જાત-પાત બાબતે નિરર્થક ઉહાપોહ શા માટે?

સી.બી. પટેલ Wednesday 17th July 2019 03:38 EDT
 

આજકાલ અખબારોમાં જાત-પાત બાબતે દરરોજ નવી કથા આવતી રહે છે. છેલ્લે સાક્ષી મિશ્રાના સમાચાર મારા દિલોદિમાગ પર છવાઈ ગયા હતા. ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્યની દીકરીએ દલિત પુરુષ સાથે લગ્ન કર્યાં તે તો બહુ મોટા ન્યૂઝ બની ગયા. મારો અંગત મત તો એવો જ છે કે બે વ્યક્તિએ જીવનભર સાથે રહેવાની ઈચ્છાનુસાર આપણી સંસ્કૃતિને અનુરુપ લગ્ન કર્યાં હતાં. જોકે, મારી ગેરસમજ હતી કારણકે આપણા સમાજના બહુમતી સમૂહનું એમ જ માનવું હતું કે અલગ જ્ઞાતિની બે વ્યક્તિએ લગ્ન કરી સામાજિક નિયમભંગ કર્યો છે.

હવે હું આ તબક્કે લોકોના દિલોદિમાગમાં છવાયેલી કેટલીક સામાન્ય ગેરસમજો વિશે સ્પષ્ટતા કરવાની તક ઝડપી લેવા માગું છું. હિન્દુ ધર્મના અનેકાધિક શાસ્ત્રોમાં એક એવા મનુસ્મૃતિના શ્લોકોને ખોટી રીતે અને યોગ્ય સંદર્ભ વિના ટાંકવામાં આવે છે. હિન્દુઓને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર તરીકે જે તે વર્ગમાં જન્મના આધારે વર્ગીકૃત કરાયા હોવાની માન્યતા પરાપૂર્વથી ચાલતી આવી છે. જોકે, તેમાં સત્યનો કોઈ અંશ નથી. મેં મનુસ્મૃતિનો થોડો ઘણો અભ્યાસ કર્યો છે અને તેના આધારે કહી શકું કે હિન્દુઓનું આ જાતિ-જ્ઞાતિ કે વર્ગ સંબંધિત વર્ગીકરણ તેમના કર્મના આધારે નહિ પરંતુ, માત્ર તેમના કામકાજ- ધંધાના આધારે જ કરવામાં આવ્યું છે. હું માનું છું કે લોકો જે પરિવારમાં જન્મે છે તેના આધારે ચાર વર્ગમાં વિભાજન ઠોકી બેસાડાયું નથી.

વાસ્તવમાં, કોઈ વેદ અથવા ઉપનિષદમાં ઈશ્વરનો અથવા તો આ બહુ વગોવાયેલી જ્ઞાતિપ્રથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમાં તો માત્ર મૂલ્યો અને નૈતિકતાની વાત કહેવાઈ છે. મારું નમ્રપણે માનવું છે કે ૧૧મીથી ૧૨મી સદીના સમયગાળા પછી ભારતનો સંબંધ સૌપહેલા અફઘાનો અને મુસ્લિમ વસ્તી સાથે જોડાયો ત્યારે લોકોના ધર્માન્તરના પ્રયાસોમાં ભારે વધારો થયો હતો. આ સમયે લોકોને મદદ કરવા ગુરુજનો અને હિન્દુ નેતાઓ દ્વારા જ્ઞાતિપ્રથાનો ઉપયોગ કરવામાં આવ્યો અને કોઈ રીતે તે મદદરુપ બની પણ હતી.

આધ્યાત્મિક અને અન્ય નેતાઓએ સામાન્ય લોકોએ કેવું જીવન જીવવું જોઈએ તેની માર્ગદર્શક રુપરેખા તરીકે જ્ઞાતિપ્રથાને ઉપયોગમાં લીધી હતી. તેનો અર્થ એવો હરગિજ ન હતો કે તમામ લોકોએ માર્ગદર્શક રુપરેખાનું પાલન કે અનુસરણ કરવાનું હતું. આ બાબત પુરાણોમાંથી પણ સ્પષ્ટ થાય છે. પુરાણોમાં જન્મે બ્રાહ્મણ ન હોય તેવા ઋષિઓ અને ક્ષત્રિય ન હોય તેવા રાજાઓ વિશે ઘણું લખવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં એક ગુરુ થઈ ગયા જેઓ જન્મે વણકર હતા. તે સમયમાં જ્ઞાતિપ્રથાએ ઢાલ કે કવચ તરીકે કામ આપ્યું હતું પરંતુ હવે સમય ઘણો બદલાઈ ગયો છે.

આજના નવા, પ્રગતિશીલ, ગ્લોબલ ભારતને આવા ગુંગળાવનારા ખ્યાલો કે કલ્પનાઓની જરુર નથી. જ્ઞાતિપ્રથા આધારિત સમાજ આપણી વસ્તીને જડબેસલાક બંધનમાં બાંધી રહ્યો છે. દેશ અથવા દેશપારના ભારતીયો માટે આ પ્રથાનું જરા પણ મહત્ત્વ રહ્યું નથી. સ્થાપિત હિતો ધરાવતા ગણ્યાગાંઠ્યા લોકો જ તેનો ઉપયોગ કાખઘોડી તરીકે કરી રહ્યાં છે, જેના અવારનવાર ઉપયોગ થકી લોકોને નીચે ધકેલવામાં આવે છે.

ભારતીય બંધારણના આલેખક બી. આર. આંબેડકરના પત્ની બ્રાહ્મણ હતાં અને તેમનું લગ્નજીવન જરા પણ ડખાં વિના સુખરુપ ચાલ્યું હતું. સંત કબીર હોય કે સાઈબાબા, તેમાંથી કોઈ જ્ઞાતિપ્રથાને માનતા ન હતા. તેનાથી પણ આગળ વિચારતા હતા. તેમણે લોકોનાં જીવન પર એટલી અસર ઉભી કરી હતી કે તેઓ ઈતિહાસમાં જીવંત બની ગયા છે.

મારો એ કહેવાનો પ્રયાસ છે કે આ ગુંચવાડો સર્જતી અનાવશ્યક વ્યવસ્થા છે. તે તમાજને બાંધી-જકડી રાખે છે અને વિકાસને અવરોધે છે. સાથે એ પણ કહેવું છે કે ખાસ કરીને યુવાનો પર તે ક્રુરતા આચરે છે. આંબેડકરના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, ભારતીય સ્વાતંત્ર્યના ગત ૭૦ વર્ષમાં જ્ઞાતિપ્રથાએ વ્યક્તિનાં રોજબરોજના જીવનમાં પણ મોટાપાયે પગપેસારો કરી દીધો છે. અનામત કે આરક્ષણ વિશે તમે શું માનો છો? આ તો જ્ઞાતિપ્રથા આધારિત રાજકારણ જ છે.

ભારતના કોઈ પણ રાજકીય પક્ષને પોતાના ફાયદા ખાતર આ સિસ્ટમનો દુરુપયોગ કરવામાં કોઈ શરમ કે છોછ રહ્યાં નથી. તેમના નેતાઓ જનતાને ઉશ્કેરવા જ્ઞાતિકાર્ડનો ઉપયોગ કરવામાં એટલા ખેલંદા બની ગયા છે કે આર્થિક દૃષ્ટિએ પછાત લોકો માટે ૧૦ ટકા અનામત આપવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પણ તેમને વિરોધને યોગ્ય લાગે છે. જો વર્તમાન સમયમાં ભારતે વિકાસ સાધવો હશે તો લોકશાહી, ધર્મનિરપેક્ષતા, સમાવેશતા અને એકતાની જાળવણી મહત્ત્વપૂર્ણ બની જાય છે. જોકે, કેટલાક રાજકીય ગુંડા તત્વો આને જરા પણ મહત્ત્વ ન આપે તે દેખીતું છે. આપણે જ્ઞાતિઆધારિત સામાજિક પોતને જેટલી ઝડપથી દફનાવી દઈશું તો તે દેશ અને જનતા માટે બહેતર રહેશે. આ કોઈ પણ પ્રકારે સામાન્ય કલ્યાણ સાથે સંકળાયેલી બાબત નથી પરંતુ, તેનાથી ભારત અસહિષ્ણુ દેશ હોવાની ખરાબ છબી સર્જાય છે.

આવી જ્ઞાતિપ્રથાને ફગાવી દેવાનું ઉજળું ઉદાહરણ માઉ માઉ સમયગાળા દરમિયાન કેન્યામાં રહેલા અંબુભાઈ પટેલનું છે. કમનસીબી એ છે કે તેની કશે નોંધ લેવાઈ નથી. કેન્યા માટે આઝાદી હાંસલ કરવામાં સક્રિય ભૂમિકા ભજવવામાં અંબુભાઈ પટેલે ભારતીય સ્વાતંત્ર્ય યોદ્ધા તરીકેનો અનુભવ કામે લગાવ્યો હતો. પટેલે જોમો કેન્યાટા સાથે મળીને કામ કર્યું હતું અને જ્યારે કેન્યાટા જેલમાં નખાયા ત્યારે તેમની પુત્રી માર્ગારેટને પોતાના ઘેર રાખી હતી.

કેન્યાટા અને અંબુભાઈ વચ્ચે મોટો તફાવત દર્શાવતી એક ઘટના આપણે જોઈએ. આ બંને એક વખત નાઈરોબીમાં કારમાં સાથે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે લોકોના શોષણના મુદ્દે અંબુભાઈએ કેન્યાટાની ટીકા કરી હતી. કેન્યાટાએ ડ્રાઈવરને કાર રોકવા કહ્યું અને અંબુભાઈને નીચે ઉતરી જવા આદેશ કર્યો હતો. અંબુભાઈ આ પછી ભારત પહોંચ્યા અને ગુજરાતના આણંદમાં વસવાટ કર્યો. તેમની દીકરી લક્ષ્મીએ હરિજન સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે હંમેશા પ્રગતિશીલ વિચારો ધરાવતા અંબુભાઈએ તો તૈયારી કરી કંકોત્રીઓ પણ છપાવી. તેમણે કંકોત્રીમાં સ્પષ્ટ લખ્યું હતું કે તેમની દીકરી હરિજન સાથે લગ્ન કરી રહી છે અને મહેમાનોએ લગ્નમાં આવી નવયુગલને આશીર્વાદ આપવા.

છેક ૧૯૬૦ના દાયકામાં પણ આવાં હિંમતભર્યાં પગલાં લેનારાં લોકો પણ હતાં, જેમણે સમાજને બદલવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. આ નવયુગ છે ત્યારે દેશ અને જનતાએ જાગી જવાની જરુર છે.

(એશિયન વોઈસમાં પ્રકાશિત As I See It કોલમનો ભાવાનુવાદ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter