ડ્રાઈવરે કારમાંથી ફેંકાયેલા કચરા માટે દંડ ભરવો પડશે

Wednesday 18th January 2017 05:41 EST
 
 

લંડનઃ વાહનચાલકોએ તેમની કારમાંથી કચરો ફેંકવા અથવા ફેંકાવા દેવા બદલ દંડ ભરવાની તૈયારી રાખવી પડશે. નવા નિયમો હેઠળ કાઉન્સિલોને રજિસ્ટર્ડ કારમાલિકને દંડિત કરવાની સત્તા અપાઈ છે. અત્યાર સુધી કારમાંથી ફેંકાયેલા કચરા બદલ કોને ગુનેગાર ગણવા તેની સ્પષ્ટતા ન હતી. કારમાલિકે ખરા ગુનેગારને ગુનો કબૂલ કરવા સમજાવવા પડશે અથવા ખુદ દંડ ભરપાઈ કરવાનો રહેશે.

અત્યાર સુધી કારમાંથી કચરો કોણે ફેંક્યો તેની ઓળખ કરી શકાતી ન હોવાથી કાનૂની કાર્યવાહી શક્ય બનતી ન હતી. હવે કારમાંથી કોઈ પ્રવાસીએ કચરો ફેંક્યો હશે તો પણ દંડની પ્રથમ જવાબદારી ડ્રાઈવર અથવા તો રજિસ્ટર્ડ કારમાલિકની ગણાશે.

સ્થાનિક કાઉન્સિલોને દંડની રકમ નિશ્ચિત કરવાની પણ સત્તા મળશે. લંડનની વોન્ડ્સવર્થ કાઉન્સિલ દ્વારા કચરો ફેંકનારા મોટરિસ્ટને ૬૦ પાઉન્ડનો દંડ કરાય છે અને દંડની રકમ ૨૮ દિવસમાં ન ચુકવાય તો પેનલ્ટી વધીને ૨૦૦ પાઉન્ડ થઈ જાય છે. સરકાર આ મોડેલને અનુસરી ૭૫ પાઉન્ડની સ્ટાન્ડર્ડ પેનલ્ટી વધારીને ૧૨૫ પાઉન્ડ કરવા માગે છે. ટાઉન સેન્ટર્સમાં કચરાના ડબા ક્યાં મૂકવા તેની સલાહ કાઉન્સિલોને આપવામાં આવશે. બીજી તરફ, ચ્યુઈંગ ગમના કચરાથી શેરીઓમાંને કેવી રીતે સ્વચ્છ રાખી શકાય તેની સલાહ આપવા ઉત્પાદક કંપનીઓને ફરજ પડાશે તેમજ કચરો ફેંકવાને રોકી શકાય તેવા માર્ગો સૂચવવા પેકેજિંગ નિષ્ણાતોની પેનલ પણ સ્થાપવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter