લંડનઃ પશ્ચિમના દેશોમાં એક્સપાયરી ડેટ્સ અથવા બેસ્ટ બીફોર ડેટ્સને વધુ મહત્ત્વ આપવામાં આવે છે પરંતુ, તેના કારણે હજુ ઉપયોગમાં લઈ શકાય તેવાં ખાદ્યપદાર્થો પણ ફેંકી દેવામાં આવે છે. યુકેમાં દર વર્ષે ૧૩૯ મિલિયન પાઉન્ડની કિંમતના ૭૨૦ મિલિયન ઈંડા ગાર્બેજમાં એટલે કે નકામાં ગણીને ફેંકી દેવામાં આવે છે તેનું કારણ માત્ર બેસ્ટ બીફોર ડેટ્સ જ છે. આહારના બગાડનો વિરોધ કરનારા કેમ્પેનર્સ ‘ટુ ગૂડ ટુ ગો’ દ્વારા ઈંડાને ફેંકી દેતાં પહેલાં તેને પાણીમાં મૂકી પરીક્ષણ કરવાની સલાહ અપાય છે. ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી (FSA) પણ કહે છે કે ઈંડાનો ઉપયોગ તેની બેસ્ટ બીફોર ડેટ્સથી બે દિવસ વધુ કરી શકાય છે. એક અંદાજ અનુસાર યુકેમાં દર વર્ષે ૧૦.૨ મિલિયન ટન જેટલાં સારાં ખાદ્યપદાર્થો કચરાટોપલીમાં પધરાવી દેવાય છે.
‘ટુ ગૂડ ટુ ગો’ સંસ્થાના સંશોધન અનુસાર સમગ્ર બ્રિટનમાં આવાં બગાડની સમસ્યા વધી રહી છે. દેશમાં અંદાજે ૨૦ બિલિયન પાઉન્ડનાં મૂલ્યના ૧૦.૨ મિલિયન ટન સારાં ખાદ્યપદાર્થ કચરામાં ફેકાય છે. વ્યક્તિદીઠ આ વેડફાટનું મૂલ્ય ૩૦૦ પાઉન્ડ જેટલું થાય છે. બ્રેડ, દૂધ અને તાજાં શાકભાજી પણ કચરાટોપલીમાં પધરાવાય છે. વાસ્તવમાં વ્યવસ્થિત સંગ્રહ, ફ્રીજિંગ અને કાળજીથી તેમની ઉપયોગિતા વધારી શકાય છે. દર ત્રણમાંથી એક ગ્રાહક દ્વારા ‘બેસ્ટ બીફોર ડેટ’ એટલે કે એક્સપાયરી ડેટ પર વિશ્વાસ કરાવાના પરિણામે ખાદ્યપદાર્થો આટલી વધુ સંખ્યામાં ફેંકી દેવાય છે.
વર્ષે ૭૨૦ મિલિયન ઈંડાનાં બગાડની વાત કરીએ તો દર ત્રણમાંથી બે ગ્રાહક ઇંડાંની ગુણવત્તા ચકાસ્યા વિના જ કચરામાં ફેંકી દે છે. ખરેખર તો તમારે ઉપયોગમાં ન લેવા હોય તો ઈંડા કોઈ જરૂરિયાતમંદને આપી શકાય છે. ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી પણ કહે છે કે ઈંડા એક્સપાયરી ડેટના બે દિવસ પછી પણ બરાબર રીતે રાંધીને ઉપયોગમાં લઇ શકાય છે.
ઈંડાની ગુણવત્તા માટે સામાન્ય પરીક્ષણ
કેમ્પેઈનર્સ ‘ટૂ ગુડ ટૂ ગો’નું કહેવું છે કે ઇંડાંની ગુણવત્તા ઘરે એક સામાન્ય ટેસ્ટથી જાણી શકાય છે. આ માટે પાણીથી ભરેલાં બાઉલમાં ઇંડાં મૂકવાના રહે છે. જો ઈંડા પાણીમાં ડૂબી જાય તો તે તાજાં અને ખાવાલાયક છે, જો તે પાણીની મધ્યમાં એક સાઈડ પર ઉભાં રહે તો જરા વાસી છતાં ખાવાલાયક ગણાય અને જો પાણીમાં ઉપર જઈને તરતા રહે તો તે ખાવાલાયક નથી અને તેને ફેંકી દેવા જ સારા ગણાશે. FSA પણ કહે છે કે ઈંડામાં ‘બેસ્ટ બિફોર ડેટ’નો નિયમ લાગુ કરવો યોગ્ય નથી.