લંડનઃ સપ્તાહના અંતે કે રોજિંદા જીવનમાં પણ સંતોષ મેળવવા લોકો આરામ, પુસ્તકનું વાચન, બાળકો સાથે રમત સહિતની પ્રવૃત્તિઓ માણે છે. જોકે, યુનિવર્સિટી ઓફ સસેક્સ અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના સંશોધકોના અભ્યાસ અનુસાર બ્રિટિશરો પક્ષીદર્શન, ગાર્ડનિંગ, રંગભૂમિ અથવા દોડવા જવાની પ્રવૃત્તિઓમાંથી વધુ આનંદ મેળવે છે.
આ સર્વેમાં જણાયું હતું કે મ્યુઝિયમની મુલાકાત લેવાથી લગભગ સેક્સ માણવા જેટલો જ આનંદ પ્રાપ્ત થાય છે. ખુલ્લી જગ્યામાં કુંભારકામ કે માટીના સાધનો બનાવવામાં જે આનંદ મલે છે તે લોકો સાથે મેળમિલાપથી પણ વધારે હોય છે. જ્યારે ફીશિંગની પ્રવૃત્તિમાં જોડાવું કે ચર્ચમાં જવું તે બાળકો સાથે રમતમાં સમય વીતાવવા કરતા પણ વધુ આનંદ આપે છે તેમ સર્વેના તારણોએ જણાવ્યું હતું.


