લંડનઃ વ્યક્તિનું સરેરાશ આયુષ્ય ૮૦ વર્ષ એટલે કે ૨૯,૦૦૦ દિવસ ધારીએ તે મુજબ બ્રિટનના લોકો જીવનના સરેરાશ આઠ મહિના હસવામાં અને ૩૦ કલાક રડવામાં, ૧૭ સપ્તાહ જાતીય સંબંધ માણવામાં, ચાર વર્ષ ફોન પર પરોવાયેલા રહેવામાં, ૨૪૮ દિવસ પાર્કિંગ માટે જગ્યા શોધવામાં અને ૩૬૮ દિવસ શરાબના પીઠામાં ગાળે છે. જોકે, જીવનની વ્યવસ્તતા વચ્ચે પણ ૧૩ વર્ષ સંગીત સાંભળવા મળે તેને આર્શીવાદ જ ગણવા જોઈએ. લોકો ટ્રાફિક જામમાં કે પાર્કિંગની જગ્યા શોધવામાં કેટલા કલાકો વેડફી નાખે છે તેના સર્વેક્ષણથી પ્રેરાઈને બ્રિટિશ પાર્કિંગ એસોસિએશન દ્વારા લોકોના સમગ્ર જીવનની પ્રવૃતિઓનો સર્વે કરવામાં આવ્યો હતો.
રસપ્રદ સર્વે મુજબ બ્રિટિશરો પોતાના સમગ્ર જીવન દરમિયાન કુલ ૧૨ વર્ષ પોતાના કામના સ્થળે કામ કરવામાં ખર્ચે છે, ૧૭ સપ્તાહ સેક્સ માણવામાં અને સાડા આઠ વર્ષ જેટલો જંગી સમય તો ખરીદી કરવા પાછળ ખર્ચી નાખે છે. બ્રિટિશરો પોતાના જીવનના ૧૩૦ દિવસો તો લાલ લાઇટ વખતે અટકેલા ટ્રાફિકમાં વેડફી દે છે અને ૨૪૮ દિવસો પાર્કિંગ માટેની જગ્યા માટે ફાંફા મારવામાં ખર્ચી નાખે છે. આ સાથે કેટલીક મહત્ત્વની પ્રવૃત્તિઓ પાછળ ખર્ચાતા સમયની માહિતી રસપ્રદ બની રહેશે.
જાતીય સુખઃ ચોતરફ સેક્સની વાતો ચાલતી હોય ત્યારે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે જીવનકાળના ૦.૫ ટકાથી ઓછો સમય એટલે કે ૨૯,૦૦૦ દિવસમાંથી લોકો માત્ર ૧૧૭ દિવસ સેક્સ માણે છે. આ વાત ૨૦૧૬ના ગ્લોબલ સર્વેમાં ૯,૦૦૦થી વધુ લોકો દ્વારા બહાર આવી હતી.
નિદ્રાઃ ધ ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટની ગણતરી અનુસાર ૮૦ વર્ષની જીંદગી જીવનાર વ્યક્તિ જીવનકાળમાં ૨૬ વર્ષની ઊંઘ મેળવે છે.
હાસ્ય અને રુદનઃ આપણે સરેરાશ આઠ મહિના હસવામા, પાંચ સપ્તાહ દલીલબાજીમાં અને ૩૦ કલાક રોવામાં ગાળીએ છીએ તેમ ૩,૦૦૦ બ્રિટિશ પુખ્ત લોકોના સર્વેમાં જાણવા મળ્યું છે. પોતાના પુખ્ત જીવનમાં બ્રિટિશર ૩૧૫ વખત રડે છે.
કસરતઃ યુકેમાં ૧૦માંથી સાત લોકો નિયમિત કસરત કરતા હોવાનો દાવો કરે છે. જો તેમનું માનીએ તો તેઓ પુખ્તાવસ્થામાં ૧૫ મહિના કસરત પાછળ વીતાવતા હોઈ શકે. ૪૦ વર્ષની આસપાસના બ્રિટિશર ફીટ રહેવા માટે દર સપ્તાહે ત્રણ કલાક અને ૨૫ મિનિટ ગાળે છે, જ્યારે ૬૫થી વધુ વયના લોકો દર સપ્તાહે એક કલાક અને ૨૭ મિનિટ ગાળે છે.
કામકાજઃ લંડન મેટ્રોપોલીટન યુનિવર્સિટીના સંશોધન અનુસાર બ્રિટિશરો તેમના જીવનકાળના કુલ ૧૨ વર્ષ કામકાજ કે નોકરીધંધામાં વીતાવે છે અને તેમાંથી ૧૫ મહિના તેમના કોન્ટ્રાક્ટના ગાળા કરતા પણ વધુ હોય છે. જોકે, તેઓ ઓફિસમાં ચાર વર્ષ જેટલો સમય ફોન પર વાતચીત કરવામાં ગાળે છે. કામકાજની જીંદગીમાં આઠ કલાકની શિફ્ટમાં ૪૫ મિનિટ એટલે કે દર વર્ષે એક સપ્તાહ અથવા કુલ ૧૧ મહિના ધૂમ્રપાનમાં ખર્ચાય છે. એક બીજી સરેરાશ જોઈએ તો, લોકો કોર્પોરેટ મીટિંગ્સ પાછળ કુલ બે વર્ષ ખર્ચે છે
સોશિયલ મીડિયાઃ ફેસબુક જેવા સોશિયલ મીડિયાના વપરાશકારો જંદગી જીવવાના બદલે તેમના જીવન વિશે સોશિયલ મીડિયા અપડેટ્સ કરવા પાછળ ત્રણ વર્ષ કરતા વધુ સમય વીતાવે છે.
ખરીદીઃ આશરે ૨,૦૦૦ મહિલાની ખરીદીની આદતોના વિશ્લેષણના તારણો જણાવે છે કે તેઓ જીવનના સાડા આઠ વર્ષ રીટેઈલ થેરાપીમાં વીતાવે છે. બ્રિટિશરો ખરીદી દરમિયાન પાર્ટનર્સથી અલગ પડી જાય તો તેમને શોધવામાં જીવનના એક સપ્તાહથી વધુ સમય અને લાઈનોમાં ૨૩૫ દિવસ વીતાવે છે.
સૌંદર્યસજાવટઃ રીડર્સ ડાયજેસ્ટના સર્વે અનુસાર પુરુષો જીવનના ૩,૦૦૦ કલાક (આશરે ચાર મહિના) દાઢી કરવામાં ગાળે છે. આ પછી પણ તેમણે તૈયાર થઈ રહેલી સ્ત્રીઓની રાહ જોવાની રહે છે કારણકે શું પહેરવું તેનો નિર્ણય કરવામાં સ્ત્રીઓને જીવનમાં એક વર્ષ જેટલો સમય જાય છે. આ ઉપરાંત, તેઓ ૧૮ મહિનાનો સમય વાળના બ્રશિંગ, વોશિંગ, ડ્રાઈંગ, કર્લિંગ, કટિંગ સહિતની સજાવટ પાછળ ગાળે છે.
મુસાફરીઃ બ્રિટિશ વર્કર કામના સ્થળે જવા-આવવા પાછળ જીવનના દોઢ વર્ષનો સમય ગુમાવે છે. વાહન ચલાવવા, બસ અથવા ટ્રેનમાં બેસવામાં સરેરાશ ૫૮૮ દિવસ વપરાય છે. ગયા વર્ષે સમગ્ર યુકેમાં ડ્રાઈવરોએ સરેરાશ ૩૦ કલાક ટ્રાફિક જામમાં ગુમાવ્યા હતા, જે મુજબ કામકાજી જીવનમાં બે મહિનાથી વધુ સમય ખર્ચાય છે. બ્રિટિશ વાહનચાલકો જીવનના ત્રણ વર્ષ અને ચાર મહિના વ્હીલ પાછળ અને વર્ષમાં બે દિવસ ટ્રાફિકના લાલ લાઈટમાં રાહ જોતા ગાળે છે.
શરાબપાન અને હેન્ગ ઓવરઃ સરેરાશ ઈંગ્લિશ લોકો જીવનના ૩૬૮ દિવસ પબમાં વીતાવે છે, જ્યારે વેલ્શ લોકો ૨૭૯ દિવસ, નોર્ધર્ન આઈરીશ લોકો ૨૯૯ અને સ્કોટિશ લોકો ૨૯૮ દિવસ વીતાવે છે. જોકે, ૨૦૦૦ બ્રિટિશરોના સર્વે અનુસાર હેન્ગ ઓવરમાં આખા બે વર્ષ ખર્ચાય છે.
સિનેમા-ટેલિવિઝનઃ આપણે સામાન્યપણે બે વર્ષ અને ત્રણ મહિના સિનેમાગૃહમાં વીતાવીએ છીએ, જેમાં ટિકિટ માટે લાઈન, નાસ્તો ખરીદવો, બેઠક શોધવી અને નકામી જાહરખબરો જોવાના સમયનો સમાવેશ થાય છે. ટેલિવિઝન નિહાળવા પાછળ જિંદગીના આઠ વર્ષ અને નવ મહિના ખર્ચાય છે. વધુ આઠ મહિના મિત્રો અને સાથીઓ સાથે પ્લોટ અને પાત્રોની ચર્ચામાં જાય છે. જોકે, ચેનલો ફેરવીને શું જોવું તેનો નિર્ણય કરવામાં એક વર્ષ અને ચાર મહિના ખર્ચવા પડે છે.


