ખ્રિસ્તી માન્યતા મુજબ ન હોવાથી ચર્ચે યોગા પર પ્રતિબંધ મૂક્યો

Wednesday 17th May 2017 06:53 EDT
 
 

લંડનઃ યોગા ખ્રિસ્તી ધર્મની માન્યતા મુજબનો ન હોવાનું જણાવીને વેલ્સના સેરેડિજીયનના બ્લિનપોર્થ ગામમાં આવેલા સેન્ટ ડેવિડ ચર્ચના પાદરીઓએ યોગા પર પ્રતિબંધ લાદ્યો હતો. ગામમાં પૂરતી સુવિધાઓ ન હોવાની ફરિયાદો પછી આ ચર્ચના કેટલાક ભાગને કોમ્યુનિટી સેન્ટરમાં રૂપાંતરિત કરી દેવાયો હતો. પેરોશિયલ ચર્ચ કાઉન્સિલ (PCC)એ સેન્ટરમાં પાઈલેટ્સને મંજૂરી આપી હતી જ્યારે યોગા અને અન્ય બિનખ્રિસ્તી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. આથી કેટલાક લોકોને ભારે આઘાત લાગ્યો હતો. રોષે ભરાઈને તેમણે આ સેન્ટરનો બહિષ્કાર કર્યો છે.

એબરપોર્થ કોમ્યુનિટી કાઉન્સિલને એક પત્રમાં રહીશે જણાવ્યું હતું કે સેન્ટરમાં વડીલો અને યુવાનો જીવનનો આનંદ માણી શકે તેવી પ્રવૃત્તિઓ થવી જોઈએ. પરંતુ, અહીં યોગા, તાઈ ચી. ટેકવોન્ડો જેવી કોઈ કોમ્યુનિટી પ્રવૃત્તિ થતી નથી. ચર્ચે જે નિર્ણય લીધો છે તેનાથી હું અને અન્ય લોકો નાખૂશ છીએ. આથી જ્યાં સુધી યોગ્ય અને પક્ષપાત વિનાનું કોમ્યુનિટી સેન્ટર બાંધવામાં નહીં આવે ત્યાં સુધી હું આ સેન્ટરની મુલાકાત આનંદ પ્રમોદની પ્રવૃત્તિ માટે લઈશ નહીં.

વેલ્સમાંના ચર્ચના પ્રવક્તાએ જણાવ્યું હતું કે PCC સેન્ટ ડેવિડ ચર્ચનો ઉપયોગ વધારવા માગે છે. પરંતુ, તે ખ્રિસ્તીઓના ધાર્મિક સ્થળ તરીકે યથાવત રહેશે. તેથી ખ્રિસ્તી મૂલ્યો અને માન્યતા સાથે ટકરાવ થાય તેવી પ્રવૃત્તિઓ ત્યાં યોગ્ય ગણાશે નહિ.

પોતાનું નામ ન આપવાની શરતે એક સ્થાનિકે જણાવ્યું હતું કે ચર્ચ દ્વારા કોમ્યુનિટી સેન્ટરને એક ચર્ચની દ્રષ્ટિએ જ જોવામાં આવે છે અને તેઓ રહીશોને શું જોઈએ છે તેની વિરુદ્ધ જઈ રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter