લંડનઃ ધર્મ પ્રત્યે આસ્થા કદાચ તમારી તંદુરસ્તી માટે સારી ભૂમિકા ભજવે છે. નાસ્તિકોની સરખામણીએ આસ્તિક લોકો ઓછાં બીમાર પડતા હોવાનું એક સત્તાવાર અભ્યાસમાં જણાવાયું છે. ધૂમ્રપાન કરવાની બાબતમાં ધર્મમાં આસ્થા ન ધરાવતા લોકોની સંખ્યા આસ્તિકો કરતાં બમણી હોવાની શક્યતા છે. ૧૦ ખ્રિસ્તી કે મુસ્લિમમાં એક વ્યક્તિ ધૂમ્રપાન કરે છૈ જ્યારે નાસ્તિકોમાં આ સંખ્યા અંદાજે પાંચમાંથી એકની છે. ચોક્કસ ધર્મોના અનુયાયીઓ કરતાં નાસ્તિકોમાં શરાબપાનનું પ્રમાણ વધુ રહે છે. સરકારના અભ્યાસમાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૧૦૦,૦૦૦ લોકોના મત મેળવાયા હતા.
નાસ્તિક લોકોમાં શરાબપાનનું પ્રમાણ વધુ છે પરંતુ, ઈસ્લામ ધર્મમાં શરાબ પીવા પર પ્રતિબંધ છે જ્યારે શીખ અને હિન્દુ ધર્મમાં તેને પ્રોત્સાહન અપાતું નથી. આ માત્ર શારીરિક આરોગ્યની વાત નથી. ક્રિશ્ચિયન, મુસ્લિમ, હિન્દુ અને શીખધર્મી લોકોની સરખામણીએ નાસ્તિકોનું માનસિક આરોગ્ય વધુ ખરાબ હોવાનું જણાયું છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૦૧૬-૨૦૧૮ના ગાળામાં આશરે ૧૦૦,૦૦૦ લોકોની પૂછપરછના આધારે રિપોર્ટ તૈયાર કરાયો છે.
૬૮ ટકા ખ્રિસ્તીઓ, ૭૭ ટકા યહુદી, ૭૨ ટકા હિન્દુ અને ૬૯ ટકા શીખ અને ૬૬ ટકા મુસ્લિમોએ પોતાના આરોગ્યથી સમગ્રતયા સંતોષ દર્શાવ્યો હતો. બીજી તરફ, જે લોકો કોઈ ધર્મમાં માનતા નથી તેવા નાસ્તિકોમાં ૬૪ ટકાને પોતાના આરોગ્ય વિશે સંતોષ હતો. આ રિસર્ચ પ્રોજેક્ટમાં માનસિક આરોગ્ય માટે ૦-૧૦૦નો સ્કોર રખાયો હતો જેમાં, ક્રિશ્ચિયન, મુસ્લિમ, હિન્દુ અને શીખ બધાનો સ્કોર ૪૯ ટકાથી વધુ રહ્યો જ્યારે નાસ્તિકોનો સ્કોર ૪૮ ટકા રહ્યો હતો. આ રિપોર્ટ અનુસાર ધૂમ્રપાન કરનારાની સંખ્યા ક્રિશ્ચિયન અને મુસ્લિમ (૧૧ ટકા), હિન્દુ (૫ ટકા), યહુદી (૪ ટકા) અને શીખ (૨ ટકા) હતી તેની સરખામણીએ ધર્મવિહોણા લોકોમાં આ પ્રમાણ ૧૮ ટકા હતું.
રિપોર્ટમાં ૨૦૧૧ની નેશનલ સેન્સસના આધારે ધાર્મિક જૂથોની ગણતરી કરવામાં આવી હતી, જે અનુસાર ઈંગ્લેન્ડ અને વેલ્સની વસ્તીમાં ૬૦ ટકા લોકો ક્રિશ્ચિયન હતા. બીજો સૌથી મોટો ધર્મ ઈસ્લામ હતો જેના અઆનુયાયી મુસ્લિમો વસ્તીના પાંચ ટકાથી થોડા ઓછાં હતા. જોકે, પ્રાયોગિક ધોરણે ૨૦૧૬ના આંકડા લેવાયા ત્યારે મુસ્લિમોની સંખ્યામાં વધારો જોવાં મળ્યો છે. કુલ વસ્તીમાં હવે મુસ્લિમોની સંખ્યા ૫.૬ ટકા છે. ઈંગ્લેન્ડ અને વેલ્સની વસ્તીમાં મુસ્લિમોની સંખ્યા ૨.૭ મિલિયનથી (આશરે ૪૪,૦૦૦ના વધારા સાથે) ૩.૧૪ મિલિયન થઈ છે.
સમગ્ર યુનાઈટેડ સ્ટેટ્સમાં ૨૦૧૮માં પ્રસિદ્ધ ૧૦૦૦ મૃત્યુનોંધના વિશ્લેષણમાં જણાયું હતું કે નાસ્તિકોની સરખામણીએ ચર્ચ જનારા લોકો ચાર વર્ષ વધુ જીવ્યા હતા. આ અભ્યાસ કરનારા ઓહાયો સ્ટેટ સાયકોલોજી સંશોધકોએ જણાવ્યું હતું કે ધર્મમાં આસ્થા ધરાવતા લોકો સમગ્ર જીવનમાં સામાજિક અને સેવા પ્રવૃત્તિઓમાં વધુ સંકળાયેલા રહે છે, જેનાથી જાવનમાં એકાદ વર્ષનો વધારો થયો હતો. આ ઉપરાંત, ધાર્મિક જીવન સાથે જોડાયેલી ઓછું શરાબપાન જેવી અન્ય બાબતો પણ લાંબા જીવનમાં ભાગ ભજવતી હોય છે. બીજા અભ્યાસમાં યુએસના ૪૨ મુખ્ય શહેરોમાં ઓગસ્ટ ૨૦૧૦થી ઓગસ્ટ ૨૦૧૧ના ગાળામાં પ્રસિદ્ધ ૧,૦૯૬ મૃત્યુનોંધના વિશ્લેષણનો સમાવેશ થયો હતો.


