ના હોય.... દિવસની ૮,૦૦૦ છીંક!!

Wednesday 20th July 2016 06:25 EDT
 
 

લંડનઃ માથું ભારે હોય અને એક-બે છીંક આવી જાય તો દુઃખાવામાં રાહત મળે, પરંતુ છીંકના લીધે સમસ્યા સર્જાય એવું સાંભળ્યું છે? કોલ્ચેસ્ટરની નવ વર્ષીય ઈરા સક્સેના બેકાબુ છીંકના કારણે અતિ પરેશાન છે કારણકે મિનિટમાં ૧૦ના ધોરણે એટલે કે દિવસમાં ૮,૦૦૦ છીંક આવતી હોય તો શું કરી શકાય? માત્ર તેને નિદ્રા દરમિયાન જ આ સમસ્યાથી રાહત મળે છે. ડોક્ટરો પણ મૂંઝાયા છે અને ભારે શરદી કે એલર્જીના કારણે છીંકાછીંક થતી હોવાની શક્યતા તેમણે નકારી કાઢી છે. આ સમસ્યાના કારણે તો ઈરા શાળાએ પણ જઈ શકતી નથી.

ઈરાની છીંક સમસ્યા ત્રણ સપ્તાહ અગાઉ જ શરુ થઈ છે. માતા પ્રિયા સક્સેનાએ જીપી, સ્પેશિયાલિસ્ટ અને ખાનગી ક્લિનિકનો આશરો પણ લીધો છે, પરંતુ સમસ્યાનું નિદાન કે તેને અટકાવવાના ઉપાય કોઈ જ આપી શક્યા નથી. પ્રિયા સક્સેના કહે છે કે,‘ત્રણ સપ્તાહ અગાઉ ઈરાએ ઉઠતાંની સાથે છીંકાછીંક શરુ કરી હતી અને તે પછી રોકાઈ નથી. માત્ર રાત્રે ઊંઘવા દરમિયાન જ છીંક આવતી બંધ થાય છે. ડોક્ટરો કહે છે કે મગજમાંથી ખોટા સિગ્નલ્સ મળવાથી આમ થતું હશે, પરંતુ કોઈ કશા વિશે ચોક્કસ નથી. તેને કશાની એલર્જી નથી અને સ્ટીરોઈડ્ઝ, એન્ટિહિસ્ટામાઈન્સ અને નેસલ સ્પ્રે પણ અપાયાં છે, પરંતુ કશાને પ્રતિભાવ મળતો નથી.’

ઈરાને એક કલાકની હિપ્નોથેરાપી અપાય ત્યારે પણ છીંકો આવતી નથી, પરંતુ તેની અસર ઉતરતાં જ છીંકો શરુ થઈ જાય છે. ઈરાએ શાળામાં જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક જ દિવસ શક્ય બન્યું હતું. આ પછી, તેણે ઘરમાં જ રહેવું પડે છે. આ સમસ્યાના કારણે તેનું જીવન હતાશાપૂર્ણ બની ગયું છે.

ઈરા સક્સેનાનો કિસ્સો પહેલો નથી. ૨૦૦૯માં વર્જિનિયાની ૧૨ વર્ષીય લોરેન જહોન્સન પણ દિવસમાં હજારો છીંક ખાતી હતી. ઈમ્યુનોલોજિસ્ટે ગળામાં ઈન્ફેક્શનના લીધે તેની રોગ પ્રતિકાર સિસ્ટમમાં ભારે ગરબડ થયાનું નિદાન કર્યું હતું. ગયા વર્ષે ટેક્સાસની કેટલીન થોર્નલી પણ છીંકોના હુમલાથી ભારે પરેશાન થઈ હતી અને ડોક્ટરો હજુ મુંઝાયેલા જ છે. જો કોઈ ઈરાને સારવારમાં મદદ અથવા સમસ્યાનું નિદાન કરી શકાય તેમ માનતું હોય તો [email protected] ને ઈમેઈલ કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter