લંડનઃ આ સદીના અંત સુધીમાં ૫૦૦થી વધુ સસ્તનીય (mammal) પ્રાણીની પ્રજાતિઓ હંમેશ માટે લુપ્ત થઈ જશે. વિજ્ઞાનીઓ કહે છે કે સસ્તનીય પ્રાણીઓના ૯૬ ટકાના વિનાશ માટે કાળા માથાંનો માનવી જ જવાબદાર છે. અભ્યાસ અનુસાર ક્લાઈમેટ ચેન્જના કારણે અસંખ્ય પ્રજાતિઓ માટે સદાકાળ ભૂતકાળ બની જવાનું જોખમ સર્જાયેલું છે.
સ્વીડિશ જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસમાં વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે ગત ૧૨૬,૦૦૦ વર્ષના ગાળામાં માનવીય પ્રવૃત્તિઓએ વર્તાવેલા કાળા કેરથી તમામ સસ્તનીય પ્રાણીઓના ૯૬ ટકા પ્રાણીઓ હંમેશ માટે લુપ્ત થઈ ગયાં છે. તેઓ એમ પણ કહે છે કે આ સદીના અંત સુધીમાં વધુ ૫૫૮ સસ્તનીય એટલે કે આંચળવાળાં પ્રાણીની પ્રજાતિઓ હંમેશ માટે ભૂતકાળ બની જશે.
અન્ય નિષ્ણાતો માને છે કે મોટા ભાગના પ્રાગૈતિહાસિક વિનાશ પાછળ હિમયુગ (Ice Age) સાથે સંકળાયેલાં મહત્ત્વનાં આબોહવા પરિવર્તનો વધુ જવાબદાર છે. જોકે, અભ્યાસના સહઆલેખક અને સ્વીડનમાં ગોથેનબર્ગ યુનિવર્સિટીના ડેનિએલ સિલ્વેસ્ટ્રોએ કહ્યું છે કે, ‘ગત ૧૨૬,૦૦૦ વર્ષોમાં આબોહવાના કારણે વિનાશ થયાના કોઈ પુરાવાઓ મળ્યા નથી. જોકે, આ સમયગાળામાં તમામ સસ્તનીય પ્રજાતિઓના ૯૬ ટકા પ્રાણી લુપ્ત થવા પાછળ માનવીય પગલાંની અસરો હોવાનું સમજાય છે.’
જર્નલ ‘સાયન્સ એડવાન્સીસ’માં પ્રસિદ્ધ મહત્ત્વના અભ્યાસ અનુસાર માનવસર્જિત જળવાયુ પરિવર્તનો તેમજ માનવી સાથે સંકળાયેલી વાયુ પ્રદુષણ, વિકાસના બહાને જંગલો-વૃક્ષો કાપવા સહિત અન્ય પ્રવૃત્તિઓના કારણે અસંખ્ય પ્રજાતિઓ માટે જોખમ સર્જાયેલું છે.


