ડિજિટલ કેમેરાના સર્જક સેલ્ફી માટે લોકોનાં ગાંડપણથી નિરાશ

Wednesday 15th February 2017 08:04 EST
 
 

લંડનઃ દુનિયાને ડિજિટલ કેમેરા આપનાર બ્રિટિશ મૂળના એન્જિનિયર અને યુએસમાં સોફટ્વેર કંપનીના સ્થાપક ડો.માઇકલ ફ્રાન્સિસ ટોમ્પસેટ પોતાના સંશોધનથી નિરાશ છે. તેઓ અફસોસ સાથે કહે છે - કાશ! મેં ડિજિટલ કેમેરા બનાવ્યા હોત. તેમની નિરાશાનું કારણ સેલ્ફી માટે લોકોનું પાગલપન છે. સેલ્ફી લેવાનું ડિજિટલ કેમેરાને કારણે શક્ય થયું છે.

ડો. ટોમ્પસેટે લાઇટને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં બદલનાર સેન્સર બનાવ્યું હતું. તેના દ્વારા ૭૦ના દાયકામાં ડિજિટલ કેમેરા ક્રાંતિ શરૂ થઇ હતી. આવી ત્રણ ટેકનિકો માટે ડો. ટોમ્પસેટ સહિત ચાર એન્જિનિયર્સને એક મિલિયન પાઉન્ડનું ક્વીન એલિઝાબેથ પ્રાઇઝ ફોર એન્જિનિયરિંગ મળ્યું છે. ડો.ટોમ્પસેટે તેમણે બનાવેલા સેન્સરથી પ્રથમ ડિજિટલ ફોટો પત્ની મારગ્રેટનો લીધો હતો. ફોટો વિશ્વમાં પહેલી વાર ઇલેક્ટ્રોનિક્સ મેગેઝિનના જાન્યુઆરી ૧૯૭૩ના કવર પેજ પર છપાયો હતો.

સન્માન સમારંભમાં ડો.ટોમ્પસેટે દુનિયા બદલનારી ટેકનિકમાં પોતાની ભૂમિકા પર ગર્વ વ્યક્ત કરવા સાથે ધડાધડ સેલ્ફી લેનારાઓની ભીડનો સામનો થાય છે તે મુદ્દે નિરાશા પણ વ્યક્ત કરી હતી. લોકો સુંદર સ્થળો અને કાર્યક્રમોની મજા માણવાને બદલે સેલ્ફી લેવા લાગે છે, જે સ્થળ અને કાર્યક્રમનો અનાદર છે.

એક અનુમાન મુજબ દુનિયામાં દર સેકંડે ૧૦૦થી વધુ ડિજિટલ કેમેરા બનાવાય છે. ડિજિટલ કેમેરાથી દરરોજ આશરે ત્રણ બિલિયન ફોટા લેવાય- શેર કરાય છે અને સરેરાશ ૯.૩૦ કરોડ સેલ્ફી લેવાય છે. અન્ય દેશોની સરખામણીએ સેલ્ફીને કારણે સૌથી વધુ મોત ભારતમાં થાય છે. સેલ્ફી લેતી વખતે ૨૦૧૪થી ઓગસ્ટ ૨૦૧૬ સુધીમાં મોતના ૫૪ કેસ બહાર આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter