લંડનઃ ૩૨ વર્ષની વયે દ્રષ્ટિ ગુમાવનારા ડોક્ટર અમિત પટેલ હવે દ્રષ્ટિની ખામી હોય તો જીવન કેવું લાગે તેના વિશે લોકોમાં જાગૃતિ કેળવી રહ્યા છે. તેમના ગાઈડ ડોગ કીકા પર લગાવેલા કેમેરામાં બેદરકાર રાહદારીઓ દ્વારા ઘણી વખત કીકાને હેરાન કરવાના અને છત્રીનો ગોદો મારવા સહિતના ઝીલાયેલા આઘાતજનક દ્રશ્યોને લીધે તેઓ તાજેતરમાં અખબારોની હેડલાઈનમાં ચમક્યા હતા. નકારી ન શકાય તેવા આ પૂરાવા દ્વારા અમિતે શારીરિક ખોડ ધરાવતા લોકો પ્રત્યે સમાજના વલણને ઉજાગર કર્યું છે. તેમણે જણાવ્યું હતું,‘ લોકો એવું માને છે કે હું સામાન્ય રોજીંદુ જીવન જીવી શકું નહીં. તેઓ મને ‘બિચારો નેત્રહીન માણસ’ ગણાવીને મારી અવગણના કરે છે.
મારે કોઈ સ્વપ્ન જ ન હોય તેમ હું ટ્યૂબમાં માત્ર આનંદ માટે જ મુસાફરી કરતો હોઉં તેવું તેઓ માને છે. પરંતુ, મારે પણ પરિવાર અને જોબ છે. અમિતની સૌથી મોટી સમસ્યા તેમની શારીરિક ખામીના પરિણામે તેમને જે નીચું જોવા જેવી લાગણી થાય તે છે. જ્યારે તમે શારીરિક ખામીવાળી વ્યક્તિની અવગણના કરો ત્યારે તેને માનસિક રીતે નુક્સાન કરનારી અસર થાય છે.
હું જ્યારે મારા પુત્રને નર્સરી સ્કૂલે મૂકવા જાઉં છું ત્યારે ઘણી માતાઓ આવીને મને કહે છે તમે ખૂબ બહાદૂર છો. શા માટે ? શું આવું કરવા માટે તેમને મેડલ મળે છે ?
અમિત ડાયવર્સિટી એન્ડ ઈન્ક્લયુઝનના સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટ તરીકે કાર્ય કરે છે. પેનલમાં ભાગ લે છે અને ઘણાં પ્રેરણાદાયક ભાષણો આપે છે. તેઓ સ્કાય ન્યૂઝ અને બીબીસી જેવા મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. તેમને વડા પ્રધાનના હસ્તે ‘પોઈન્ટ્સ ઓફ લાઈટ’ એવોર્ડ એનાયત થયો હતો. શો ટ્રસ્ટના ‘ડિસેબિલિટી પાવર લિસ્ટ’માં તેમનું નોમિનેશન થયું છે.
અમિતે જણાવ્યું હતું કે નેત્રહીન લોકો પાસે રોજીંદા જીવનની કેટલીક બાબતોની માહિતી ન હોય તો તે પૂરી પાડવા માટે ઘણું થઈ શકે છે. ઉદાહરણ તરીકે હોટ ડ્રીંક બનાવતી વખતે ગરમ ચા નાખતા તમારી આંગળીઓ દાઝી ન જાય તેના માટે તમારો કપ હાથથી કેટલો દૂર છે તે જણાવતું એક નાનું સાધન મળે છે.
તેમણે ઉમેર્યું હતું કે ગાઈડ ડોગની સુવિધા મેળવવાની પ્રક્રિયા પણ ખૂબ જટિલ હોય છે. તમે કેટલી ઝડપથી ચાલો છો અને તમે ક્યાં જવા માગો છો અને કયો ડોગ તમને એકદમ માફક આવશે તેનું વિશ્લેષણ થાય છે. કોમ્યુનિટી લીડર નવા દિવ્યાંગને સલાહ આપીને તથા હકારાત્મકતાની વાતો કરીને વ્યક્તિગત રીતે મદદ કરે છે. હું કોઈકના ઘરે તેમને મદદ કરવા જઈશ અને RNIB જેવી કેટલીક શ્રેષ્ઠ ચેરિટીઝ છે જે તેવી જ રીતે મદદરૂપ થશે.
તેમણે ઉમેર્યું હતું કે તેઓ જ્યારે દ્રષ્ટિ ધરાવતા હતા ત્યારે તેઓ દિવ્યાંગ લોકોને બેસવા માટે પોતાની સીટ આપતા હતા. હાથમાં છડી અને ગાઈડ ડોગ બન્નેને સંભાળવાના હોય અને લોકો સીટ ન આપે ત્યારે મને આઘાત લાગે છે. આવું તો ઘણી વખત બને છે.
અમિતે કહ્યું કે ઘણાં લોકો તેમની સાથે કર્મની વાત કરતા અને કહેતા કે તેઓ સારા હોય અને ભગવાનની પૂરતી ભક્તિ કરતા હશે તો તેમની દ્રષ્ટિ પાછી આવશે. પરંતુ, તેવું કંઈ થવાનું નથી. તે સ્વીકારી લેવાની વાત છે.
તેમણે ઉમેર્યુ ‘જીવનમાં મેં પત્ની સાથેનું અકલ્પનીય બંધન અને લાગણીની સમૃદ્ધિ મેળવ્યા છે. મારી સફળતા તેના સહયોગને આભારી છે. તે મારા માટે ઘણું કરે છે.’
કીકાને પોતાનો શ્રેષ્ઠ મિત્ર ગણાવીને અમિતે કહ્યું કે તે તેને ‘બ્લોન્ડ લીડીંગ ધ બ્લાઈન્ડ’ કહીને બોલાવે છે અને તેનો પાસપોર્ટ પણ છે. મારી દ્રષ્ટિ જતાં સર્જાયેલો શૂન્યાવકાશ તેણે ભરી દીધો છે. અમિતે જણાવ્યું હતું,‘ રમૂજની વાત તો એ છે કે મારી સાસુનું યુવાનીનું નામ કીકા હતું. ગાઈડ ડોગ અને માણસ વચ્ચે ખૂબ ઝડપથી બનેલી જોડીઓ પૈકીની એક મારી અને ડોગ કીકાની છે.
T: @BlindDad_UK / @Kika_GuideDog


