ગરીબીમાં જીવતા ૧૪ મિલિયન બ્રિટિશરઃ ફૂડ-એનર્જી બિલ્સનો માર

Wednesday 06th December 2017 06:33 EST
 
 

લંડનઃ આસમાને જઈ રહેલાં ફૂડ અને એનર્જી બિલ્સનો માર ખાઈ રહેલા આશરે ૧૪ મિલિયન બ્રિટિશર ગરીબીનો સામનો કરી રહ્યા છે. ચેરિટી જોસેફ રોનટ્રી ફાઉન્ડેશનના રિપોર્ટ અનુસાર પાંચમાંથી એક બ્રિટિશર ગરીબીમાં જીવે છે. ૨૦૧૩ પછી આશરે ૪૦૦,૦૦૦ વધુ બાળકો અને ૩૦૦,૦૦૦ વધુ વૃદ્ધજનો ગરીબી અનુભવે છે, જે માટે ઊંચા ફૂડ અને એનર્જી બિલ્સ, કરજ તેમજ પેન્શનમાં ફાળો આપવાની અક્ષમતા મુખ્ય પરિબળ જવાબદાર છે. જોકે, સરકારનો દાવો છે કે ૨૦૧૦ પછી ગરીબીનું પ્રમાણ અડધાથી પણ વધુ ઘટ્યું છે.

ઘર ચલાવવાના ખર્ચમાં અસહ્ય વધારાના કારણે કુલ ચાર મિલિયન બાળકો અને ૧.૯ મિલિયન વૃદ્ધો તીવ્ર કરકસર કરવા છતાં ઘર ચલાવી શકતાં નથી તેમ ફાઉન્ડેશને ચેતવણી આપતા જણાવ્યું છે. સંસ્થાએ ચાર વર્ષ માટે સ્થગિત કરાયેલાં વર્કિંગ એજ બેનિફિટ્સ અને ટેક્સ ક્રેડિટ્સનો અંત લાવવા તેમજ લોકોને પોસાય તેવા ભાડાં અને ખરીદી માટે મકાનો મળી શકે તે માટે વધુ મહત્ત્વાકાંક્ષી હાઉસબિલ્ડિંગ પ્રોગ્રામમાં રોકાણ કરવા સરકારને અનુરોધ કર્યો છે.

રિપોર્ટ અનુસાર રોજગારીમાં થતો સતત વધારો પણ ગરીબી ઘટાડવા કારગત નીવડતો નથી. વર્કિંગ એજ પરિવારો માટે બેનિફિટ્સ અને ટેક્સ ક્રેડિટ્સમાં ફેરફારો તેમની આવકને ઘટાડી રહ્યા છે. ઓછી આવક ધરાવતાં મોટા ભાગના લોકો ભવિષ્ય માટે બચત કરી શકતાં નથી.

ગરીબીનું પ્રમાણઃ

ગરીબીમાં જીવતાં લોકો- ૧૩.૯ મિલિયન

ગરીબીમાં જીવતાં બાળકો- ૪ મિલિયન

ગરીબીમાં જીવતાં કામ કરી શકે તેવા પુખ્તો- ૮ મિલિયન

ગરીબીમાં જીવતાં કર્મચારીઓ- ૩.૪ મિલિયન

ગરીબીમાં જીવતાં ફુલ-ટાઈમ કર્મચારીઓ- ૨ મિલિયન

ગરીબીમાં જીવતાં પાર્ટ-ટાઈમ કર્મચારીઓ- ૧.૪ મિલિયન

ગરીબીમાં જીવતાં પેન્શનર્સ- ૧.૯ મિલિયન

સતત ગરીબીમાં જીવતાં લોકો- ૪.૬ મિલિયન


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter