લંડનઃ ઈંગ્લેન્ડની શાળાઓમાં ખરાબ વર્તણૂકના કારણોસર દૈનિક ૩૫.૨ વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકવામાં આવે છે.અગાઉના વર્ષે આ સંખ્યા ૩૦.૫ વિદ્યાર્થીની હતી. શિક્ષકો પર હુમલાની સંખ્યા વધી રહી છે ત્યારે વર્ષ ૨૦૧૫-૧૬માં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીની હકાલપટ્ટી કરવાની ૬,૬૮૫ ઘટના નોંધાઈ હતી, જેની અગાઉના વર્ષમાં ૫,૭૯૫ હતી. ડેટા અનુસાર, ૧૪ વર્ષના ૧,૭૧૫ વિદ્યાર્થીને શાળામાંથી કાયમી રીતે કાઢી મૂકાયા હતા, જે સૌથી મોટો આંકડો છે.
એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના આંકડાઓ મુજબ ખરાબ વર્તનના કારણે શાળામાંથી કાયમી રીતે કાઢી મૂકાતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. કેટલાક કિસ્સામાં માત્ર ચાર વર્ષના વિદ્યાર્થીઓની પણ આ કારણથી હકાલપટ્ટી થઈ છે. પ્રાઈમરી અને સેકન્ડરી સ્કૂલોમાં શિક્ષકો પર શારીરિક હુમલો કરવા બદલ વિદ્યાર્થીઓને હાંકી કાઢવા કે સસ્પેન્ડ કરાયાની સંખ્યા વધી છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની વર્તણૂક અને સલામતીના મુદ્દાઓ વિશે ચિંતા ઉભી થઈ છે. ત્રણ વર્ષ અગાઉ લીડ્ઝમાં વિદ્યાર્થીએ સ્પેનિશ શીખવતી શિક્ષિકા એન મેગ્યુરીની શાળામાં ચાકુના ઘા મારી હત્યા કરી હતી.
ગયા વર્ષે સૌથી વધુ ૮૧ ટકા હકાલપટ્ટી સેકન્ડરી સ્કૂલ્સમાં થઈ હતી પરંતુ, ચાર વર્ષ અને તેથી નાની વયના વિદ્યાર્થીની હકાલપટ્ટીની ૫૦ ઘટના નોંધાઈ હતી. ગત વર્ષે ૩૩૯,૩૬૦ વખત વિદ્યાર્થીઓને શાળામાંથી હંગામી સસ્પેન્ડ કરાયા હતા, જે સંખ્યા તેની અગાઉના વર્ષે ૩૦૨,૯૭૫ હતી. સ્ટાફ પર હુમલો કરવાના મુદ્દે પ્રાઈમરી સ્કૂલના ૧૫,૪૧૦ વિદ્યાર્થીને સસ્પેન્ડ અથવા હાંકી કઢાયા હતા, જેમાં સેક્સ્યુઅલ ગેરવર્તન માટે ૨૦૦ વિદ્યાર્થી, ધાકધમકી કે બળજબરી માટે ૪૦૦ વિદ્યાર્થી તેમજ ડ્રગ્સ અને શરાબપાન માટે ૩૫ વિદ્યાર્થીનો સમાવેશ થયો હતો. સેકન્ડરી શાળાઓમાં ડ્રગ્સ અને શરાબપાન બદલ ૮,૩૫૦ તેમજ રંગદ્વેષી વર્તન મુદ્દે ૩,૫૧૦ વિદ્યાર્થીને હાંકી કઢાયા હતા.


