ડચેસ ઓફ કેમ્બ્રીજની બાળકોને કુદરતનાં ખોળે લઈ જવા અપીલ

Wednesday 19th June 2019 04:08 EDT
 
 

લંડનઃ ડચેસ ઓફ કેમ્બ્રીજ- કેટ મિડલટને બાળકો કુદરત ભણી પાછા વળે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા સીબીબીસી ચેનલ પરના ટીવી પ્રોગ્રામ ‘બ્લૂ પીટર’માં એક સ્પર્ધાનો આરંભ કરાવ્યો હતો. આગામી સપ્ટેમ્બરમાં સરેના વિસ્લી ખાતે ડચેસનો ‘બેક ટુ નેચર ગાર્ડન’ બનશે. તેમાં જે શિલ્પકૃતિ મૂકવાની છે તે તૈયાર કરવા માટેની આ સ્પર્ધા છે. ડચેસે ગાર્ડન માટેના એક્ટિવિટી કાર્ડ્સ તૈયાર કર્યા છે. સ્પર્ધાના બે રનર્સ અપને તેમનું પોતાનું બ્લૂ પીટર એક્ટિવિટી કાર્ડ તૈયાર કરવા મળશે.

પ્રોગ્રામમાં કેટ મીડલ્ટને તમામ ઋતુઓમાં પોતાનાં બાળકો જ્યોર્જ અને શાર્લોટને કુદરતના સાનિધ્યમાં લઈ જતા હતા તેની વાત કરી હતી. તેમણે બાળકોને ટેડપોલ અને ન્યૂટ્સને કેવી રીતે શોધવા અને ડેન કેવી રીતે બાંધવુ તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેઓ તેમના બાળકોને વરસાદ કે સૂર્યપ્રકાશમાં ઘણી વખત કુદરતને ખોળે લઈ જતા હતા તેની વાત તેમણે પ્રેઝન્ટર લિન્ડસે રસેલને કરી હતી.

ચેલ્સી ફ્લાવર શો માટે વુડલેન્ડ ગાર્ડન બનાવવામાં મદદ કરનારા ડચેસે ઉમેર્યું હતું કે માત્ર દસ કે પંદર મિનિટ જેટલાં થોડા સમય માટે પણ બહાર જવાથી શારીરિક તેમજ માનસિક સુખશાંતિમાં વધારો થાય છે. વેસ્ટ લંડનનાં પેડિંગ્ટન રિક્રિએશન ગ્રાઉન્ડના તળાવ પાસે તેઓ લોકલ સ્કૂલના બાળકો સાથે જોડાયાં હતાં. ડચેસે બાળકોને જણાવ્યું હતું કે તળાવમાં ડૂબકી મારવાનું તેમને ખૂબ ગમતું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter