લંડનઃ બ્રિટનમાં દર વર્ષે પરિવારો દ્વારા સરેરાશ ૭૦૦ પાઉન્ડના ખાદ્યપદાર્થો ફેંકી દેવાય છે. ઘરમાંથી દર વર્ષે એક ટન ખોરાકનો ચોથો હિસ્સો વેડફાય છે, જે ૫૦૦ થાળીની સમાન છે. સુપરમાર્કેટ્સની કિંમતોની ગળાકાપ સ્પર્ધાના કારણે ખોરાક સસ્તો બન્યો છે પરંતુ તેનાથી લોકોની ખોરાક વેડફવાની આદતને ઉત્તેજન મળ્યું છે. ફેંકી દેવાતા ખોરાકનો અડધો હિસ્સો તેના ઉપયોગની તારીખ જતી રહેવાના કારણે થાય છે જ્યારે બાકીનો મોટા ભાગનો હિસ્સો વધારે રાંધવા કે પીરસવાના કારણે ફેંકવામાં જાય છે.
વેસ્ટ રિડક્શન ચેરિટી Wrapના જણાવ્યા અનુસાર પરિવારો દ્વારા ફૂડ અને ડ્રિન્કનો વેસ્ટ ૨૦૧૨માં ૭ મિલિયન ટન હતો જે ૪.૪ ટકા વધીને ૨૦૧૫માં ૭.૩ મિલિયન ટન થયો હતો. ખોરાકી કચરાનામ પાંચ ટકાનો કાપ લાવવાનો લક્ષ્યાંક હતો પરંતુ ૬૬૦,૦૦૦ ટનથી પીછેહઠ થઈ હતી. ચેરિટીએ જણાવ્યું હતું કે ૨૦૧૪-૨૦૧૫ના ગાળામાં ખોરાકની કિંમતોમાં ૨.૫ ટકાનો ઘટાડો થવા ઉપરાંત, આવકમાં વધારો થયો હતો, જેનાથી ખોરાકનો વેડફાટ ઘટાડવાની લોકોની વૃત્તિ બદલાઈ હતી. યુકેના પરિવારો તેમની આવકના ૧૧ ટકા જ ફૂડ અને ડ્રિન્ક પાછળ વાપરે છે.


