તરુણીઓમાં હતાશા-ચિંતા સહિત માનસિક આરોગ્યની સમસ્યા વધી

Monday 22nd August 2016 10:13 EDT
 
 

લંડનઃ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના આંકડા અનુસાર છોકરીઓમાં માનસિક આરોગ્યની સમસ્યાઓ વધી રહી છે. ત્રણમાંથી એક છોકરી હતાશા અથવા ચિંતાતુરતાથી પીડાય છે, જેમાં સાધનસંપન્ન પરિવારની તરુણીઓનો હિસ્સો વધુ હોવાની શક્યતા છે. શિક્ષણ વિભાગ દ્વારા ૧૪-૧૫ વયજૂથના ૩૦,૦૦૦ વિદ્યાર્થીના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગત દસકામાં માનસિક આરોગ્યની સમસ્યા ધરાવતી તરુણીઓની સંખ્યામાં ૧૦ ટકાનો વધારો થયો છે.

નિષ્ણાતોએ શાળામાં માનસિક આરોગ્ય સમસ્યાના રોગચાળામાં ધીરે ધીરે વધારો થતો હોવાની ચેતવણી આપી છે. મોટા ભાગના વિદ્યાર્થીએ કહ્યું હતું કે લક્ષ્ય હાંસલ કરવા માટેનું દબાણ તેમનો આત્મવિશ્વાસ ઘટાડી રહ્યું છે અને ભાવિનો અંકુશ તેમના હાથમાં રહ્યો નથી. અન્ય નિષ્ણાતોએ એવી ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયાના કારણે વિદ્યાર્થીઓ શાળા પછી પણ તેની સાથે સંકળાયેલા રહે છે.

અભ્યાસના તારણો કહે છે કે ૧૫ ટકા છોકરાની સરખામણીએ ૩૭ ટકા છોકરીમાં માનસિક હતાશાના ત્રણ કે વધુ લક્ષણો જોવાં મળ્યાં હતાં. છોકરાઓમાં ડીપ્રેશન અને એન્ગ્ઝાઈટીનું પ્રમાણ ૨૦૦૫થી ખરેખર ઘટ્યું છે. ઓછું ભણેલા પેરન્ટ્સની સરખામણીએ ડીગ્રી લેવલ સુધી ભણેલા પેરન્ટ્સના સંતાનોમાં માનસિક સંતાપ અનુભવવાની શક્યતા પાંચ ટકા વધુ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter