બાળકોના નામ પાડવામાં સાયન્સ ફિક્શન, સેલેબ્રિટીઝ અને શાહી પરિવારની પ્રેરણા

Saturday 10th December 2016 05:36 EST
 
 

લંડનઃ બાળકોના સૌથી લોકપ્રિય ૧૦૦ નામોની ૨૦૧૬ની યાદીમાં સ્ટાર વોર્સ સહિત સાયન્સ ફિક્શનના પાત્રો, શાહી ખાનદાન, બેકહામ્સ, રુની અને જેમી ઓલિવર સહિતની સેલેબ્રિટીઓએ પ્રેરણા પૂરી પાડી છે. જોકે, ૨૦૧૫ના નામોની યાદીમાં પ્રથમ સ્થાને રહેલા મુહમ્મદ નામને બીજા સ્થાને ધકેલી ઓલિવર નામે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. છોકરીઓનાં નામોમાં ઓલિવિયા નામ પ્રથમ ક્રમે રહ્યું છે.

બાળકોના નામ સૌથી અલગ હોય તેમ માનતા પેરન્ટ્સની સંખ્યા વધી રહી છે ત્યારે સૌથી લોકપ્રિય નામોની ૨૦૧૬ની યાદીમાં તદ્દન નવા પ્રભાવની અસર જોવાં મળી છે. સ્ટાર વોર્સ, કોમિક બૂક્સ અને સાયન્સ ફિક્શન ફિલ્મોના પાત્રો પરથી નામ પાડવાનું ચલણ વધ્યું છે. વાયને રુની અને ડેવિડ બેકહામ જેવી સેલેબ્રિટીઝ પણ બ્રિટિશ પેરન્ટ્સ માટે પ્રેરણાનો સ્રોત બન્યાં છે. શાહી પરિવારમાંથી શાર્લોટ, કેટ, કેથેરાઈન, જ્યોર્જ અને હેરી જેવાં નામો પણ વધુ જોવાં મળ્યાં છે.

રોલિંગ સ્ટોન્સના રોક એન રોલ સ્ટાર રોની વુડ્સે તેની ટ્વીન પુત્રીઓનાં નામ ગ્રેસી અને એલિસ રાખ્યા છે, જેનું અનુકરણ પણ મોટા પાયે થયું છે. લોકપ્રિય ૧૦૦ નામની યાદીમાં એલિસ ૧૯મા અને ગ્રેસી ૮૩મા ક્રમે છે. જેમી ઓલિવરે તેના નવજાત પુત્રનું નામ રિવર પાડ્યું છે, જેણે નવા નામોમાં લોકપ્રિયતા મેળવી છે. વિક્ટોરિયા એને ડેવિડ બેકહામે તેમની પુત્રીનું નામ હાર્પર રાખ્યું છે અને આ વર્ષે જ લેખક હાર્પર લીનું અવસાન થયું છે પરિણામે, આ નામે પણ લોકપ્રિયતા મેળવી છે. સ્ટાર વોર્સના મુખ્ય પાત્ર ફિનના નામે છોકરાના ૧૦૦ નામની યાદીમાં ૬૭મુ સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત, લેઈઆ, કાયલો અને એઝરા નામો પણ લોકપ્રિય બન્યાં છે.

પ્રકૃતિ સાથે વણાયેલાં લિલી, પોપી, ડેઈઝી અને હોલી નામોએ પણ ટોપ-૫૦ની યાદીમાં સ્થાન મેળવ્યું છે. એડન અને હેઝલ નામો પણ લોકપ્રિય બન્યાં છે.

છોકરીઓના ટોપ ટેન નામઃ (૧) ઓલિવિયા (૨) લિલી (૩) સોફિયા (૪) એમિલી (૫) એમેલિયા (૬) આવા (૭) ઈસ્લા (૮) ઈસાબેલા (૯) ઈઝાબેલ અને (૧૦) સોફી

છોકરાઓના ટોપ ટેન નામઃ (૧) ઓલિવર (૨) મુહમ્મદ (૩) નોહ (૪) હેરી (૫) જેક (૬) ચાર્લી (૭) જેકોબ (૮) જ્યોર્જ (૯) એથાન અને (૧૦) હેન્રી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter