ક્લાઈમેટ ચેન્જનો વિશ્વવ્યાપી વિરોધઃ યુકેમાં ૨૦૦થી વધુ રેલીમાં ૩૫૦,૦૦૦ લોકો સામેલ

Wednesday 25th September 2019 02:29 EDT
 
 

લંડનઃ વિશ્વમાં ગરમીનું પ્રમાણ અને પ્રદુષણ વધી રહ્યું છે ત્યારે યુએન ખાતે યોજાનારી ક્લાઈમેટ સમિટની અગાઉ શુક્રવાર ૨૦ સપ્ટેમ્બરે ક્લાઈમેટ ચેન્જના વિશ્વવ્યાપી વિરોધમાં યુકેના લોકો પણ નાની શેરીઓથી માંડી મોટા માર્ગો પરની ૨૦૦થી વધુ રેલીઓ દ્વારા સામેલ થયા હતા. નાના બાળકોથી માંડી વૃદ્ધો સુધી આશરે ૩૫૦,૦૦૦ લોકોએ વિરોધમાં જોડાઈ ક્લાઈમેટ કટોકટીનો સામનો કરવા હવે ઘણો થોડો સમય રહ્યો હોઈ તત્કાળ પગલાં લેવા રાજકીય નેતાઓને હાકલ કરી હતી. સમગ્ર લંડનમાં શાળાના બાળકોએ ક્લાઈમેટ ચેન્જ સામે વિરોધ દર્શાવવા ક્લાસીસમાં લેક્ચર્સ અને અભ્યાસ છોડ્યો હતો. તમામ શહેરોમાં વાહનવ્યવહાર થંભી ગયો હતો.

આ કાર્યક્રમના સહઆયોજક સ્ટુડન્ટ ક્લાઈમેટ નેટવર્કના જેક વુડીઅરે ક્લાઈમેટ કટોકટીના સામના માટેની લડાઈમાં વિશ્વવ્યાપી વિરોધ પ્રદર્શનોને મોટા વળાંક સમાન ગણાવ્યા હતા. ક્લાઈમેટ ચેન્જનો વિરોધ કરી રહેલી ૧૬ વર્ષીય એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ દ્વારા સ્વીડિશ પાર્લામેન્ટની બહાર શાળાઓની હડતાળના કાર્યક્રમથી આરંભાયેલી ચળવળના ભાગરૂપે આ વિશ્વવ્યાપી વિરોધ કરાયો છે. ૧૩૯ દેશમાં ૪,૬૦૦થી વધુ વિરોધ કાર્યક્રમો યોજાયાં હતાં. વિશ્વમાં કોલસા અને પ્રવાહી કુદરતી ગેસ (LNG)ના સૌથી મોટા નિકાસકાર ઓસ્ટ્રેલિયાના સિડની અને કેનબેરામાં આશરે ૩૦૦,૦૦૦ દેખાવકારો એકત્ર થયા હતા.

સૂર્યપ્રકાશ પહોંચતો નથી તેવા આયોનાના ઈનર હેબ્રીડિઅન ટાપુથી લંડનની ભરચક શેરીઓ અને માર્ગો પર ગ્રાન્ડપેરન્ટ્સ, પેરન્ટ્સ, બાળકો તેમજ કામદારો તેમના કાર્યો અને અભ્યાસ છોડીને યુકેના આ સૌથી મોટા પર્યાવરણીય વિરોધપ્રદર્શનોમાં જોડાયાં હતાં. આયોજકોએ જણાવ્યા મુજબ લંડનમાં ૧૦૦,૦૦૦ લોકોથી વધુ તેમજ એડિનબરા, બ્રિસ્ટોલ, લીડ્ઝ, બ્રાઈટન, બેડફોર્ડ, કેમ્બ્રીજ, માન્ચેસ્ટર, બર્મિંગહામ સહિતના સેંકડો નગરો અને શહેરોના આશરે ૩૦૦,૦૦૦થી ૩૫૦,૦૦૦ લોકોએ પર્યાવરણીય વિરોધમાં ભાગ લીધો હતો. સમગ્ર યુકેમાં ૨૦૦થી વધુ રેલી યોજાઈ હતી.

લંડનના ટાઉન હોલ્સની બહાર તેમજ વેસ્ટફિલ્ડ સ્ટ્રેટફોર્ડ સિટી અને ટૂટિંગ બ્રોડવે સ્ટેશન સહિતના સ્થળોએ રેલીઓ યોજાઈ હતી. લેબરનેતા જેરેમી કોર્બીન અને ગ્રીન પાર્ટીના સાંસદ કેરોલીન લુકાસે લંડનમાં મેદનીને સંબોધી હતી. કોર્બીને ક્લાઈમેટ કટોકટીનું નિરાકરણ લાવવા ‘ગ્રીન ઈન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન’ તેમજ યુનિયનો ધરાવતી સારા પગારની લાખો નોકરીઓના સર્જનનું લોકોને વચન આપ્યું હતું. જોકે, આ ઉદ્દેશને સંપૂર્ણ ટેકો જાહેર કરતા સ્કૂલ્સ મિનિસ્ટર નિક ગિબે બાળકોને સ્કૂલ નહિ છોડવાની સલાહ આપી હતી પરંતુ, કોઈએ તેને કાને લીધી ન હતી. લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે,‘ આપણી પૃથ્વીના ભવિષ્ય માટે વિશ્વવ્યાપી વિરોધની કાર્યવાહી કરવાની જરૂર પડે છે તે અકલ્પનીય છે. વાસ્તવિકતા એ છે કે આપણી આબોહવા ઝડપથી બદલાતી રહી છે અને તેના ઉકેલ માટે આપણી પાસે સમય ઓછો છે. અત્યાર સુધી કામગીરીમાં નિષ્ફળ રહેલી સમગ્ર વિશ્વની સરકારો આપણા ગ્રહને બચાવવા એકત્ર થયેલાં લાખો લોકોનો અવાજ સાંભળશે તેવી મને આશા છે. આપણું ભાવિ તેના પર જ ટકેલું છે.’

સ્કોટિશ રાજધાની એડિનબરામાં પાર્લામેન્ટ સુધી કૂચ કરી જતા હજારો લોકોએ ‘Hey hey, ho ho, climate change has got to go!’ના સૂત્રોથી ગગન ગજાવી દીધું હતું. લોકોએ ‘33.2C in Scotland. Time to panic!’, ‘Sea levels are rising. So are we!’, ‘You’ll die of old age. I’ll die of climate change.’ સહિતના પ્લેકાર્ડ્સ અને બેનરોથી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. માન્ચેસ્ટરમાં પણ હજારો લોકો ગ્રાન્ડ સેન્ટ્રલ લાઈબ્રેરીની બહાર એકત્ર થયાં હતાં. શાળાની ૧૦ વર્ષીય વિદ્યાર્થિની લિલીઆના ક્લાઈમેટ ચેન્જ વિશે જુઠાણાં આચરતા રાજકારણીઓ પર પ્રહારો કરતા પ્રવચનને લોકોએ તાળીઓથી વધાવી લીધું હતું. બર્મિંગહામમાં પ્રદર્શનકારીઓએ બીબીસી દ્વારા ક્લામેન્ટ ચેન્જ વિશે પૂરતું કવરેજ અપાતું ન હોવાનું જણાવી તેની ઓફિસની બહાર વિરોધ નોંધાવ્યો હતો. આવી જ રીતે ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ કેમ્બ્રીજના રહેવાસીઓ પરેડમાં સામેલ થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter