તમારું હૃદય યુવાન છે કે ઘરડું?

Friday 14th October 2016 10:04 EDT
 
 

લંડનઃ આપણે કેટલાય લોકોને એમ કહેતા સાંભળ્યાં છે કે તેમના દિલ તો હજુ યુવાન છે. આ વાતમાં જરા પણ અતિશયોક્તિ નથી. જેમ શારીરિક વયની સામે મગજની વય વધતી-ઓછી હોય તેવું જ દિલ એટલે કે હૃદયની બાબતે પણ છે. બ્રિટિશરોની વાત કરીએ તો પાંચમાંથી ચાર બ્રિટિશરના હૃદય તેમની શારીરિક ઉંમર કરતાં વધુ વય ધરાવે છે. હૃદય અકાળે ઘરડું થાય તેની પાછળ સ્થૂળતા અને કસરતના અભાવ સહિત અનેક કારણો જવાબદાર છે.

યુનિવર્સિટી કોલેજ લંડન દ્વારા ૫૭૫,૦૦૦ લોકોનાં સંશોધનના પગલે કેટલાંક તારણો જાહેર કરવામાં આવ્યાં છે. મધ્ય ચાળીસીએ પહોંચેલાં કેટલાંક સ્ત્રી-પુરુષોનાં હૃદયની ઊંમર ૬૦ વર્ષીય લોકોનાં હૃદય જેટલી હતી. ૩૦થી વધુ વય ધરાવતાં ૭૯ ટકા લોકોનાં હૃદયની ઉંમર તેમની નબળી જીવનશૈલીઓનાં લીધે શારીરિક વય કરતાં ઓછામાં ઓછી એક વર્ષ વધુ હતી. આના પરિણામે, તેઓમાં કાર્ડિયાક એરેસ્ટ, સ્ટ્રોક અને વૃદ્ધાવસ્થાના રોગોનું જોખમ વધી જતું હતું.

પુખ્ત વયના બ્રિટિશરોના બે તૃતીઆંશ લોકો સ્થૂળતા કે વધુપડતા વજનના શિકાર હતા, જે યુરોપમાં સૌથી ખરાબ દરમાં એક છે. ૪૦થી ઓછી વયના ૮૯ ટકા પુરુષોના હૃદય બિનતંદુરસ્ત જણાયા હતા તેની સામે સ્ત્રીઓમાં આ દર ૪૧ ટકા જ હતો. આનો અર્થ એ થાય કે સ્ત્રીઓ તેમનાં હૃદયની સારી કાળજી લે છે. સાતમાંથી એક પુખ્ત વ્યક્તિનું હૃદય ૧૦ વર્ષ વધુ ઘરડું હતું, જ્યારે ૧૪માંથી એક વ્યક્તિમાં આ તફાવત ૧૫ વર્ષનો હતો. સંશોધનના તારણો જર્નલ BMJ Open માં પ્રસિદ્ધ કરાયાં છે.

૫૭૫,૦૦૦ લોકો પાસેથી ‘NHS Choices’ વેબસાઈટ પર હાર્ટ એજ કેલક્યુલેટરના ઉપયોગ થકી માહિતી એકત્ર કરવામાં આવી હતી. આ સાધન વ્યક્તિની ઊંચાઈ, વજન, જન્મતારીખ, કસરતનું પ્રમાણ તેમજ ધૂમ્રપાન અને શરાબપાનની આદત જેવી માહિતીના આધારે હૃદયની અંદાજિત ઉંમર જણાવે છે. હૃદયરોગનાં જોખમો વિશે પુખ્ત લોકોને જાગૃત કરવા ‘હાર્ટ એજ ટુલ’ કેલક્યુલેટર લોન્ચ કરાયું છે. દસ લાખથી વધુ લોકોએ આ કેલક્યુલેટરનો ઉપયોગ કર્યો છે. જોકે, સંશોધકો કહે છે કે આના પરિણામો સમગ્ર વસ્તીનું પ્રતિનિધિત્વ કરતા હોવાનું માની લેવાય નહિ.

હૃદયરોગ દેશમાં સૌથી મોટો હત્યારો છે, જે વર્ષે ૧૫૫,૦૦૦ જિંદગી ટુંકાવે છે. જોકે, UCL ટીમના માનવા મુજબ લાઈફસ્ટાઈલ બદલીને મોટા ભાગના મૃત્યુ ટાળી શકાય તેવા છે. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના અને આ અભ્યાસ સાથે સંકળાયેલા માઈક નેપ્ટન કહે છે કે, ‘આપણી જીવનશૈલીના કારણે જ હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટરોલ અને ડાયાબીટીસનું પ્રમાણ વધ્યું છે. આપણે વધુ ખાઈએ છીએ, કસરત ઓછી કરીએ છીએ અને એક વસ્તી તરીકે હૃદયરોગ થવાનું વધુ જોખમ ધરાવીએ છીએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter