લંડનઃ મોટા ભાગના અથવા તો ૮૪ ટકા જનરલ પ્રેક્ટિશનર્સ (જીપી) પર એટલો ભારે કાર્યબોજ રહે છે કે તેના કારણે તેઓ ગુણવત્તાયુક્ત સંભાળ પૂરી પાડી શકતા નથી. લોકોની જરૂરિયાતને પહોંચી વળવા તેમની પાસે પૂરતું ભંડોળ નહિ હોવાનો અસંતોષ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. બ્રિટિશ મેડિકલ એસોસિયેશન ()ના એક સર્વે અનુસાર જીપી સલામત સેવા આપવા સંઘર્ષ કરી રહ્યા હોવાથી દર્દીઓ પર ભારે જોખમ પણ રહે છે.
BMA દ્વારા ૫,૦૨૫ સભ્યનો સર્વે કરાયો હતો, જેમાં ૮૪ ટકા જીપીએ તેમનો વર્કલોડ સેવાની ગુણવત્તાને અસર કરતો હોવાનું જણાવ્યું હતું. દસમાંથી એક ડોક્ટરે જ તે સલામત સેવા આપી શકતા હોવાનું જણાવ્યું હતું. ડોક્ટરોએ કહ્યું હતું કે દેશમાં વધતી અને વૃદ્ધ થતી વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા તેમને પૂરતું ભંડોળ અપાતું નથી.
જીપીનો ત્રીજો હિસ્સો આગામી પાંચ વર્ષમાં નિવૃત્ત થશે અથવા કામકાજ છોડશે તેવા સંજોગોમાં સર્જરીઝમાં ભરતીની કટોકટી પણ છે. ઘણા ડોક્ટર્સ વિદેશ જઈ રહ્યા છે અને ઘણા થોડાને તાલીમ અપાઈ રહી છે ત્યારે આઠમાંથી એક ડોક્ટરની જગ્યા ખાલી રહે છે. એપોઈન્ટમેન્ટ માટે રાહ જોવાનો સમય સૌથી ખરાબ રીતે વધ્યો છે. દર્દીઓને સામાન્યપણે આગામી ત્રણ-ચાર સપ્તાહ સુધી કોઈ એપોઈન્ટમેન્ટ આપી શકાય તેમ ન હોવાનું જણાવી દેવાય છે.
BMA GPકમિટીના ચેરમેન ડો. ચાંદ નાગપાલે જણાવ્યું હતું કે,‘લોકોને સલામત અને અસરકારક સ્તરની સંભાળ આપી ન શકે તેવી સેવા ચલાવી શકાય નહિ.’


