લંડનઃ સ્ત્રીઓ અને પુરુષો ભેગા મળીને ઘરના કામકાજ કરતા હોય તે સ્વાભાવિક છે પરંતુ, એક રસપ્રદ અભ્યાસ મુજબ 21મી સદીમાં પણ પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ 70 મિનિટ વધુ ઘરકામ કરે છે. યુકેમાં સ્ત્રીઓ દિવસમાં સાફસફાઈ, રસોઈ અને ડિશો -કપડાં ધોવાં પાછળ 2 કલાક અને 49 મિનિટનો સમય ગાળે છે પરંતુ, પુરુષો આ જ કામમાં સરેરાશ 1 કલાક અને 39 મિનિટનો સમય લે છે એટલે કે 70 મિનિટ ઓછો સમય વીતાવે છે.
સ્ત્રીઓ માટે તેઓ વધુ સમય ઘરનાં કામકાજ કરે છે તેવો અભ્યાસ જરા પણ નવાઈપૂર્ણ નથી પરંતુ, પુરુષો માટે તેઓ ઓછું કામ કરે છે તે જરા આંચકાજનક હોઈ શકે છે. જર્નલ PLOS Oneમાં પ્રસિદ્ધ અભ્યાસ માટે સંશોધકોએ યુરોપ, એશિયા અને નોર્થ અમેરિકા સહિત10 દેશમાં 200,000થી વધુ લોકોનું વિશ્લેષણ કર્યું હતું. મહિલાઓ સંતાનો સાથે રમવા, તેમને અભ્યાસમાં મદદ અને અન્ય વયસ્કોની સારસંભાળ સહિતની જવાબદારીઓ પણ સંભાળે છે. પુખ્તાવસ્થાની શરૂઆત અને 30થી 44 વર્ષની મધ્યાવસ્થામાં સ્ત્રીઓ દિવસમાં સરેરાશ અન્યોની દેખભાળ પાછળ 1 કલાક અને 22મિનિટનો સમય વીતાવે છે જ્યારે પુરુષો માત્ર 38 મિનિટનો સમય વીતાવે છે. આના પરિણામે, પુરુષોને આનંદપ્રમોદ કે મનોરંજન માટે વધુ સમય મળે છે. યુકેમાં પુરુષો દિવસમાં વધુ 45 મિનિટ ટેલિવિઝન જોવાં, ઈન્ટરનેટ તેમજ પડદા પર ગેમ્સ રમવા સહિતની પ્રવૃત્તિમાં વીતાવે છે. આ ઉપરાંત, તેઓ સ્ત્રીઓની સરખામણીએ ટેનિસ રમવા અને સાયકલિંગ જેવી પ્રવૃત્તિઓ પાછળ પણ સરેરાશ વધુ સમય ગાળે છે. બીજી તરફ, અન્ય દેશોની સરખામણીએ યુકેમાં પુરુષો ટેલિવિઝન કે મોબાઈલ સ્ક્રીન પાછળ સૌથી વધુ 3 કલાક અને 19 મિનિટનો સમય ગાળે છે અને પરિણામે, ઓબેસિટી અને કાર્ડિયોવાસ્કુલર રોગોનું જોખમ વધારે છે. આની સરખામણીએ યુકેની સ્ત્રીઓ2 કલાક અને 34 મિનિટનો સમય મનોરંજન પાછળ ગાળે છે
યુકે, યુએસ, કેનેડા અને ફિનલેન્ડમાં સ્ત્રી અને પુરુષો વચ્ચે કામકાજમાં ખાસ તફાવત નથી પરંતુ, ફ્રાન્સમાં લોકો ભોજન કરવા પાછળ 2 કલાક અને 15 મિનિટ જ્યારે ઈટાલિયન્સ સરેરાશ 1 કલાક અને 45 મિનિટનો સમય લે છે. જોકે, યુકેમાં સ્ત્રી અને પુરુષ ભોજન પાછળ 90 મિનિટથી ઓછો સમય લે છે. યુકેમાં સ્ત્રીઓ અને પુરુષો નિદ્રામાં એકસરખો સમય વીતાવે છે પરંતુ, કસરતમાં પુરુષો દિવસમાં 41 મિનિટ અને સ્ત્રી 29 મિનિટ ગાળે છે.
પુરુષ અને સ્ત્રીમાં સૌથી મોટો તફાવત એ જણાયો છે કે સ્ત્રીઓ તેમનો સમય ઘરકામ અને અન્યોની સારસંભાળમાં વીતાવે છે જ્યારે પુરુષો તેમનો સૌથી વધુ સમય નાણા કમાવા પાછળ ગાળે છે. સાઉથ કોરિયામાં પુરુષો માત્ર 30 મિનિટ અને ફ્રાન્સમાં આશરે 2 કલાકનો સમય ઘરકામમાં ગાળે છે. પુરુષો ઉંમર વધવા સાથે ઘરકામ વધુ કરતા થાય છે. યુકેમાં પુરુષ 65 વર્ષની વય પછી ઘરકામ પાછળ સરેરાશ2 કલાક અને 34 મિનિટનો સમય ગાળે છે એટલે કે 18-29 વયજૂથના પુરુષો કરતાં આશરે 1 કલાક વધુ કામ કરે છે. ઘરકામ કરવામાં ઈટાલિયન સ્ત્રીઓઔ સૌથી વધુ 4 કલાક ગાળે છે અને અમેરિકન મહિલા સૌથી ઓછો સરેરાશ 2 કલાક અને 32 મિનિટનો સમય ઘરકામમાં ગાળે છે.


