પુરુષોની ‘ઈજ્જત’ દાવ પર લાગીઃ ચેરિટીઝે તેમના શોષણ અને કલંકનો મુદ્દો ઉઠાવ્યો

Monday 17th April 2017 07:55 EDT
 
 

લંડનઃ સામાન્યપણે મુસ્લિમ, શીખ અથવા હિન્દુ કોમ્યુનિટીમાં સ્ત્રીઓની ‘ઈજ્જત’નું શોષણ થતું રહે છે અને તેમને ‘કલંકિત’ ગણવામાં આવે છે. હવે ચેરિટીઝ પુરુષોની ઈજ્જત પર લાગતા કલંકનો મુદ્દો ઉઠાવી રહી છે. પુરુષો પણ ઘરેલુ હિંસા, જાતીય શોષણ અને બળજબરીથી લગ્ન સહિતના વિવિધ શોષણનો ભોગ બને છે. ચેરિટી ‘જીના’ એ જણાવ્યું છે કે તેમની પાસેના પાંચમાંથી એક કેસ પુરુષોની ‘ઈજ્જત’ના શોષણ સંબંધિત હોય છે. અન્ય ચેરિટી ‘કર્મ નિર્વાણ’ના જણાવ્યા અનુસાર પુરુષો દ્વારા મદદ માગતા કોલ્સની સંખ્યા વધી રહી છે અને ઘણા પુરુષો ફરિયાદ કરતા શરમ કે સંકોચ અને ડર અનુભવતા હોવાથી આ કોલ્સની સંખ્યા ‘હિમશીલાની ટોચ’ સમાન જ છે.

ચેરિટી ‘જીના’ એ બીબીસી ન્યૂઝનાઈટ કાર્યક્રમને જણાવ્યું છે કે,‘અગાઉ કોઈ પુરુષ તેમના શોષણની વાત કરવા બહાર આવતો ન હતો તેની સરખામણીએ ગયા વર્ષે તેમની હેલ્પલાઈન પર આવેલા પાંચમાંથી એક કોલ પુરુષ દ્વારા આવ્યા હતા. પુરુષોને સાંભળવામાં અને માનવામાં આવે તેવી સલામત સ્પેસ ઉભી કરવી મહત્ત્વની છે.’

ન્યૂઝનાઈટ કાર્યક્રમ આશરે ૭૦ જેટલા પુરુષોના સંપર્કમાં છે, જેઓ વિવિધ શોષણ કે દુરુપયોગના શિકાર બન્યાની ફરિયાદ કરે છે. મોટા ભાગના પીડિતોએ કહ્યું હતું કે તેમના ખરાબ અનુભવો વિશે તેમણે કોઈ સત્તાવાળાને ફરિયાદ કરી નથી અને ઘણાએ તો આત્મહત્યાનો પણ વિચાર કર્યો હતો. એક પીડિતે જણાવ્યું હતું કે‘એશિયન કોમ્યુનિટીમાં આબરુના ભંગનો મુદ્દો મોટા ભાગે સ્ત્રીઓ સાથે જ સાંકળવામાં આવે છે. જો પુરુષો તેમના શોષણની વાત ઉઠાવે તો તેમને નબળા ગણવામાં આવે છે.

‘કર્મ નિર્વાણ’ ચેરિટીએ જણાવ્યું હતું કે,‘ખુલ્લી રીતે બહાર આવવાથી તેમની આબરુ જશે તેવા ભયથી પુરુષો વાત કરતા ડરે છે.

બીબીસી ન્યૂઝનાઈટ દ્વારા પુરુષોના ઓનર વાયોલન્સ અને શોષણનો આંકડો મેળવવા અશ્વેત અને એશિયન વંશીય વસ્તીનું પ્રમાણ સૌથી ઊંચુ હોય તેવા વિસ્તારોમાં યુકેના ૧૦ પોલીસ ફોર્સનો સંપર્ક કરાયો હતો. મેટ્રોપોલીટન, વેસ્ટ મિડલેન્ડ્સ, વેસ્ટ યોર્કશાયર અને ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ દ્વારા તેનો પ્રતિભાવ અપાયો હતો, જેમણે જણાવ્યું હતું કે ૨૦૧૦-૨૦૧૭ના ગાળામાં લંડન અને વેસ્ટ મિડલેન્ડ્સમાં બહુમતી સાથે પુરુષોની ઈજ્જતભંગના કુલ ૨૭૧ કેસ નોંધાયા હતા. આ મુદ્દાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી મોટા ભાગના પુરુષોએ અનામ રહેવાનું પસંદ કર્યું હતું.

બીબીસી ન્યૂઝનાઈટના સંશોધનમાં જણાયું હતું કે રુઢિચુસ્ત કોમ્યુનિટીઝના પુરુષો પોલીસ સમક્ષ જતા ખચકાય છે. સ્ત્રીઓ જ ઈજ્જતભંગની ફરિયાદ કરે છે અને તેમને જ સપોર્ટ મળે છે તેમ પુરુષો માને છે. એક પુરુષે ન્યૂઝનાઈટને જણાવ્યું હતું કે પત્ની દ્વારા ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ તેણે પોલીસને કરી ત્યારે તેને જ કાવતરાબાજ ગણી લેવાયો હતો. આ પછી તેણે લોકોની સાથે વાતચીત કરવાનું બંધ કરી એકલવાયા જીવનને પસંદ કર્યું હતું.

રુઢિચુસ્ત મુસ્લિમ, શીખ અથવા હિન્દુ કોમ્યુનિટીઓમાં ઈજ્જતનો ખયાલ ધાર્મિક પરંપરાનો નહિ પરંતુ, સાંસ્કૃતિક ગણાય છે. એક પીડિતે જણાવ્યું હતું કે,‘નાનપણથી જ પરિવારની આબરુ જાળવવાની તાલીમ અપાય છે. જો તમારું શોષણ થયું હોય કે પરિવારમાં આવી ઘટનાના તમે સાક્ષી હો તેમ છતાં તમે બોલતા નથી.’ તેણે બીબીસી ન્યૂઝનાઈટને જણાવ્યું હતું કે તે બાળક હતો ત્યારે તેના પુરુષ સગાએ જેની સાથે જાતીય દુર્વ્યવહાર કર્યો હતો. દાયકાઓ પછી તેણે પરિવારને આ વિશે જણાવ્યું તો તેમને આઘાત લાગ્યો પરંતુ, પરિવાર અને સંબંધીને કલંક અથવા ઈજ્જત જવાનું કારણ દર્શાવી વાત આગળ નહિ વધારવા જણાવ્યું હતું. તે પુરુષના જાતીય શોષણની અફવા બહાર આવ્યા પછી કોમ્યુનિટીના લોકોએ તેની સાથે વ્યવહાર બંધ કરી દેતા તેના બિઝનેસને ભારે નુકસાન થયું હતું.

શીખ મનજિંદરને સજાતીયતાનું કલંક લાગ્યું

પુરુષોની ઈજ્જતને કલંક લાગ્યાના કેટલાક કિસ્સા સજાતીયતા અંગેના પણ છે. પોતે ગે હોવાનું શીખ પરિવાર સમક્ષ જાહેર કરતા મનજિંદરને ભારે ત્રાસ અનુભવવો પડ્યો હતો. તેણે કહ્યું હતું કે, પોતે સજાતીય હોવા છતાં પુરુષો સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે અથવા આપઘાત કરે છે તે હું જાણું છું. મને પણ ડર હતો કે મને મારી નખાશે, ઘરમાંથી કાઢી મૂકાશે અથવા બળજબરીથી સ્ત્રી સાથે મારા લગ્ન કરી દેવાશે.’ આજે મનજિંદરે તે ગે હોવાનું ખુલ્લેઆમ જાહેર કરી દીધું છે. પરંતુ તેને કહેવાયું હતું કે પરિવાર અને સમાજ માટે તે કલંકરુપ છે. તેના કારણે તેની બહેનનાં લગ્ન થવામાં મુશ્કેલી પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter