પર્યાવરણની રક્ષા માટે પ્લાસ્ટિક સ્ટ્રો, કોટન બડ્સ પર પ્રતિબંધ લાગુ થશે

પ્લાસ્ટિક સ્ટ્રોની યુરોપીય રાજધાની લંડનમાં દર વર્ષે બે મિલિયનથી વધુ સ્ટ્રો ફેંકી દેવાય છેઃવિશ્વના સમુદ્રોમાં ૧૫૦ મિલિયન ટનથી વધુ પ્લાસ્ટિકનો કચરો

Monday 27th May 2019 03:04 EDT
 
 

લંડનઃ પ્રદૂષણનો સામનો કરવા તેમજ પર્યાવરણની રક્ષા કાજે સરકારની યોજના હેઠળ આગામી એપ્રિલ ૨૦૨૦થી પ્લાસ્ટિકની સ્ટ્રો, ડ્રિન્ક્સ હલાવવા માટે પ્લાસ્ટિકની નળીઓ કે નાની ચમચીઓ અને કોટન બડ્સના સપ્લાય પર પ્રતિબંધ લાગી જશે. તબીબી અથવા અક્ષમતાના કારણસર જે લોકોને પ્લાસ્ટિકની સ્ટ્રોનો ઉપયોગ આવશ્યક હોય તેઓ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ પાસેથી ખરીદી શકે અથવા રેસ્ટોરાં, પબ્સ અને બારમાં તેની માગણી કરી શકે તેનો અપવાદ રખાશે. મેડિકલ અને વૈજ્ઞાનિક હેતુઓ માટે પ્લાસ્ટિક પર લગાવેલાં કોટન બડ્સની છૂટ આપવામાં આવશે. ફૂડ અને ડ્રિન્ક આઉટલેટ્સ પ્લાસ્ટિકની સ્ટ્રો જાહેરાતમાં મૂકી શકશે નહિ અથવા આપમેળે જ તેના ઉપયોગ માટે આપી શકશે નહિ.

એક અંદાજ અનુસાર વિશ્વના સમુદ્રોમાં ૧૫૦ મિલિયન ટનથી વધુ પ્લાસ્ટિકનો કચરો છે અને આવો કચરો ખાઈને કે તેમાં ફસાઈને દર વર્ષે એક મિલિયન પક્ષીઓ અને ૧૦૦,૦૦૦થી વધુ સમુદ્રી જીવો મોતનો શિકાર બને છે. સરકારની કન્સલ્ટેશન વિનંતીને પ્રાપ્ત પ્રતિભાવોમાં ડ્રિન્ક્સ હલાવવાની નળીઓ અને કોટન બડ્સ પર અનુક્રમે ૯૦ અને ૮૯ ટકાએ, જ્યારે ૮૦ ટકાથી વધુ લોકોએ પ્લાસ્ટિક સ્ટ્રોના વિતરણ અને વેચાણ પર પ્રતિબંધને સમર્થન આપ્યું હતું.

લંડનને પ્લાસ્ટિક સ્ટ્રોની રાજધાની ગણવામાં આવે છે જ્યાં દર વર્ષે બે બિલિયનથી વધુ સ્ટ્રો ફેંકી દેવાય છે. એક અંદાજ મુજબ ઈંગ્લેન્ડમાં દર વર્ષે ૪.૭ બિલિયન સ્ટ્રો, ડ્રિન્ક્સ હલાવવાની ૩૧૬ મિલિયન પ્લાસ્ટિક નળીઓ અને પ્લાસ્ટિક પર લગાવાયેલાં ૧.૮ બિલિયન કોટન બડ્સનો ઉપયોગ થાય છે. આશરે ૧૦ ટકા કોટન બડ્સ ટોઈલેટ્સમાં ફ્લશ થઈને આખરે આંતરિક જળમાર્ગો અને સમુદ્રોમાં ફેંકાય છે. આ પ્રતિબંધના કારણે દર વર્ષે વપરાયેલા પ્લાસ્ટિક કચરાની સફાઈ પાછળ ખર્ચાતા લાખો પાઉન્ડની બચત કરી શકાશે. સરકારના અગાઉ માઈક્રોબીડ્સ પર પ્રતિબંધ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ પર ચાર્જ કરવાના પગલાં પછી મોટાં સુપરમાર્કેટ્સમાં પ્લાસ્ટિક બેગ્સના વિતરણમાં ૮૬ ટકા ઘટાડો જોવાં મળ્યો છે. પ્લાસ્ટિકની સ્ટ્રો સહિતના પ્રતિબંધને સર્ફર્સ અગેઈન્સ્ટ સ્યુએજ, મસ્ક્યુલર ડીસ્ટ્રોફી યુકે, ગ્રીનપીસ, મરિન કન્ઝર્વેશન સોસાયટી સહિતની સંસ્થાઓએ આવકાર્યો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter