લંડનઃ લગભગ બે તૃતીઆંશ બ્રિટિશરો તેઓ ભાષામાં કુશળ હોય તો સારું હતું તેમ સ્વીકારે છે. એક આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં છ દેશના ૮,૦૦૦થી વધુ લોકોને ભાષામાં કુશળતા વિશે પ્રશ્નો કરાયા હતા. વિદેશી ભાષા બોલવાની ક્ષમતાના અભાવે આશરે પાંચ મિલિયન બ્રિટિશરો વિદેશની મુલાકાત લઈ શકતા નથી. જો તેઓ વિદેશી ભાષા જાણતા હોત તો અન્ય સંસ્કૃતિઓમાં સારી રીતે રસ લઈ શક્યા હોત તેમ આ બ્રિટિશરો માને છે.
સંશોધન અનુસાર ૧૦માંથી એક (૧૦ ટકા) એટલે કે ૪.૭ મિલિયન પુખ્ત બ્રિટિશરો ભાષાના અવરોધના કારણે મનગમતા સ્થળોનો પ્રવાસ ખેડી શકતા નથી. ૧૮-૨૪ વયજૂથના યુવાવર્ગ માટે આ ટકાવારી વધીને ૧૫ ટકા થાય છે. જો ભાષાની સમસ્યા ન હોત તો ૧૨ ટકા બ્રિટિશરો જાપાનની મુલાકાત લેવા તૈયાર હતા. આ પછીના ક્રમે સ્પેન (૮ ટકા), ચીન (૭ ટકા), ઈટાલી (૬ ટકા), ફ્રાન્સ (૫ ટકા) અને રશિયા (૪ ટકા) આવે છે. ઈટાલી, ફ્રાન્સ, યુએસ અને સ્પેનના લોકો માટે પણ જાપાન ખાસ પસંદગીનું પ્રવાસ સ્થળ છે.
પુખ્ત બ્રિટિશરોના ૫૧ ટકા જ બીજી ભાષા બોલી શકે છે ત્યારે ૬૨ ટકા બ્રિટિશરોને બીજી ભાષાની જાણકારી ન હોવાનો અફસોસ થાય છે. વિદેશપ્રવાસ માટે ખાસ કારણોમાં શહેરની સંસ્કૃતિ (૩૮ ટકા), નવા લોકો સાથે મુલાકાત (૨૪ ટકા) મુખ્ય છે. ભાષા જાણતા હોવાથી ભૂલા પડવા, ઈચ્છિત આહાર ઓર્ડર ન કરી શકાય, ખોટી ટ્રેન કે પ્લેનમાં બેસી જવાય, ટોઈલેટ શોધવામાં મુશ્કેલી અને મજાકના સાધન બનવા જેવી મુશ્કેલીઓ સર્જાય છે.


