ઓનલાઈન શોપિંગમાં બ્રિટિશરો પ્રથમ ક્રમે

Monday 24th April 2017 09:43 EDT
 
 

લંડનઃ બ્રિટિશ પરિવારો માટે શોપિંગની સંસ્કૃતિ તદ્દન બદલાઈ ગઈ છે. હવે તેઓ સૌથી વધુ ઓનલાઈન શોપિંગ કરે છે. માત્ર બે વર્ષમાં ઓનલાઈન શોપિંગનું વળગણ ૨૮ ટકા વધી ગયું છે અને તેની અસર હેઠળ હાઈ સ્ટ્રીટ રીટેઈલર્સ પોક મૂકી રહ્યા છે. વિશ્વમાં યુકેનું ઈ-કોમર્સ બજાર માત્ર ચીન અને યુએસથી પાછળ છે. ગયા વર્ષે બ્રિટિશ પરિવારોએ ૧૫૪ બિલિયન પાઉન્ડ અથવા તો દૈનિક ૪૨૨ મિલિયન પાઉન્ડ ઓનલાઈન ખરીદી પાછળ ખર્ચ્યા હતા, જે આંકડો ૨૦૧૪માં ૧૨૦ બિલિયન પાઉન્ડનો હતો. આ ઓનલાઈન ખરીદીમાં ઓમેઝોન અને એપલ આઈટ્યુન્સ જેવાં વિદેશી જાયન્ટ્સ પાછળ ખર્ચાયેલા ૪૪ બિલિયન પાઉન્ડનો સમાવેશ થતો નથી કારણકે આ વ્યવહારોની પ્રક્રિયા વિદેશમાં થાય છે.

યુકે કાર્ડ્સ એસોસિયેશન અનુસાર ૨૦૧૫માં યુકેના પરિવારોએ સરેરાશ ૪,૬૦૦ પાઉન્ડ (૫,૯૦૦ ડોલર) ઓનલાઈન ખરીદી કરી હતી. આ ખરીદી યુએસ (૪,૬૦૦ ડોલર) કરતા ૨૮ ટકા વધુ છે જ્યારે ચીન (૧,૫૦૦ ડોલર) કરતા ચાર ગણી તેમજ ફ્રાન્સ (૨,૪૦૦ ડોલર) કરતા અઢી ગણી છે. યુરોપમાં બ્રિટનનું ઈ-કોમર્સ માર્કેટ સૌથી મોટુ છે જ્યારે વિશ્વભરમાં માત્ર ચીન અને યુએસથી પાછળ છે. નોંધપાત્ર બાબત એ છે કે યુકેની સરખામણીએ ચીનની વસ્તી ૨૦ ગણી એટલે કે ૧.૩ બિલિયન છે.

રિપોર્ટ અનુસાર ગ્રાહકો વસ્ત્રો પાછળના કુલ ખર્ચમાંથી ૨૩ ટકા ખર્ચ ઓનલાઈન કરે છે, જ્યારે કોન્સર્ટ ટિકિટ ખર્ચના ૬૭ ટકા તથા સિનેમા, ડાન્સ અને થિયેટરના ખર્ચાના ૬૭ ટકા ખર્ચ ઈન્ટરનેટ મારફત ચુકવાય છે. પ્રવાસ પાછળ ખર્ચાતા દરેક ૧૦ પાઉન્ડમાંથી ૪ પાઉન્ડ ઓનલાઈન ચુકવાય છે, જ્યારે ફ્લાઈટ માટેના ખર્ચના ૫૪ ટકા ઈન્ટરનેટ દ્વારા ચુકવાય છે. જોકે, ગ્રોસરી ખરીદવા લોકો હજુ પણ ઘર બહાર જવાનું પસંદ કરે છે કારણકે ઓનલાઈન ખરીદીમાં ગ્રોસરીનો હિસ્સો માત્ર ૭ ટકા છે. ગયા વર્ષે ખરીદારોએ ૧.૮ બિલિયન ખરીદી અથવા તો સરેરાશ માસિક ૧૫૦ મિલિયન ખરીદી ઓનલાઈન કરી હતી, જે ૨૦૧૪ની સરખામણીએ ૩૮ ટકાનો વધારો સૂચવે છે. આનું કારણ એ હોઈ શકે કે ઓનલાઈન નાણા ખર્ચવાનું દુઃખ હોઈ શકે છે. સ્ટોરમાં ૩૮ પાઉન્ડ ખર્ચવા સામે ઓનલાઈન સરેરાશ ટ્રાન્ઝેક્શન ૮૫ પાઉન્ડ હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter