વધી જાય છે. ઈ-મેઈલ દ્વારા વિનંતી કરવાનું ખૂબ સરળ છે પરંતુ, તેમ કરવાથી આપણે પ્રભાવ પાડવા માટે ખૂબ તૂચ્છ પ્રકારનું સાધન અપનાવીએ છીએ.
તેમણે આ વાતને પૂરવાર કરવા માટે તેમણે ૫૦ વિદ્યાર્થીઓને સર્વે ફોર્મ ભરવા માટે લોકોને સમજાવવાનું કહ્યું. વિદ્યાર્થીઓએ ૧૦ અજાણી વ્યક્તિઓનો રૂબરૂ અથવા ઈ-મેઈલથી સંપર્ક કરવાનો હતો. રૂબરૂ સંપર્કમાં સરેરાશ સાત વ્યક્તિએ ફોર્મ ભર્યું. ઈ-મેઈલથી સંપર્કમાં પાંચમાંથી માત્ર એક વ્યક્તિએ ફોર્મ ભરવાની તૈયારી દર્શાવી હતી.
વૈજ્ઞાનિકોએ ‘જર્નલ ઓફ એક્સપરીમેન્ટલ સોશિયલ સાઈકોલોજી’માં લખ્યું હતું કે રૂબરૂ મુલાકાતમાં સામેની વ્યક્તિને જે પરોક્ષ વિશ્વાસ આપી શકાય છે તે ઈ-મેઈલમાં હોતો નથી. આ ભરોસો જ સામેની વ્યક્તિને વિનંતી કરનારની વાત માનવા પ્રેરે છે.


