પેશન્ટના મૃત્યુ અધિકાર કેસમાં કોર્ટની પરવાનગી જરૂરી નથી

Saturday 23rd September 2017 07:51 EDT
 
 

લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સની હોસ્પિટલ્સ અને પરિવારોમાં ગંભીર બીમારી ધરાવતા પેશન્ટ્સ માટે લાઈફ સપોર્ટિંગ સારવાર બંધ કરવાના કેસમાં કોર્ટની પરવાનગી આવશ્યક નહિ હોવાનું હાઈ કોર્ટના સીમાચિહ્ન ચુકાદામાં સ્પષ્ટ કરાયું છે. આ ચુકાદો હન્ટિંગ્ટન્સ ડિસીઝ ધરાવતી મહિલા ‘M’ સંબંધિત કેસમાં અપાયો હતો. મિ. જસ્ટિસ પીટર જેક્સને જણાવ્યું હતું કે ડોક્ટર્સ અને પેશન્ટના સગાંમાં આ મુદ્દે સહમતિ હોય અને મેડિકલ ગાઈડલાઈન્સનું અનુસરણ કરાયું હોય તો ન્યાયિક મંજૂરી મેળવવા કેસની લાંબી પ્રક્રિયા આવશ્યક નથી.

કમ્પેશન ઈન ડાઈંગ સંસ્થાએ ચુકાદાને જીવનના અંત સમયે સારી સંભાળ તરફનું પગલું જણાવી આવકાર્યો હતો, જ્યારે કેસમાં હસ્તક્ષેપ કરનારા સત્તાવાર સોલિસિટર ચુકાદા વિરુદ્ધ અપીલ કરે તેવી શક્યતા છે. આ કેસમાં ‘M’ તરીકે ઓળખાયેલી મહિલા જીનેટિક ડિસઓર્ડરની ભોગ બની હતી જેની કોઈ જ સારવાર નથી. તે મિડલેન્ડ્સ હોસ્પિટલમાં લગભગ અચેત અવસ્થામાં હતી. ૨૫ કરતા વધુ વર્ષથી આ રોગનો શિકાર રહેલી દર્દીની માતાએ તેની ફીડિંગ ટ્યૂબ કાઢી નાખવા અરજી કરી હતી. જીવનને ટકાવી રાખવાની સારવારનો અંત લાવવાની અરજીની સુનાવણી એપ્રિલમાં કરાઈ હતી. જજે જૂનમાં પરમિશન આપી હતી અને ૨૪ જુલાઈએ તેના પોષણ અને હાઈડ્રેશનની સહાયક સારવાર (CANH) અટકાવી દેવાયાં પછી ચોથી ઓગસ્ટે તેનું મૃત્યુ થયું હતું.

જસ્ટિસ જેક્સને જણાવ્યું હતું કે CANH અટકાવી દેવાનો નિર્ણય કોર્ટ દ્વારા લેવાય તેવી કોઈ કાનૂની જરૂરિયાત નથી. આ કેસમાં ડોક્ટર્સ અથવા પરિવારને CANH ચાલુ રાખવાનું દર્દીના શ્રેષ્ઠ હિતમાં હોવાનું ન જણાયા છતાં સારવાર એક વર્ષ સુધી ચાલુ રખાઈ હતી અને તે પછી કોર્ટના ચુકાદાની માગ થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter