ઈંગ્લેન્ડ અને વેલ્શમાં બાળજન્મ દર ૮૦ વર્ષના ચિંતાજનક તળિયે

Wednesday 07th August 2019 02:56 EDT
 
 

લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્શમાં જન્મતા બાળકોની સંખ્યા ૨૦૧૨ની સરખામણીએ આશરે ૧૦ ટકા ઘટી ગઈ છે. ૮૦ વર્ષ અગાઉ રેકોર્ડ રાખવાની શરૂઆત થઈ તે પછી બાળજન્મ દર ચિંતાજનક તળિયે પહોંચ્યો છે. ગયા વર્ષે સૌથી વધુ ઘટાડો પરીણિત સ્ત્રીઓમાં જોવાં મળ્યો હતો. ગત વર્ષે દર ૧૦૦૦ સ્ત્રીમાંથી ૧૧ સ્ત્રીએ જ બાળકોને જન્મ આપ્યો હતો.

દેશમાં ફળદ્રુપતાનો દર ઘટે છે, વસ્તી વૃદ્ધ થતી જાય છે તેમજ સ્ત્રીઓ જીવનના પાછલા હિસ્સામાં બાળકોને જન્મ આપવાનું પ્રમાણ વધ્યું છે તેવા સંજોગોમાં બાળજન્મ દર ઐતિહાસિક તળિયે ઉતર્યો છે. ઈંગ્લેન્ડ અને વેલ્શમાં ગત વર્ષે દર ૧૦૦૦ સ્ત્રીમાંથી માત્ર ૧૧ સ્ત્રીએ જ બાળકોને જન્મ આપ્યો હતો. ગત વર્ષે કુલ ૬૫૭,૦૭૬ બાળકોનો જન્મ થયો હતો, જે તેની અગાઉના વર્ષની સરખામણીએ ૩.૨ ટકા અને ૨૦૧૨ની સરખામણીએ આશરે ૧૦ ટકા ઓછાં છે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના જણાવ્યા અનુસાર જન્મદર ઘટવાનું મુખ્ય કારણ ફળદ્રુપતા દરમાં ઘટાડો છે. ફર્ટિલિટી રેટ ૨૦૧૨માં પ્રતિ મહિલા ૧.૭૦નો છે, જે દર ૨૦૧૨માં ૧.૯૭નો હતો. જોકે, પરિવાર બનાવવામાં વિલંબને પસંદ કરતા દંપતીઓને મોડી વયે ગર્ભાધાનમાં પડતી મુશ્કેલીનું પરિબળ પણ મહત્ત્વનું છે. સ્ત્રીઓ વધુ અભ્યાસ અને કારકીર્દિને મહત્ત્વ આપતી હોવાથી લગ્ન પણ મોડી વયે થાય છે. બ્રિટનની બહાર જન્મેલી માતાઓનો બાળજન્મમાં હિસ્સો પણ ઘટ્યો છે. ગયા વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્શમાં કુલ બાળકોમાંથી આશરે ૨૮.૨ ટકા બાળકો ઈમિગ્રન્ટ મહિલાઓને જન્મ્યાં હતાં, ૨૦૧૭માં આ સંખ્યા ૨૮.૪ ટકાની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter