લંડનઃ બ્રિટિશરો જિંદગીના નવ વર્ષ ટેલિવિઝન સામે બેસી રહેવામાં વીતાવે છે. આટલું ઓછું હોય તેમ ટેલિવિઝનમાં તેમના ફેવરિટ કાર્યક્રમો સંબંધિત વાતો કરવામાં જ આઠ મહિનાનો સમય બગાડે છે. સરેરાશ બ્રિટિશ ઓછામાં ઓછી પાંચ અલગ અલગ સીરિઝ નિહાળે છે. ટેલિવિઝન નિહાળવાને હવે સામાજિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે.
એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે આપણે જિંદગીના આઠ વર્ષ અને ૧૦ મહિના ટેલિવિઝન કાર્યક્રમો નિહાળવામાં વીતાવી દઈએ છીએ. જો આપણે ટેલિવિઝન જોતાં ન હોઈએ ત્યારે પણ તેના કાર્યક્રમોની વાતોમાં આશરે આઠ મહિના ગુમાવીએ છીએ. સરેરાશ પુખ્ત વ્યક્તિ દિવસમાં ઓછામાં ઓછી ૧૫ મિનિટ પ્લોટ્સ અને પાત્રોની વાતોમાં વીતાવે છે. ૩૬ ટકા લોકોએ સ્વીકાર્યું હતું કે તેમની ઓફિસમાં ટેલિવિઝન સૌથી વધુ ચર્ચાનો વિષય છે.
આટલા બધા ટેલિવિઝન કાર્યક્રમો એક સાથે તો નિહાળી ન શકાય તેથી ૮૬ ટકા લોકો પોતાની આદત અનુસાર ડિજિટલ કેચ-અપ સર્વિસીસનો ઉપયોગ કરે છે. ૫૮ ટકા લોકોએ જણાવ્યું હતું કે સમયના અભાવ અને કામના બોજાના કારણે પસંદગીના કાર્યક્રમો જોઈ શકાતા નથી. ૭૫ ટકા લોકો ટેલિવિઝન એકલા જોવાના બદલે મિત્રો અને પરિવાર સાથે જોવાનું પસંદ કરે છે. યુવાન ૨૫-૩૪ વયજૂથની સરખામણીએ ૪૫-૫૦ વયજૂથના લોકો ૩૨ ટકા વધુ ટીવી કાર્યક્રમો નિહાળે છે.


