પુરુષ-સ્ત્રીનાં મગજમાં તફાવત ગર્ભાશયમાંથી જ આરંભાય છે

Wednesday 27th March 2019 02:56 EDT
 
 

લંડનઃ લોકોક્તિ મુજબ પુરુષ મંગળ અને સ્ત્રી શુક્રના ગ્રહ પરથી આવી હોવાનું મનાય છે. આથી તેમનામાં તફાવત હોવો સ્વાભાવિક છે. પરંતુ, કોણ કોનાથી અને કઈ બાબતોમાં ચડિયાતાં છે તે પુરવાર કરવું મુશ્કેલ છે. જોકે, નવા વૈજ્ઞાનિક અભ્યાસ અનુસાર બન્ને જાતિ વચ્ચે મગજના તફાવતની શરૂઆત તેઓ માતાનાં ઉદરમાં હોય ત્યારથી જ થતી હોવાનું પહેલી વખત જણાયું છે. પુરુષનું મગજ પર્યાવરણીય પ્રભાવ હેઠળ આવવાની શક્યતા રહે છે પરંતુ, ગર્ભમાં ઉછરતાં સ્ત્રીનાં મગજ લાંબા ગાળાનાં નેટવર્ક્સ ધરાવતાં હોય છે.

પુરુષ અને સ્ત્રીનાં મગજ વચ્ચે જોવા મળતો ફરક ચોક્કસ જીવવિજ્ઞાનનું પ્રતિબિંબ છે કે સામાજિકીકરણની અસર છે તેના વિશે ન્યૂરોસાયન્સમાં પ્રવર્તતાં ઉગ્ર વિવાદ વચ્ચે ‘ડેવલપમેન્ટલ કોગ્નિટીવ ન્યૂરોસાયન્સ’માં પ્રકાશિત અભ્યાસમાં વિજ્ઞાનીઓએ જાતિ અને વિકસતાં મગજની કનેક્ટિવિટી વચ્ચેનો સંબંધ તપાસવા સગર્ભાવસ્થાના પાછળના અડધા સમયના ૧૧૮ ભ્રૂણનાં બ્રેઈન સ્કેન કર્યા હતાં. તેમની માન્યતા અનુસાર તફાવતો જૈવિક છે. જોકે, કેટલાંક નિષ્ણાતોના દાવા મુજબ સામાજિક પ્રભાવનું મહત્ત્વ વધુ રહે છે.

ન્યૂ યોર્ક યુનિવર્સિટી લાંગોનના પ્રોફેસર મોરિયાહ થોમસને જણાવ્યું હતું કે મુખ્ય તફાવતોમાં એક તો મગજના દૂરના વિસ્તારો વચ્ચે કનેક્ટિવિટીનો છે. ગર્ભાશયમાં વિકસતાં છોકરીના મગજ લાંબી રેન્જના નેટવર્ક્સ બનાવે છે, જ્યારે છોકરાં માટે આમ થતું નથી અને તેઓ પર્યાવરણીય પ્રભાવ હેઠળ રહેવાની વધુ શક્યતા ધરાવે છે.

જોકે, ‘ધ જેન્ડર્ડ બ્રેઈન’ના લેખક પ્રોફેસર જિના રિપ્પોન આ સાથે અસંમતિ દર્શાવતાં કહે છે કે તફાવતો શોધવાના એજન્ડાની પાછળ પડેલા લેખકોએ પાયાવિહોણાં નિષ્કર્ષો તારવી લીધા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter