ટેકનોલોજીના અતિરેકથી યાદશક્તિ ઘટી!

Saturday 16th September 2017 05:24 EDT
 
 

લંડનઃ વિશ્વમાં સ્માર્ટ ફોનના ઉપયોગનું વલણ અને ચલણ વધવાના કારણે લોકોની યાદશક્તિ ઓછી થતી રહી હોવાની ચેતવણી વિશ્વના ખ્યાતનામ ન્યૂરોસાયન્ટિસ્ટ બેરોનેસ સુસાન ગ્રીનફિલ્ડે આપી છે. બેરોનેસ ગ્રીનફિલ્ડે જણાવ્યું હતું કે ટેકનોલોજીના વધતા જતાં ઉપયોગને કારણે આજની પેઢીને કોયડા ઉકેલવા અને ઞ્જાનનો સંગ્રહ કરવાની જરૂરિયાત ઘટી રહી છે. મગજની નીતિ ઉપયોગ કરો કે ભૂલી જવાની હોવાના કારણે માહિતીનો સંગ્રહ કરવાની ક્ષમતા ઉપર જોખમ ઊભું થઈ રહ્યું છે!

ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં લિંકન કોલેજ ખાતેના રિસર્ચ ફેલો ગ્રીનફિલ્ડે જણાવ્યું હતું કે હવે નામ કે તારીખ જેવી વિગતો ફોનના એક બટનથી જ મળી જતી હોવાને કારણે તેને યાદ રાખવાની જરૂરિયાત રહેતી નથી. આમ છતાં મગજની નીતિ ઉપયોગ કરો કે તે માહિતી ગુમાવી દો એવી હોય છે. આ કારણથી માહિતી યાદ રાખવાની જરૂરિયાત ન રહેવાથી તેનો સંગ્રહ ગુમાવી દેવાનું જોખમ રહે છે.

હાઉસ લોર્ડ્સને સંબોધતા બેરોનેસ ગ્રીનફિલ્ડે જણાવ્યું હતું કે બ્રિટનના સમાજના તમામ સ્તરે ડિજિટલની સમજણ વધારવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, સાચુકલા વિશ્વમાં સામાજિકીકરણ, રમત-ગમત અને શીખવા પાછળ ખર્ચાતો સમય હવે સ્કીન આધારિત વિશ્વમાં વપરાતો થઈ ગયો છે. સ્માર્ટફોનને વિચારવાનું આઉટસોર્સ થઈ રહ્યાની હકીકત ઉપર ગ્રીનફિલ્ડે ભારે ટીકા કરી હતી.

ગ્રીનફિલ્ડ માને છે કે, માહિતી માટે આપણા મગજની યાદ રાખવાની શક્તિને બદલે ટેકનોલોજી પર નિર્ભરતા વધતી જવાની અસર રોજબરોજની જિંદગી પર પડી રહી છે. ખાસ કરીને આપણી તર્કશક્તિ અને દલીલબાજી ઉપર પણ તેની અસર જોવા મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter