કિશોર વયના બાળકોમાં આત્મઘાતી વિચારનું બમણું પ્રમાણ

Tuesday 27th September 2016 11:09 EDT
 
 

લંડનઃ ગત પાંચ વર્ષમાં આત્મઘાતી વિચાર કે લાગણી અનુભવતા બાળકોની સંખ્યા વધીને બમણી થઈ છે. આ માટે આધુનિક જીવનના સોશિયલ મીડિયાની સતત દખલ, ઘરેલુ શોષણ અને શાળાકીય દબાણો વધુ કારણભૂત હોવાનું મનાય છે. ગત ૧૨ મહિનામાં કિશોર વયના આશરે ૨૦,૦૦૦ બાળકોએ ચાઈલ્ડલાઈન સર્વિસનો સંપર્ક સાધી તેમને આત્મહત્યાનો વિચાર આવતો હોવાનું જણાવ્યું હતું.

NSPCCના વાર્ષિક રિપોર્ટ અનુસાર હજારો હતાશ બાળકોમાં ૧૦ વર્ષ જેટલા નાના બાળકોએ પણ સંસ્થાની ૨૪ કલાક કાર્યરત ચાઈલ્ડલાઈન સર્વિસને ફોન કરી પોતાને આત્મઘાતી વિચાર આવતા હોવાની જાણ કરી મદદ માગી હતી. છોકરાઓની સરખામણીએ છોકરીઓમાં આત્મઘાતી લાગણીનું પ્રમાણ છ ગણું હોવાનું જણાયું હતું. જોકે, ૧૨-૧૫ વયજૂથની છોકરીઓ સૌથી વધુ જોખમ ધરાવતી હતી. ૧૩ વર્ષના બાળકે ચાઈલ્ડલાઈનને ફોનમાં જણાવ્યું હતું કે તેની કોઈ કિંમત નથી અને લાગે છે કે કોઈને તેના માટે લાગણી નથી

વર્ષ ૨૦૧૫-૧૬માં NSPCCની ચાઈલ્ડલાઈન સર્વિસનો સંપર્ક યુવા વર્ગના આત્મઘાતી વિચાર ધરાવતા ૧૯,૪૮૧ સભ્યોએ કર્યો હતો, જેના કારણે દિવસમાં ૫૩ કાઉન્સેલિંગ થતાં હતાં. પાંચ વર્ષ અગાઉ NSPCCના સલાહકારોને લગભગ અડધાથી ઓછાં એટલે કે ૮,૮૩૫ કોલ્સ મળતા હતા. ચાઈલ્ડલાઈને ૨૦૧૪-૧૫માં ૨૮૬,૮૧૨ કાઉન્સેલિંગ સેશન્સ યોજ્યાં હતાં જેની સરખામણીએ ૨૦૧૫-૧૬માં કાઉન્સેલિંગ સેશન્સ વધીને ૩૦૧,૪૧૩ થયાં હતાં. NSPCCની ચાઈલ્ડલાઈન સર્વિસનો સંપર્ક 0800 1111 પર કરી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter